ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: 224 તાલુકામાં વરસાદ, અમદાવાદ-ધોળકામાં જળબંબાકાર

Gujarat Rain: ગુજરાતમાં 18 સપ્ટેમ્બરે ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો હતો. રાજ્યના કુલ 224 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં ગીર સોમનાથના ગીર ગઢડા અને અરવલ્લીના મેઘરજમાં સૌથી વધુ 3-3 ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં પણ 2.87 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી રાજ્યના 62 તાલુકાઓમાં એક ઇંચથી ત્રણ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠાના તાલોદમાં 2.52 ઇંચ, નર્મદાના દેડિયાપાડામાં 2.40 ઇંચ, અરવલ્લીના મોડાસામાં 2.36 ઇંચ, મહીસાગરના કડાણામાં 2.24 ઇંચ, ગાંધીનગરના માણસામાં 2.13 ઇંચ અને મહેસાણાના ખેરાલુમાં 2.01 ઇંચ વરસાદ નોંધાયો હતો.

અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર પાણી

અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. બોપલ, શીલજ, પકવાન, માનસી સર્કલ, શેલા અને ઘુમા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.

આ ઉપરાંત જમાલપુર, કાંકરિયા, મેમનગર, આસ્ટોડિયા, પાલડી, આશ્રમ રોડ, જોધપુર અને વસ્ત્રાપુરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અનેક રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી અને કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

ધોળકામાં જળબંબાકાર, સોસાયટીઓ પાણીમાં ગરકાવ

ધોળકા શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. કલીકુંડથી મુખ્ય બજાર તરફ જતા માર્ગ અને નગરપાલિકા કચેરી રોડ પર પાણી ભરાતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું.

સાનિધ્ય સોસાયટી, વંદે માતરમ સોસાયટી, શિવમ સોસાયટી અને શેત્રુંજય સોસાયટી સહિતના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. ગુંદરા રોડ વિસ્તારમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

સ્થાનિકોનો આક્ષેપ છે કે દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવા છતાં પાણીના નિકાલ માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવી નથી.

ચલોડા-બદરખામાં પાણી, લોકોને સ્થળાંતરની ફરજ

ધોળકા-સરખેજ હાઈવે પર આવેલા ચલોડા અને બદરખા ગામોમાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘરો સુધી પહોંચતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. અંબાજી તરફ જતા પદયાત્રીઓ અને સંઘોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

બદરખાના મુખ્ય પ્રવેશદ્વાર, માંડણપુરા વિસ્તાર, મહારાણા પ્રતાપ ચોક, રામાપીર વિસ્તાર અને રબારીવાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સ્થાનિકોએ પાણીના નિકાલની વ્યવસ્થા સામે તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા.

અમરેલી જિલ્લામાં વરસાદથી ખેડૂતોમાં ખુશી

અમરેલી જિલ્લાના ધારી, ખાંભા, સાવરકુંડલા, જાફરાબાદ, બગસરા અને રાજુલા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો.

ધારીના ગોવિંદપુર, કાંકસા અને સુખપુર, ખાંભાના ડેડાણ અને રાણીંગપરા, તેમજ જાફરાબાદના વડેરા, કડીયાળી અને મીતીયાળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.

વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ઊભા પાકને ફાયદો થવાની આશાએ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

છોટા ઉદેપુરમાં પાકને જીવનદાન

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી, સંખેડા, પાવી જેતપુર અને છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો.

જિલ્લો વરસાદ આધારિત ખેતી ધરાવતો હોવાથી આ વરસાદ કપાસ સહિતના ઊભા પાક માટે રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલના તબક્કે પાક માટે પાણી જરૂરી હોવાથી વરસાદથી ખેતીને ફાયદો થશે.

જોકે, નસવાડીમાં HDFC બેંક નજીક વરસાદી પાણી ભરાતા પાણીના નિકાલની વ્યવસ્થા સામે ફરી સવાલો ઊભા થયા હતા.

કુલ મળીને રાજ્યમાં વરસેલા વરસાદે એક તરફ અમદાવાદ અને ધોળકા જેવા વિસ્તારોમાં જળબંબાકાર અને ટ્રાફિકની સમસ્યા ઊભી કરી છે, તો બીજી તરફ અમરેલી અને છોટા ઉદેપુરના ખેડૂતો માટે આ વરસાદ રાહત અને ખુશી લઈને આવ્યો છે.

આ પણ વાંચો: 100 ટકા ટેરિફવાળા બિલ પર ડોનાલ્ડ ટ્રમ્પે સાઈન કરી, જાણો કેવી રીતે ભારત-ચીન પર અસર પડશે

Back to top button