ગાંધીનગર મનપા સહિત સ્થાનિક ચૂંટણીમાં ભાજપની મોટી તૈયારીઓ, 20 નેતાઓને સ્ટાર પ્રચારકની જવાબદારી
BJP Star Campaigners: ગાંધીનગર મહાનગરપાલિકા (GMC), ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણી તેમજ વિવિધ બેઠકોની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચારને વેગ આપવાની તૈયારીઓ શરૂ કરી છે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ ગાંધીનગર મનપા સહિત ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણી માટે 11 ઓક્ટોબરે મતદાન અને 13 ઓક્ટોબરે પરિણામ જાહેર થવાનું છે.
20 દિગ્ગજ નેતાઓને સ્ટાર પ્રચારકની જવાબદારી
ભાજપે ચૂંટણી પ્રચાર માટે 20 નેતાઓને સ્ટાર પ્રચારક તરીકે મેદાનમાં ઉતાર્યા હોવાની માહિતી સામે આવી છે. આ યાદીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પાંડેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ ઋષિકેશ પટેલ, પ્રવીણ માળી અને સ્વરૂપજી ઠાકોરને પણ પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. જામનગર ઉત્તરનાં ધારાસભ્ય રીવાબા જાડેજા તેમજ ગાંધીનગર ઉત્તર અને ગાંધીનગર દક્ષિણના સ્થાનિક ધારાસભ્યોને પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ઓખા માટે પબુભા માણેક અને પૂનમબેન માડમ પણ મેદાનમાં
ઓખા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે જામનગરનાં સાંસદ પૂનમબેન માડમ અને દ્વારકાના નેતા પબુભા માણેકને પણ પ્રચારની જવાબદારી આપી છે. સ્થાનિક સ્તરે જનસંપર્ક વધારવા માટે આ નેતાઓ જાહેર સભાઓ, રોડ શો અને કાર્યકરો સાથેના કાર્યક્રમોમાં ભાગ લે તેવી શક્યતા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ગાંધીનગર પર ખાસ ફોકસ
ગાંધીનગર મનપામાં કુલ 11 વોર્ડ અને 44 કોર્પોરેટર બેઠકો છે. 2021ની ચૂંટણીમાં ભાજપે 44માંથી 41 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 2 અને આમ આદમી પાર્ટીને 1 બેઠક મળી હતી. આ વખતે પણ ગાંધીનગરની ચૂંટણીમાં રાજકીય પક્ષો વચ્ચે મુખ્ય મુકાબલો જોવા મળશે.
ભાજપના સ્ટાર પ્રચારકો આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં જનસભા, રોડ શો અને ડોર-ટુ-ડોર જનસંપર્ક દ્વારા ઉમેદવારો માટે પ્રચાર કરશે. સ્થાનિક ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષે રાજ્યસ્તરના નેતાઓ સાથે સ્થાનિક નેતાઓને પણ પ્રચારમાં જોડીને સંગઠનને વધુ સક્રિય બનાવવાની દિશામાં તૈયારી કરી છે.
આ પણ વાંચો: કોણ છે ધનરાજ પરિમલ નથવાણી, જેને સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભામાં મોકલશે











