વેસ્ટ ટુ વેલ્થની સાચી મિસાલ: બનાસ બાયો-સીએનજીએ બદલી ગ્રામીણ અર્થતંત્રની તસવીર

Banas Bio CNG: ગુજરાતનું ‘બનાસ બાયો સીએનજી’ મોડલ કચરામાંથી કંચન અને ગ્રામીણ સમૃદ્ધિનો નવો રાષ્ટ્રીય માપદંડ બની રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વેસ્ટ ટુ વેલ્થ’, આત્મનિર્ભર ભારત અને હરિત ઊર્જાના વિઝનને સાકાર કરતા આ પ્રોજેક્ટ ગુજરાતના વિકાસ મોડલને રાષ્ટ્રીય સ્તરે સફળ ઉદાહરણ તરીકે સ્થાપિત કરી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બનાસ ડેરી દ્વારા વિકસિત આ મોડલને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય અને કેન્દ્રીય સહકારિતા વિભાગના સંયુક્ત પ્રયાસોથી દેશના લગભગ 15 રાજ્યો પોતાના અહીં અમલી કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
બનાસ ડેરી દ્વારા વિકસિત આ પ્રોજેક્ટ ગાયના છાણ જેવા જૈવિક કચરાને સ્વચ્છ બળતણ (બાયો સીએનજી) અને જૈવિક ખાતરમાં રૂપાંતરિત કરીને ગ્રામીણ અર્થતંત્રની તસવીર બદલી રહ્યું છે. આ મોડલ કચરા વ્યવસ્થાપન, સ્વચ્છ ઊર્જા ઉત્પાદન અને ખેડૂતોની આવક વધારવાના ત્રિવિધ લક્ષ્યોને એકસાથે પાર પાડી રહ્યું છે, જે ગુજરાતને ‘ગ્રીન ગુજરાત’ના સંકલ્પ તરફ વેગ આપી રહ્યું છે.
બાયો સીએનજી માટે બજેટમાં 60 કરોડની ફાળવણી
ગુજરાત સરકારે બાયો સીએનજી પ્લાન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય બજેટમાં 60 કરોડની વિશેષ જોગવાઈ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ ફાળવણી સહકારી દૂધ ઉત્પાદન મંડળીઓ દ્વારા નવા પ્લાન્ટ્સ સ્થાપિત કરવા માટે કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યમાં તબક્કાવાર રીતે લગભગ 10 બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપિત કરવાનો પ્લાન પ્રસ્તાવિત છે. આ જોગવાઈનો મુખ્ય ઉદ્દેશ ડેરી ક્ષેત્રને સ્વચ્છ ઊર્જા ઉત્પાદનનું કેન્દ્ર બનાવવાનો અને ગ્રામીણ અર્થતંત્રને વધુ આત્મનિર્ભર બનાવવાનો છે.
40 મેટ્રિક ટન ગોબર પ્રોસેસિંગની ક્ષમતા
બનાસકાંઠામાં આવેલો બનાસ બાયો-સીએનજી પ્લાન્ટ છેલ્લા 6 વર્ષોથી સફળતાપૂર્વક કાર્યરત છે, જે દૈનિક 40 મેટ્રિક ટન ગોબર પ્રોસેસિંગની ક્ષમતા ધરાવે છે. આ મોડલની સફળતાથી પ્રેરિત થઈને બનાસકાંઠામાં વધુ 5 મોટા બાયો-સીએનજી પ્લાન્ટ શરૂ કરવાનું કામ ચાલી રહ્યું છે. આમાંથી 2 પ્લાન્ટ્સ હાલમાં કાર્યરત થઈ ગયા છે, જ્યારે ત્રીજો પ્લાન્ટ પૂર્ણતાના અંતિમ તબક્કામાં છે. દરેક નવા પ્લાન્ટ દૈનિક લગભગ 100 મેટ્રિક ટન (1 લાખ કિલો) છાણને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોસેસ કરે છે. આ પ્લાન્ટ્સનું નિર્માણ આશરે 50-55 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે અને તે આધુનિક ટેક્નોલોજી તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉત્તમ ઉદાહરણ છે.
આ પ્લાન્ટ મોડલ ખેડૂતો, ઉદ્યોગો અને પર્યાવરણ જાળવણી માટે ‘વિન-વિન’ સંયોજન સાબિત થઈ રહ્યું છે. તે ઇકોલોજી અને ઇકોનોમીને સમાંતર રીતે આગળ વધારે છે અને પર્યાવરણ સંરક્ષણ, ખેડૂતોની સમૃદ્ધિ તથા ઔદ્યોગિક પ્રગતિને એકસાથે શક્ય બનાવે છે. પ્લાન્ટ વિવિધ ઉત્પાદનો આધારિત આર્થિક મોડલ પર કાર્ય કરે છે, જેમાં બાયો સીએનજી ગેસ ઉપરાંત જૈવિક ખાતર જેવા ઉત્પાદનો દ્વારા પણ આવક મેળવી શકાય છે.
પશુપાલકો માટે વધારાની આવકનો સ્ત્રોત
પશુપાલકો માટે આ પ્લાન્ટ વધારાની આવકનો મહત્વનો સ્ત્રોત બની રહ્યો છે. બનાસકાંઠાના પ્લાન્ટ્સ આશરે 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા 20-25 ગામોના પશુપાલક પરિવારોને આવરી લે છે. ખેડૂતોને છાણ માટે પ્રતિ કિલોગ્રામ ₹1નો ભાવ ચૂકવવામાં આવે છે, જે અંદાજે 400-450 પશુપાલક પરિવારોને વધારાની આવક પૂરી પાડે છે. છાણના સંગ્રહ અને પરિવહન માટે લગભગ 13 ટ્રેક્ટર-ટ્રોલીનો ઉપયોગ થાય છે, જે પ્રતિ ટ્રીપ 4-4 મેટ્રિક ટન છાણ વહન કરે છે. આનાથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થઈ રહ્યો છે.
દરેક પ્લાન્ટ દરરોજ આશરે 1,800 કિલોગ્રામ કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CNG)નું ઉત્પાદન કરે છે, જે ₹75 પ્રતિ કિલોગ્રામના ભાવે બજારમાં વેચાય છે. આ ઉપરાંત, લગભગ 25 મેટ્રિક ટન ઘન જૈવિક ખાતર (₹6 પ્રતિ કિલોગ્રામ) અને 75 મેટ્રિક ટન પ્રવાહી જૈવિક ખાતર (₹0.50 પ્રતિ કિલોગ્રામ)નું ઉત્પાદન થાય છે. આ ત્રણેય ઉત્પાદનો મળીને પ્લાન્ટ માટે દરરોજ ₹3 લાખથી વધુની આવક ઉત્પન્ન કરે છે, જે વાર્ષિક આશરે ₹12 કરોડ સુધી પહોંચી શકે છે. આ આવક બાયો સીએનજી ગેસ અને જૈવિક ખાતરના વેચાણમાંથી મળે છે.
બાયો-સીએનજી પ્લાન્ટ્સ રાજ્ય સરકારના ‘ગ્રીન ગુજરાત’ના સંકલ્પને વેગ આપી રહ્યો છે. આ મોડલ વાર્ષિક આશરે 6,750 ટન CO2e (કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ) ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો કરવાની ક્ષમતા ધરાવે છે. સ્વચ્છ ઇંધણનું ઉત્પાદન, રસાયણમુક્ત જૈવિક ખાતરની ઉપલબ્ધતા અને વૈજ્ઞાનિક કચરા વ્યવસ્થાપનના આ ત્રિકોણીય સંગમથી ‘ગ્રીન બનાસકાંઠા’થી આગળ વધીને ‘ગ્રીન ગુજરાત’ના વ્યાપક સંકલ્પને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ આબોહવા પરિવર્તનના વૈશ્વિક પડકાર સામે ગુજરાતનું નોંધપાત્ર યોગદાન પણ દર્શાવે છે.












