ગુજરાત

વાનમાં બેસતા જ બાળકના હાથમાંથી વહ્યું લોહી, 6 દિવસ સુધી આચાર્યે વાત છુપાવી રાખતા મચ્યો ભારે બબાલ!

Bhuyangdev Sharda Vidyamandir Controversy: અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલી શાસિત શારદા વિદ્યામંદિર શાળા હાલ ભારે વિવાદના વંટોળમાં ઘેરાઈ છે. ઓગસ્ટ માસની 31 તારીખે શાળા છૂટ્યા બાદ ધોરણ 8માં અભ્યાસ કરતા એક માસુમ વિદ્યાર્થીના હાથ પર ગંભીર અને તીક્ષ્ણ ઇજા પહોંચતા તેને હોસ્પિટલમાં 15 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. આ ઘટના બાદ શાળા તંત્રની ગંભીર બેદરકારી અને મામલો દબાવી દેવાના પ્રયાસો સામે આવતા વાલીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. વિદ્યાર્થી પર કોઈ હુમલો થયો છે કે તેને અકસ્માતે વાગ્યું છે તે અંગે હાલ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

વાનમાં બેસતા જ લોહી લુહાણ હાલત જોઈ અન્ય વિદ્યાર્થીઓ ચમક્યા

ઘટનાની વિગતો મુજબ, 31 ઓગસ્ટના રોજ શાળાનો સમય પૂરો થતાં ધોરણ 8નો વિદ્યાર્થી બહાર નીકળીને સીધો પોતાની સ્કૂલ વાનમાં બેસવા ગયો હતો. આ સમયે વાનમાં બેઠેલા અન્ય એક વિદ્યાર્થીની નજર તેના હાથમાંથી સતત વહી રહેલા લોહી પર પડી હતી. બાળકના હાથ પર તીક્ષ્ણ હથિયાર કે વસ્તુથી વાગ્યો હોય તેવો મોટો અને ઊંડો ઘા હતો. લોહીનું ભયાનક વહેણ જોઈ વાન ચાલકે તુરંત જ પ્રાથમિક સારવાર રૂપે પાટો બાંધી આપ્યો હતો. તબીબી સારવારની ગંભીર જરૂરિયાત હોવા છતાં વાન ચાલક તેને ઘરે મૂકી ગયો હતો, જ્યાંથી ગભરાયેલા માતા-પિતા બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તબીબોએ બાળકની ગંભીર ઇજાને ધ્યાને લઈ 15 ટાંકા લીધા હતા.

તપાસ કરવા પહોંચેલા વાલીઓને શાળાએ આપ્યા ગોળ-ગોળ જવાબો

પુત્રની આવી ગંભીર હાલત જોઈને આઘાત પામેલા વાલીઓ સત્ય જાણવા માટે શાળા સત્તાધીશો પાસે પહોંચ્યા હતા. બાળકે પણ પોતે અજાણ હોવાનું જણાવતા વાલીઓએ પ્રિન્સિપાલ સમક્ષ ક્લાસરૂમ અને કેમ્પસના સીસીટીવી (CCTV) ફૂટેજ બતાવવા માંગ કરી હતી. સાત દિવસ જેટલો લાંબો સમય વિતી ગયો હોવા છતાં શાળાએ આ મામલાને જરાય ગંભીરતાથી લીધો ન હતો. વાલીને સોમવારે સીસીટીવી બતાવવાનું કહીને મોકલી દેવાયા હતા. જોકે, સોમવારે જ્યારે વાલી અને શાળાએ પહોંચ્યા ત્યારે શાળા પ્રશાસને સીસીટીવી બંધ હોવાનું બહાનુ ધરીને પોતાનો બચાવ કરવાનો નિર્લજ્જ પ્રયાસ કર્યો હતો.

બરાબર ઘટનાના સમયે જ સીસીટીવી બંધ થઈ જતાં ઊભા થયા અનેક રહસ્યો

અતિ આશ્ચર્યજનક વાત એ છે કે શાળાના કેમેરા આખો દિવસ કાર્યરત હતા, પરંતુ બરાબર જે સમયે આ ઘટના બની તે જ 3 થી 4 કલાકના સમયગાળા દરમિયાન ટેકનિકલ ખામીના નામે કેમેરા બંધ થઈ ગયા હોવાનું રટણ શાળાએ શરૂ કર્યું છે. આ વિચિત્ર બહાનાને કારણે શાળા પ્રશાસન કશુંક છુપાવી રહ્યું હોવાની શંકા દ્રઢ બની છે. બીજી તરફ, ઘટનાના 6-6 દિવસ વિતી જવા છતાં પ્રિન્સિપાલ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી કે શાળાના ટ્રસ્ટી મેનેજમેન્ટને પણ કોઈ જાણ કરવામાં આવી ન હતી. આચાર્યના આ વલણથી સમગ્ર મામલે મોટો ઢાંકપિછોડો થયો હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીથી ટ્રસ્ટી જાગ્યા, પોતાની ભૂલ સ્વીકારી

શાળાના ટ્રસ્ટી સુરેશ બારોટે સ્વીકાર્યું હતું કે, તેમને આ સમગ્ર બનાવની જાણ શાળા પરિવાર તરફથી નહીં પરંતુ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી થઈ હતી! તેમણે જણાવ્યું કે, “મેનેજમેન્ટને અંધારામાં રાખવા બદલ અમે આચાર્ય સામે કડક કાર્યવાહી કરીશું. વાલીની રજૂઆત સમયે જ સીસીટીવી તપાસવા જોઈતા હતા. આખો દિવસ કેમેરા ચાલુ રહ્યા અને તે જ સમયે બંધ રહ્યા તે અંગે ટેકનિકલ નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે. અમારા સ્તરેથી ગંભીર ચૂક થઈ છે તે અમે સ્વીકારીએ છીએ.” હાલમાં જિલ્લા શિક્ષણાધિકારીએ આ શંકાસ્પદ ઘટનાનો સંપૂર્ણ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજ રજૂ કરવા શાળાને આકરો હુકમ કર્યો છે.

Back to top button