અમદાવાદમાં આફ્રિકન દેશોમાંથી આવેલા 11 લોકો હોમ આઈસોલેશનમાં, SVP હોસ્પિટલમાં 60 બેડનો વોર્ડ તૈયાર

Gujarat Ebola alert: આફ્રિકાના દેશોમાં, ખાસ કરીને કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનમાં ઈબોલા વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર સંપૂર્ણ સતર્ક બની છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા SOP મુજબ અમદાવાદ એરપોર્ટ પર આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરોનું કડક સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગે એરપોર્ટ ઓથોરિટીને વિશેષ તકેદારી રાખવા સૂચના આપી છે અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા મુસાફરો પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત, રાજ્યના આરોગ્ય તંત્રને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે જેથી કોઈપણ પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
11 લોકો હોમ આઈસોલેશનમાં
આફ્રિકન દેશોમાંથી અમદાવાદ પરત આવેલા 11 લોકોને સાવચેતીના ભાગરૂપે હાલ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. સ્થાનિક અહેવાલો અનુસાર, આરોગ્ય વિભાગ તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરી મેડિકલ મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
SVP હોસ્પિટલમાં વિશેષ તૈયારી
સંભવિત ઈબોલા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદની SVP હોસ્પિટલમાં 60 બેડનો વિશેષ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. હોસ્પિટલ તંત્રને જરૂરી મેડિકલ સાધનો, સુરક્ષા કિટ અને તાલીમબદ્ધ સ્ટાફ સાથે એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.
અન્ય હોસ્પિટલોમાં પણ ખાસ તૈયારી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સંભવિત દર્દીઓ માટે 32 બેડની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં પણ 10 બેડનો આઇસોલેશન વિભાગ તૈયાર રાખવામાં આવ્યો છે.
અમદાવાદ એરપોર્ટ પર કડક સ્ક્રીનિંગ
અમદાવાદ એરપોર્ટ પર સાંજે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરોનું વિશેષ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. મુસાફરો માટે SDF (Self Declaration Form) ભરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેથી આરોગ્ય વિભાગને મુસાફરોની વિગતો અને તેમની તબિયત અંગેની માહિતી મળી રહે.
સરકારનું નિવેદન
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું છે કે ગુજરાત કે ભારતમાં હજુ સુધી ઈબોલાનો એક પણ કેસ નથી. નાગરિકોને ગભરાવવાની જરૂર નથી. તમામ તૈયારીઓ માત્ર સાવધાની માટેની છે.
આ પણ વાંચો: 30 મે બાદ ગરમીથી રાહત મળવાની શક્યતા, ત્રણ દિવસ પારો ઉંચો રહેશે












