ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયનો મોટો નિર્ણય, 29 ફરાર આરોપીઓની યાદી જાહેર, માહિતી આપનારને ઇનામ, નામ ગુપ્ત રહેશે

Rajkot Police: ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે મહત્વનું પગલું ભર્યું છે. તેમણે રેન્જ હેઠળના પાંચ જિલ્લાઓના કુલ 29 ફરાર આરોપીઓની યાદી જાહેર કરી છે અને તેમની માહિતી આપનારને રોકડ ઇનામ જાહેર કર્યું છે. માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.

રાજકોટ રેન્જ (દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા)માં આ અભિયાન હેઠળ આરોપીઓ વિરુદ્ધ કોર્ટના ધરપકડ વોરંટ હોવા છતાં તેઓ હજુ સુધી પકડાયા નથી. આ તમામ આરોપીઓ હત્યા, લૂંટ, અપહરણ, પોક્સો, એનડીપીએસ, આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. નિર્લિપ્ત રાયે જનતાને અપીલ કરી છે કે સચોટ માહિતી મળે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા રાજકોટ રેન્જ કચેરીનો સંપર્ક કરવો.

ઇનામની વિગતો

દરેક આરોપી મુજબ માહિતી આપનારને 5 થી 20 હજાર સુધીનું ઇનામ આપવામાં આવશે. ઇનામની રકમ આરોપીના ગુનાની ગંભીરતા પર આધારિત છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે માહિતી આપનારનું નામ કોઈને જણાવવામાં આવશે નહીં અને તેમની સુરક્ષાની પણ જવાબદારી લેવામાં આવશે.

આ નિર્ણય નિર્લિપ્ત રાયે રાજકોટ રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળ્યા બાદની પ્રથમ મોટી કાર્યવાહી છે. તેમની એન્ટ્રી બાદ સૌરાષ્ટ્રમાં ગુનેગારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ તેમણે અનેક કુખ્યાત આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક જેવી કાર્યવાહી કરી હતી.

પોલીસનું કહેવું છે કે જનતાના સહકારથી જ આ ફરાર આરોપીઓને જલદી પકડી શકાશે અને વિસ્તારમાં કાયદો વ્યવસ્થા મજબૂત બનશે. માહિતી માટે રાજકોટ રેન્જ પોલીસ કંટ્રોલ રૂમ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે.

આ પણ વાંચો: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની તૈયારીઓ તેજ, ફ્લાઈંગ સ્ક્વોડ અને સિંગલ વિન્ડો સિસ્ટમ સક્રિય

Back to top button