
Ahmedabad News : અમદાવાદમાં ચાંદખેડામાં રહેતા અને કંપની ચલાવતા એક શખ્સના કરન્ટ એકાઉન્ટનું નેટ બેન્કિંગ હેક કરીને હેકરે છેતરપિંડી કર્યાનું સામે આવ્યું છે. જેમાં કોઈપણ જાતના OTP કે નવા બેનિફિશિયરી મેસેજ વિના જ ખાતામાંથી કુલ 68.31 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા છે. ગત 4 નવેમ્બરે તેઓ ધોલેરાથી પરત ફરી રહ્યા હતા ત્યારે ખાતામાંથી 10 લાખ ડેબિટ થવાનો મેસેજ આવતા જ આ લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડીનો ઘટસ્ફોટ થયો હતો. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
OTP કે મેસેજ વિના ખાતામાંથી પૈસા ઉપડ્યા
સમગ્ર વિગત અનુસાર, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને કંપની ચલાવતા 36 વર્ષીય વેપારી સાથે આ સાયબર ફ્રોડ થયો છે. આ અંગે નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત 4 નવેમ્બરે બપોરે 1:30 કલાકની આસપાસ જ્યારે તેઓ ધોલેરાથી ઓફિસે પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમના મોબાઈલ પર બેન્ક ખાતામાંથી રૂપિયા 10 લાખ ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. આ જોઈ તેમણે તાત્કાલિક બેન્કમાં ફોન કરીને પોતાનું ખાતું હોલ્ડ કરવા અને બંધ કરવા જાણ કરી હતી. પરંતુ તે દરમિયાન એકાઉન્ટમાંથી અન્ય ટ્રાન્ઝેક્શન થવાના મેસેજ આવ્યો. આશ્ચર્યની વાત એ છે કે, આ તમામ ફ્રોડ ટ્રાન્ઝેક્શન વખતે તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર કોઈ OTP કે નવા બેનિફિશિયરી એડ થયાનો કોઈ જ મેસેજ આવ્યો ન હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સાયબર ફ્રોડ માટે હેકરની નવી ટ્રીક
કોઈ હેકરે અગાઉથી જ તેમની નેટ બેન્કિંગ એપ્લિકેશનની લિંકનો ડેટા ચોરી કરીને સિસ્ટમમાં એક્સેસ લઈ લીધો હતો. આ રીતે હેકરે તેમની જાણ બહાર તેમના બેન્ક એકાઉન્ટમાંથી જુદી-જુદી બેન્કોના ખાતાઓમાં કુલ રૂપિયા 68,31,539 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આ લાખો રૂપિયાની છેતરપિંડીની જાણ થતા ફરિયાદીએ પોતાના ભાગીદારને બેન્કમાં મોકલીને સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી હતી અને આ હેકર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો : ફટાકડા ફોડવા રાજકોટ એરપોર્ટ ડિરેક્ટરને ભારે પડ્યા, 24 દિવસમાં જ પદ પરથી હટાવાયા












