
ખેડા, તા. 30 ઓગસ્ટ, 2025: 76મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં નિર્માણ પામેલા રાજ્યના 24 માં સાંસ્કૃતિક વનના લોકાર્પણ માટે ખેડા જિલ્લામાં પધારેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સરનાલ ગામ સ્થિત ગળતેશ્વર મંદિરમાં મહાદેવ ના પૂજા અર્ચન કરીને રાજ્યની જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
ઠાસરા તાલુકાના સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાન ઉપર આવેલા પૌરાણિક ગળતેશ્વર મહાદેવના પૂજન અર્ચન બાદ મુખ્યપ્રધાન મંદિરની પરિક્રમા કરી હતી. તેમણે આ પૌરાણિક મંદિરના સ્થાપત્યને નિહાળ્યુ હતુ અને ગાલ્વ ઋષિના માહત્મ્યથી પરિચિત થયા હતા.
ગળતેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ
ગળતેશ્વર મંદિરનું નિર્માણ સોલંકી યુગમાં 12મી સદીમાં થયું હોવાનું મનાય છે. આ મંદિરની સ્થાપના રાજા ગળતેશ્વરે કરી હોવાનું માનવામાં આવે છે, જેઓ શિવભક્ત હતા. આ મંદિરની સ્થાપત્ય શૈલી સોલંકી અને મારુ-ગુર્જર સ્થાપત્ય શૈલીનું અનોખું મિશ્રણ છે, જે આ મંદિરને અન્ય મંદિરોથી અલગ પાડે છે.

મંદિરની સ્થાપત્ય શૈલી
આ મંદિર અષ્ટકોણીય ગર્ભગૃહ ધરાવતું એકમાત્ર મંદિર છે. ગર્ભગૃહની ઉપરનો ભાગ ખુલ્લો છે. આ મંદિર ગોળાકાર પાયા પર બાંધવામાં આવ્યું છે. આ મંદિરનો મંડપ પણ અષ્ટકોણીય છે. મંદિરના થાંભલાઓ શિવ, પાર્વતી, ગણેશ, અને મહાવીર સ્વામી જેવી વિવિધ મૂર્તિઓથી સુશોભિત છે. આ મંદિર તેના સુંદર કોતરણીકામ, સ્તંભો અને શિખર માટે પ્રખ્યાત છે. શિવલિંગની ફરતે બે નંદી સ્થાપિત છે, જે ભારતના અન્ય મંદિરોથી અલગ છે.
પૌરાણિક માન્યતાઓ
ગળતેશ્વર મહાદેવ મંદિર સાથે ઘણી પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે. એક દંતકથા અનુસાર, મહર્ષિ ગાલ્વે અહીં તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને, ગંગા નદી અહીં ગળતી નદીના સ્વરૂપમાં પ્રગટ થઈ, તેથી આ સ્થળનું નામ ગળતેશ્વર પડ્યું. અન્ય એક કથા અનુસાર, આ મંદિરનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું છે. આ શિવલિંગના દર્શન કરવાથી ભક્તોના તમામ દુઃખ દૂર થાય છે તેવી માન્યતા છે.

ગળતેશ્વરનો કુંડ
મંદિર પરિસરમાં એક ગરમ પાણીનો કુંડ પણ છે. એવી માન્યતા છે કે આ કુંડના પાણીમાં સ્નાન કરવાથી ચામડીના રોગો મટી જાય છે. શ્રાવણ માસ દરમિયાન અને મહાશિવરાત્રી જેવા તહેવારોમાં મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવે છે.
આ પણ વાંચોઃ શા માટે ટ્રેન્ડ કરે છે “ટ્રમ્પ ઈઝ ડેડ” હૅસટેગ? ક્યાં છે અમેરિકી પ્રમુખ? સોશિયલ મીડિયામાં અફવાની ભરમાર












