ગુજરાત

અમદાવાદમાં પરણિતા પર દુષ્કર્મ: બે વર્ષની માસૂમ દીકરીને મારી નાખવાની ધમકી આપી આચર્યું કુકર્મ

Ahmedabad Isanpur Crime: અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતી એક પરિણીતાની 2 વર્ષની માસૂમ બાળકીને જાનથી મારી નાખવાની ભયાનક ધમકી આપીને એક નરાધમે વારંવાર દુષ્કર્મ આચર્યાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. આટલું જ નહીં, આરોપીએ પીડિતા સાથેની અંગત પળોના વિવાદિત ફોટા પાડીને તેને સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની તથા પતિને મોકલી દેવાની ધમકી આપી બ્લેકમેઈલિંગ પણ શરૂ કર્યું હતું. આ મામલે પીડિતાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પરિચયનો ગેરલાભ ઉઠાવી માસૂમ બાળકીના નામે આપી ધમકી

મૂળ બિહારના કિશનગંજનો વતની અને હાલ અમદાવાદના વિશાલનગર ખાતે રહેતો મિસ્ટુકુમાર મનોજકુમાર સિંહા નામનો શખ્સ અને પીડિતા 3 વર્ષ પહેલાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે સંપર્ક વધતાં આરોપી અવારનવાર મહિલાની 2 વર્ષની દીકરીને રમાડવાના બહાને પોતાના ઘરે લઈ જતો હતો. મે 2024 માં આરોપી બાળકીને ઘરે લઈ ગયા બાદ પરત મૂકવા ન આવતાં, મહિલા દીકરીને લેવા તેના ઘરે પહોંચી હતી. તે સમયે ઘરમાં કોઈ ન હોવાથી આરોપીએ એકલતાનો લાભ ઉઠાવી શારીરિક સંબંધ બાંધવાની માંગ કરી હતી. મહિલાએ વિરોધ કરતાં આરોપીએ દીકરીને મારી નાખવાની ધમકી આપી કુકર્મ આચર્યું હતું.

અંગત પળોના ફોટો પાડીને હોટેલોમાં આચર્યું શોષણ

દુષ્કર્મ દરમિયાન આરોપી મિસ્ટુકુમારે પોતાના મોબાઈલ ફોનમાં પરિણીતા સાથેના અંગત ફોટોગ્રાફ્સ પણ પાડી લીધા હતા. ત્યારબાદ આ ફોટોગ્રાફ્સ પતિ તેમજ સાસરિયાઓને મોકલી દેવાની અને વાઈરલ કરી દેવાની ધમકી આપીને તે મહિલાને સતત બ્લેકમેઈલ કરવા લાગ્યો હતો. આરોપી ધમકીઓ આપીને પરિણીતાને અવારનવાર અલગ-અલગ હોટેલોમાં લઈ જઈ શારીરિક શોષણ કરતો રહ્યો હતો. આરોપીની આ સતત માનસિક અને શારીરિક ત્રાસદાયક હરકતોથી કંટાળીને આખરે પરિણીતાએ તેની સાથે તમામ સંબંધો કાપી નાખ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રસ્તા વચ્ચે હુમલો અને બોલાચાલી બાદ પોલીસ ફરિયાદ

સંબંધ તોડી નાખ્યા બાદ પણ આરોપીએ મહિલાનો પીછો કરવાનું બંધ કર્યું ન હતું. મે માસની 5 તારીખે પરિણીતા પોતાનું એક્ટિવા લઈને જઈ રહી હતી ત્યારે આરોપીએ મંગલેશ્વર મહાદેવ રોડ પર તેને રસ્તામાં આંતરીને મારપીટ કરી હતી. ત્યારબાદ ઓગસ્ટ માસની 30 તારીખે આરોપી મહિલાની ઓફિસ પાસે પહોંચી ગયો હતો અને ત્યાં તેની સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. આરોપીના વધતા જતા ત્રાસથી કંટાળીને પરિણીતાએ આખરે હિંમત કરીને પોતાના પરિવારજનોને આપવીતી જણાવી હતી. આ મામલે ઈસનપુર પોલીસે ગુનો નોંધી આરોપી મિસ્ટુકુમારની ધરપકડ કરવા માટે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: વાનમાં બેસતા જ બાળકના હાથમાંથી વહ્યું લોહી, 6 દિવસ સુધી આચાર્યે વાત છુપાવી રાખતા મચ્યો ભારે બબાલ!

Back to top button