અમદાવાદના નરોડામાં જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો લોહિયાળ બન્યો, પત્નીએ ચપ્પુના ઘા ઝીંકી પતિની કરી હત્યા

Naroda Wife Kills Husband: અમદાવાદના નરોડા વિસ્તારમાં ઘરકંકાસની એક ગંભીર ઘટના સામે આવી છે. જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં 34 વર્ષીય મહિલાએ પોતાના પતિ પર ચપ્પુથી હુમલો કર્યો હતો. છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચતાં પતિનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં નરોડા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પત્નીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જમવા બાબતે બોલાચાલી બાદ ચપ્પુથી હુમલો
મળતી માહિતી મુજબ, નરોડા સ્માર્ટ સિટી-2માં રહેતા દિલીપભાઈ ખરાડી અને તેમની 34 વર્ષીય પત્ની નિર્મલાબેન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી નાની-મોટી બાબતોને લઈને ઘરકંકાસ ચાલતો હતો. દરમિયાન જમવા બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આ તકરાર દરમિયાન નિર્મલાબેન આવેશમાં આવીને રસોડામાંથી શાકભાજી સમારવાનું ધારદાર ચપ્પુ લઈ આવ્યા હતા અને પતિ દિલીપભાઈની છાતીના ડાબા ભાગે ઘા ઝીંક્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા દિલીપભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેમનું મોત નીપજ્યું હતું.
પોલીસની તપાસમાં CCTV અને બાતમીદારોની મદદ
ઘટનાની જાણ થતાં નરોડા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.
બીજી તરફ, ઘટનાની તપાસ માટે પોલીસે વિસ્તારના CCTV ફૂટેજ તપાસ્યા હતા અને સ્થાનિક બાતમીદારોની મદદ લીધી હતી. પોલીસની અલગ-અલગ ટીમોએ તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં નિર્મલાબેનને ઝડપી પાડ્યાં હતાં.
હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસની પૂછપરછ
પોલીસે આરોપી પત્ની સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ, જમવા બાબતે થયેલી બોલાચાલી દરમિયાન આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જોકે, આ બનાવ પાછળ માત્ર ઘરેલુ તકરાર જ કારણભૂત હતી કે પછી અન્ય કોઈ જૂની અદાવત કે કારણ હતું, તે જાણવા પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આરોપી મહિલાની પૂછપરછ અને તપાસના આધારે હત્યા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: દિવાળીની રાત્રે અમદાવાદ મેટ્રો સેવા વહેલી બંધ થશે, સાંજે 7 વાગ્યા બાદ મુસાફરોને નહીં મળે પ્રવેશ












