ફેબ્રુઆરીમાં વરસાદનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ

અમદાવાદ/ગાંધીનગર: ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં કમોસમી વરસાદ (માવઠું) પડવાનો ખતરો છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) સક્રિય થવાથી વાતાવરણમાં મોટો પલટો આવશે અને અનેક વિસ્તારોમાં હળવો કે છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 10 ફેબ્રુઆરી પછી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. ખાસ કરીને 12 ફેબ્રુઆરી આસપાસ અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત (મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી વગેરે)માં હળવો વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત, મેદાની ભાગોમાં 5થી 20 મિલિમીટર વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત (નવસારી, વલસાડ, ભરૂચ, સુરત) અને પૂર્વ ગુજરાતમાં પણ વાદળ સાથે છાંટા પડવાની આગાહી છે. 17-18 ફેબ્રુઆરી પછી હળવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેનાથી 23-28 ફેબ્રુઆરી સુધી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે.
આ કમોસમી વરસાદથી તૈયાર પાક (જેમ કે જીરું, ઘઉં વગેરે)ને નુકસાન થઈ શકે છે, જેથી ખેડૂતોમાં ચિંતા વધી છે. અંબાલાલ પટેલે ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપી છે.
આ પણ વાંચો: ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર












