ગુજરાતમાં સાગમટે 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક

ગાંધીનગર, 24 ડિસેમ્બર 2025: ગુજરાત સરકારે ગત રોજ સિનિયર IAS અધિકારીઓની સાગમટે બદલીઓ કરી દીધી છે. આ બદલીઓ સાથે જ ટીમ એમ.કે.દાસ બનાવવામાં આવી છે. તેમનો મુખ્ય સચિવ તરીકેનો ડિસેમ્બર-26 સુધીનો કાર્યકાળ છે. મનોજ કુમાર દાસ સરકાર અને PM મોદીના વિશ્વાસુ હોવાની સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જોડી બનાવીને કામ કરી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, તેઓ કેન્દ્ર સરકાર સાથે પણ સંકલન કરવામાં માહેર છે.
ગુજરાતમાં 26 સિનિયર IASની થયેલી આ બદલીઓમાં કેટલાય નામો અને જે જગ્યાએ બદલી થઈ તેને લઈને પણ જબરજસ્ત ચર્ચા અને આશ્ચર્ય ફેલાયું છે. જો કે, એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, સરકાર સારું કામ કરનારા અધિકારીઓની કદર તો કરે જ છે. તેની સાથો સાથ સરકારનું કહ્યું નહી કરનારા એટલે કે હાજી…હા…નહીં કરનારા અધિકારીઓને સાઈડ પોસ્ટીંગ આપવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. જાન્યુઆરીમાં પાંચ પ્રિન્સિપલ સેક્રેટરીઓના તેમજ અમુક સેક્રેટરીઓના પ્રમોશનો આવવાના હોય હજુ વધુ બદલીઓ થવાની પૂરી શક્યતા છે.
અવંતિકાસિંઘ: બે ડઝનથી વધુ IAS અધિકારીઓની બદલીમાં સૌથી વધુ આશ્ચર્ય અને આંચકો આપે તેવા બે નામ છે. જેમાં સીએમઓમાં વર્ચસ્વ ધરાવતા અવંતિકાસિંઘ મુખ્ય છે. કારણ કે તેઓ પ્રિન્સિપલ સેક્રેટરી ન હોવા છતાં તેમને ખાસ કેસમાં પ્રમોશન આપીને મુખ્યમંત્રીના અગ્ર સચિવ બનાવાયા હતા.
સંજીવકુમાર: જ્યારે બીજું આશ્ચર્ય સંજીવકુમારનું છે. તેમને સીએમના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મુકાયા છે. આ ઉપરાંત ગૃહનો મહત્વનો વધારાનો હવાલો પણ સોંપાયો છે. તેમનાથી સિનિયર અધિકારી હોવા છતા તેમને હોમ અપાતા ગણગણાટ પણ શરુ થયો છે.
રાજેન્દ્ર્કુમાર: ટુરીઝમના સેક્રેટરી પદેથી રાજેન્દ્રકુમારની બદલી કરી દેવાઈ છે. જેને લઈને સચિવાલયમાં એવી ચર્ચા છે કે, છેલ્લા કેટલાક સમયથી ટુરીઝમના કેટલાક ટેન્ડરમાં પ્રેઝન્ટેશનમાં 70-30,60-40નો રેશિયો રખાતો હતો. એટલે કે વધુ ભાવ ભરનારી એજન્સીઓને પ્રેઝન્ટેશનમાં વધુ માર્કસ આપીને ટેન્ડર અપાતા હતા. આ સંદર્ભમાં ફરિયાદ અને આરટીઆઈ પણ ચાલી રહી છે.
અશ્વિનીકુમાર: સ્પોર્ટસ સેક્રેટરી તરીકે અશ્વિનીકુમારનું ખૂબ જ મહત્વનું યોગદાન રહ્યું છે. ખાસ કરીને દેશને કોમનવેલ્થની યજમાની અપાવવામાં તેઓએ સ્પોર્ટસ મંત્રી સાથે ટીમને લીડ કરીને સફળતા અપાવી છે. આથી સરકારે તેમને એનર્જી અને પેટ્રોકેમિકલ જેવું ખૂબ જ મહત્વનું ડિપાર્ટમેન્ટ સોંપી દીધુ છે.
વિક્રાંત પાંડે: થોડા સમય પહેલા જ સીએમઓમાં સેક્રેટરી તરીકે મુકાયેલા વિક્રાંત પાંડેને મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે મુકાયા છે. તેમજ માહીતી ખાતાનો વધારાનો હવાલો પણ સોંપાયો છે.
અરૂણકુમાર: હાલમાં મુખ્ય સચિવ પછી સૌથી સિનિયર ગણાતા અરૂણકુમાર સોલંકીને ફરીથી સાઈડ પોસ્ટિંગમાં મુકાયા છે. તેમને એગ્રીકલ્ચર અને ફાર્મર્સ વેલ્ફેર ડિપાર્ટમેન્ટની જવાબદારી સોંપાઈ છે. ખરેખર તો હોમ ડિપાર્ટમેન્ટમાં તેમની નિમણૂંક થવી જોઈએ એવુ બ્યુરોક્રેટસમાં સૌ કોઈ માની રહ્યા છે.
અજયકુમાર: તાજેતરમાં જ દીલ્હીથી ડેપ્યુટેશન પરથી ગુજરાતમાં પરત ફરેલા અજયકુમારને સીધા જ સીએમઓમાં સેક્રેટરી તરીકે મુકી દેવાયા છે.
હારિત શુક્લા: ભૂતકાળમાં ટુરીઝમ સહીતના અનેક ડિપાર્ટમેન્ટમાં કામ કરનારા પ્રિન્સિપલ સેક્રેટરી હારિત શુક્લાને છેલ્લા દોઢેક વર્ષથી ગુજરાતના ચૂંટણી કમિશનર બનાવીને સાઈડલાઈન કરાયા છે. જો કે, સરની કામગીરી ખૂબ જ સફળતાથી અને ઝડપથી કરીને સૌને આશ્ચર્યમાં મુકી દીધા હતા. ખાસ કોઈ મોટો વિવાદ પણ થયો નથી.
વિભાગીય સેક્રેટરીની બદલીની વિગતો
-
રાજીવ ટોપનો (IAS 1996): સ્ટેટ ટેક્સ કમિશ્નરથી બદલી કરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.
-
મુકેશ કુમાર (IAS 1996): શિક્ષણ વિભાગ(પ્રાથમિક અને માધ્યમિક)માંથી બદલી કરીને શિક્ષણ વિભાગ(ઉચ્ચ અને ટેકનિકલ)ના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મૂકાયા છે.
-
મિલિંદ તોરવણે (IAS 2000): પંચાયત અને ગ્રામીણ વિકાસમાંથી બદલી કરી શિક્ષણ વિભાગ(પ્રાથમિક અને માધ્યમિક)ના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવાયા છે.
-
અશ્વિની કુમાર (IAS 1997): રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગમાંથી બદલી કરી ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક અપાઈ છે.
-
ડૉ. વિનોદ રાવ (IAS 2000): શ્રમ અને રોજગાર વિભાગમાંથી બદલી કરી વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્ત થયા છે.
-
અંજુ શર્મા (IAS 1991): કૃષિ વિભાગના ACSથી બદલી કરી સામાન્ય વહીવટ વિભાગ(પર્સનલ)ના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.
-
ધનંજય દ્વિવેદી (IAS 1998): આરોગ્ય વિભાગમાંથી બદલી કરી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મૂકાયા છે.
મહત્ત્વની સંસ્થાઓ અને અન્ય નિમણૂકો
-
અવંતિકા સિંઘ ઔલખ (IAS 2003): મુખ્યમંત્રીના વધારાના પ્રિન્સિપલ સેક્રેટરી પદેથી મુક્ત કરી GSPCના મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિમણૂક અપાઈ છે. તેઓ ગુજરાત ગેસ અને GSPC LNGનો વધારાનો હવાલો પણ સંભાળશે.
-
રાજકુમાર બેનીવાલ (IAS 2004): GMBના CEO પદેથી બદલી કરી GNFC(ભરૂચ)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે મૂકાયા છે.
-
સંદીપ કુમાર (IAS 2002): કૃષિ વિભાગના સેક્રેટરીથી બદલી કરી નાણા વિભાગ(આર્થિક બાબતો)ના સેક્રેટરી બનાવાયા છે.
-
જેનુ દેવન (IAS 2006): સ્ટેમ્પ ડ્યુટી નિરીક્ષકથી બદલી કરી નાણા વિભાગ(ખર્ચ)ના સેક્રેટરી બનાવાયા છે. તેઓ GUVNLના MDનો ચાર્જ ચાલુ રાખશે.
-
લોચન સેહરા (IAS 2002): ડેપ્યુટેશનથી પરત ફરતાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સેક્રેટરી તરીકે નિમણૂક પામ્યા છે.
-
મોહમ્મદ શાહિદ (IAS 1998): સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને હવે આદિજાતિ વિકાસ વિભાગની જવાબદારી સોંપાઈ છે.
-
કોણ છે મનોજ કુમાર દાસ (એમ.કે. દાસ)
મનોજ કુમાર દાસ, જેને એમ.કે. દાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ભારતીય વહીવટી અધિકારી છે. તેઓ 1990 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ IAS (ભારતીય વહીવટી સેવા) અધિકારી છે. તેમની પાસે 30 વર્ષથી વધુ અનુભવ છે અને તેઓ ગુજરાતમાં મહત્વની ભૂમિકાઓમાં કાર્યરત રહ્યા છે.
તેમનો જન્મ 20 ડિસેમ્બર 1966ના રોજ બિહારના દરભંગામાં થયો હતો. તેમણે IIT ખડગપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક. (ઓનર્સ) ડિગ્રી મેળવી છે. તેઓ હાલમાં ગુજરાત સરકારમાં અડિશનલ ચીફ સેક્રેટરી, હોમ વિભાગમાં ફરજ બજાવે છે. તેઓ 20 ડિસેમ્બર 2026ના રોજ નિવૃત્ત થશે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં પાછા ફર્યા એકમાત્ર અધિકારી છે, જે બે દાયકામાં પહેલી વખત થયું છે.
આ પણ વાંચો: અમે ભારતના બે ભાગેડુ: લલિત મોદી અને વિજય માલ્યા યુવતી સાથે પાર્ટી કરતા દેખાયા, જાણો ક્યાં મજા માણી












