મહેસાણા દૂધ સંઘના ચેરમેન અશોક ચૌધરી સામે વાઇસ ચેરમેન યોગેશ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી! જાણો વિગત

મહેસાણા, તા. 27 જૂન, 2025: મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મીટિંગમાં હોબાળો થયો હતો. ચેરમેન અશોક ચૌધરી એ વાઇસ ચેરમેનને લાફો માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને લઈ વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું.
ચેરમેન અશોકભાઈ ચૌધરી સામે ફરિયાદ કરવા વાઇસ ચેરમેન યોગેશ પટેલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. યોગેશ પટેલ સાથે ડિરેકટર કનુભાઈ ચૌધરી અને ડિરેકટર એલ કે પટેલ પણ ફરિયાદ માટે પહોંચ્યા હતો. પ્રશ્ન પૂછતાં ચેરમેને ઉશ્કેરાઈ લાફો માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. મહેસાણા દૂધસાગર ડેરીમાં ભાજપના મેન્ડેડથી ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી થઈ છે.
દૂધસાગર ડેરીના વાઈસ ચેરમેન યોગેશ પટેલે કહ્યું, બોર્ડ બેઠકની અંદર મારી જોડે કેટલાક મુદ્દાઓ હતા. જે ચેરમેન અને એમડીને પૂછવાના હતા. મારો મુદ્દો સાચો હતો.1790 કરોડ રૂપિયા દેવું બેંકોનું છે તમે સાગર પત્રિકાની અંદર ખોટું લખ્યું છે. આ મુદ્દા પર તેઓ ઉશ્કેરાયા હતા અને 6 મહિના અગાઉ પણ મને ધમકી આપી હતી. અશોક ચૌધરીએ મારા પર હુમલો કરીને મારા ચશ્મા તોડી નાંખ્યા હતા. હું પણ તેમને સામો જવાબ આપી શક્યો હોત પરંતુ પાર્ટીની ઈમેજ ખરાબ ન થાય એટલે કંઈ ન કર્યું.
ઉલ્લેખનીય છે કે મહેસાણા દૂધસાગર ડેરી એ ગુજરાતની એક અગ્રણી સહકારી દૂધ ઉત્પાદક સંસ્થા છે, જે મહેસાણા અને પાટણ જિલ્લાના પશુપાલકોના હિત માટે કાર્ય કરે છે. દૂધસાગર ડેરીની સ્થાપના ૧૯૬૩ માં થઈ હતી, જ્યારે તેનો પાયો ૮ નવેમ્બર ૧૯૬૦ ના રોજ નાખવામાં આવ્યો હતો. સ્વ. માનસિંહભાઈ પૃ. પટેલે તેની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ડેરીનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે મહેસાણા અને પાટણ જિલ્લામાં ફેલાયેલું છે. દૂધસાગર ડેરીએ હરિયાણામાં માનેસર ખાતે દૂધમાનસાગર ડેરી અને ધાહેડા ખાતે દૂધમોતીસાગર ડેરી જેવી આનુષંગિક ડેરીઓ પણ સ્થાપી છે, જે દિલ્હી અને આસપાસના રાજ્યોમાં દૂધ અને દૂધ ઉત્પાદનોનું વિતરણ કરે છે.
દૂધ ઉત્પાદન ઉપરાંત, આ ડેરી પશુ કલ્યાણ કાર્યક્રમો પણ ચલાવે છે, જેમાં પશુઓના દાણનું વિતરણ, માંદા પશુઓની સારવાર, પશુપાલન વિશે માર્ગદર્શન, અને સંવર્ધનની કામગીરીનો સમાવેશ થાય છે. તેમની પાસે પશુદાણના કારખાના પણ છે.દૂધસાગર ડેરીને “દેશની શ્રેષ્ઠ મોટા કદની કંપની” નો એવોર્ડ પણ મળેલ છે. તે એશિયાની સૌથી મોટી ડેરીઓમાંની એક ગણાય છે.
આ પણ વાંચોઃ સુરતઃ વરસાદી પાણી ઓસર્યા બાદ તંત્રએ સફાઈ ઝુંબેશ હાથ ધરી, જુઓ વીડિયો












