નવરાત્રિના પહેલા જ દિવસે અમદાવાદમાં 6 લોકોના મોત, અલગ-અલગ વિસ્તારમાં બની આ ઘટના
Ahmedabad Road Accidents: આસો નવરાત્રિના પર્વની શરૂઆત સાથે જ અમદાવાદ શહેરમાં બેફામ અને બેદરકારીપૂર્વક વાહન હંકારતા ચાલકોનો કહેર જોવા મળ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ 6 જીવલેણ અકસ્માતોમાં 6 લોકોના મોત થતાં અરેરાટી ફેલાઈ છે.
એક તરફ ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોના પાલન માટે એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ બેફામ ઝડપ અને બેદરકારીના કારણે ગંભીર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. આ તમામ મામલે સંબંધિત ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા છે અને જવાબદાર વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
1. અપોલો સર્કલ પાસે બસની ટક્કરે 20 વર્ષીય યુવકનું મોત
ગત 17 સપ્ટેમ્બરના રોજ અપોલો સર્કલથી ઇન્દિરાબ્રિજ તરફ જતા માર્ગ પર જર્મન ગ્રીન સિટી સામે રસ્તો ઓળંગી રહેલા મૂળ ઉત્તર પ્રદેશના અને ખાનગી કંપનીમાં નોકરી કરતા 20 વર્ષીય પ્રદીપ શુક્લાને પૂરપાટ ઝડપે આવતી બસે અડફેટે લીધો હતો.
અકસ્મતમાં ગંભીર ઈજાઓ પહોંચતા પ્રદીપનું મોત નીપજ્યું હતું. આ મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે બસચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
2. વિસત સર્કલ પાસે સાયરન વિના 108 એમ્બ્યુલન્સની ટક્કર
ગત 8 ઓક્ટોબરની રાત્રે વિસત સર્કલ પાસે BRTS રેલિંગની સફાઈનું કામ કરી રહેલા વટવાના 20 વર્ષીય અબ્દુલ રહેમાન શેખને 108 એમ્બ્યુલન્સે અડફેટે લીધો હતો.
આરોપ છે કે એમ્બ્યુલન્સ ઇમરજન્સી લાઈટ કે સાયરન ચાલુ રાખ્યા વિના ચલાવવામાં આવી રહી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત અબ્દુલ રહેમાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
આ મામલે એલ ડિવિઝન પોલીસે એમ્બ્યુલન્સના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
3. નારોલ-અસલાલી રોડ પર હિટ એન્ડ રન, 11 વર્ષના બાળકનું મોત
ગત 9 ઓક્ટોબરની રાત્રે નારોલ-અસલાલી રોડ પર શાહવાડી પાસે રસ્તો ઓળંગી રહેલા મજૂરીકામ કરતા 11 વર્ષીય ભરત વૈષ્ણવને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી.
અકસ્મતમાં ગંભીર ઈજાઓ થતાં ભરતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ વાહનચાલક ફરાર થઈ ગયો હતો. કે ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
4. નાના ચિલોડામાં ટ્રકની અડફેટે મહિલાનું મોત
ગત 10 ઓક્ટોબરે નાના ચિલોડાના 50 વર્ષીય રીતુબહેન રામચંદાણી રાધાસ્વામી સત્સંગ (મેદરા) ખાતે સેવા આપવા માટે પગપાળા જઈ રહ્યા હતા.
નાના ચિલોડા સર્કલ નજીક પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
આ મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રકચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
5. નારોલ-વિશાલા રોડ પર ટેન્કરની ટક્કરે મોપેડ સવારનું મોત
ગત 10 ઓક્ટોબરે નારોલ-વિશાલા રોડ પર દેવ હોટેલ નજીક પૂરપાટ ઝડપે આવેલા ટેન્કરે મોપેડને ટક્કર મારી હતી.
અકસ્મતમાં મોપેડ પાછળ બેઠેલા દાણીલીમડાના 47 વર્ષીય નરેન્દ્રકુમાર લેઉવા રસ્તા પર ફંગોળાઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. જ્યારે મોપેડ ચલાવી રહેલા તેમના મિત્ર મોહંમદ યુનુસ ઈજાગ્રસ્ત થયા હતા.
આ મામલે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ટેન્કરચાલક ધર્મેન્દ્રસિંહ રાજપૂત સામે કાર્યવાહી શરૂ કરી છે.
6. સોલા બ્રિજ નીચે કારની ટક્કરે 18 વર્ષીય બાઈક સવારનું મોત
ગત 10 ઓક્ટોબરની રાત્રે સિમ્સ ચોકડી પાસે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાવીને પરત ફરી રહેલા સોલાના 18 વર્ષીય રાહુલ ઠાકોરની બાઈકને સોલા બ્રિજ નીચે પૂરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારી હતી.
અકસ્મતમાં રાહુલને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે એસજી હાઇવે-1 ટ્રાફિક પોલીસે કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટ્રાફિક નિયમોના પાલન સામે મોટો પડકાર
નવરાત્રિ દરમિયાન શહેરના રસ્તાઓ પર વાહનોની અવરજવર વધતી હોય છે. આવા સમયે વાહનચાલકો દ્વારા ઝડપ મર્યાદાનું પાલન, હેલ્મેટ-સીટબેલ્ટનો ઉપયોગ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે.
અમદાવાદમાં એક પછી એક સામે આવેલા આ છ જીવલેણ અકસ્માતોએ ફરી એક વખત બેફામ ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત ઉભી કરી છે. પોલીસે તમામ કેસમાં તપાસ શરૂ કરી છે અને અકસ્માત માટે જવાબદાર વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ ઉપર પડી મિસાઈલ, રિયાધ એરપોર્ટ પર હૂતી હુમલાથી ભારે અફરાતફરી











