Gujarat Cabinet Reshuffle: નવા મંત્રીઓને કોણે ફોન કરી આપી દિવાળી ભેટ?

ગાંધીનગર, તા. 17 ઓક્ટોબર, 2025: ગુજરાતમાં થોડીવારમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે. મંત્રીમંડળમાં સામેલ થનારા નેતાઓને ફોન પણ આવી ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રિપીટને મુખ્યમંત્રીનો અને નવા મંત્રીઓને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો ફોન આવ્યો હતો. મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરીને તેમને નવા મંત્રીમંડળની યાદી પણ સોંપી દીધી છે.
નવા મંત્રીઓમાં કાંતિ અમૃતિયા, કૌશિક વેકરીયા, અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી, રિવાબા જાડેજા, જયરામ ગામીતને ફોન આવી ગયો છે. આ ઉપરાંત રમેશ કટારા,જીતુ વાઘણી, મનીષા વકીલની પણ મંત્રીમંડળમાં એન્ટ્રી થઇ છે. નવા મંત્રીઓને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ફોન કરીને જાણ કરી રહ્યા છે.
નવા મંત્રીમંડળની શપથ વિધિ બાદ બપોરે લગભગ 3 વાગ્યા આસપાસ કેબિનેટ બેઠક મળવાની સંભાવના છે. આ બેઠકમાં તમામ મંત્રીઓને તેમના મહત્વપૂર્ણ ખાતાઓની ફાળવણી કરવામાં આવશે. ખાતાઓની વહેંચણી એ સરકારની પ્રાથમિકતાઓ અને નવા મંત્રીઓની ક્ષમતાનો અરીસો હશે. મંત્રીઓ પોતાના ખાતાનો ચાર્જ ક્યારે સંભાળશે તે અંગે શુભ મુહૂર્તનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કેટલાક મંત્રીઓ ધનતેરસના શુભ દિવસે પોતાનો ચાર્જ સંભાળશે, જ્યારે અન્ય કેટલાક મંત્રીઓ દિવાળી બાદ સાતમના દિવસે (નવા વર્ષના પ્રથમ સાતમા દિવસે) ઓફિસનો ચાર્જ સંભાળીને નવા પ્રારંભની શરૂઆત કરશે.
આ સમગ્ર કવાયત રાજ્યમાં સુશાસન સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે. શિક્ષિત અને સ્વચ્છ પ્રતિભાને મંત્રીમંડળમાં સમાવવાથી વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા અને ગતિ આવવાની અપેક્ષા છે. જનતાને આશા છે કે આ નવું મંત્રીમંડળ વિકાસના કાર્યોને અધિક વેગ આપશે અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન પ્રદાન કરશે. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, આ નવું મંત્રીમંડળ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે કટિબદ્ધ રહેશે તેવી અપેક્ષા છે.












