અમદાવાદમાં દારુડિયો બેફામ, પોલીસ લખેલી કારે 6 વાહનોને અડફેટે લીધા
Ahmedabad Bopal Accident: અમદાવાદના બોપલ વિસ્તારમાં અકસ્માતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી છે. વીડિયોમાં ‘પોલીસ’ લખેલી પ્લેટ ધરાવતી એક કાર દ્વારા અનેક વાહનોને ટક્કર મારવામાં આવી હોવાનું જોવા મળે છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ કારચાલક નશાની હાલતમાં હતો. ઘટનાની જાણ થતાં બોપલ પોલીસે સ્થળ પર પહોંચી કારચાલક પ્રદ્યુમનસિંહ વાઘેલા સામે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બે ફોર-વ્હીલર અને ચાર ટુ-વ્હીલરને ટક્કર
મળતી માહિતી મુજબ બોપલના અક્ષરધામ બંગલોઝમાં રહેતા ફરિયાદી નિશિથ શાહે પોલીસને જણાવ્યું હતું કે રાત્રે આશરે 8:30 વાગ્યાના સુમારે તેમના ઘરની બહાર જોરદાર ધડાકાનો અવાજ આવ્યો હતો.
બહાર આવી તપાસ કરતાં એક કાર બેકાબૂ બની તેમની ડસ્ટર કાર સહિત કુલ બે ફોર-વ્હીલર અને ચાર ટુ-વ્હીલરને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ કાર ત્યાં જ અટકી ગઈ હતી.
ઘટના બાદ સ્થાનિકો એકઠા થયા
એક પછી એક વાહનોને ટક્કર લાગતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ કારચાલક નશાની હાલતમાં હોવાની શંકા હતી.
કાર પર ‘પોલીસ’ લખેલી પ્લેટ જોઈને સ્થાનિકોમાં વધુ રોષ ફેલાયો હતો. લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી.
પોલીસે ચાલક સામે કાર્યવાહી હાથ ધરી
બોપલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારચાલક પ્રદ્યુમનસિંહ વાઘેલાને કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. અકસ્માતમાં નુકસાન પામેલા વાહનો અંગે પણ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.
ચાલક નશાની હાલતમાં હતો કે નહીં તે અંગેનો અંતિમ નિષ્કર્ષ પોલીસની તપાસ અને જરૂરી મેડિકલ/કાયદેસરની પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
‘પોલીસ’ લખેલી પ્લેટને લઈને સવાલો
આ ઘટનામાં સૌથી વધુ ચર્ચા કાર પર લગાવેલી ‘પોલીસ’ લખેલી પ્લેટને લઈને થઈ રહી છે. વાયરલ વીડિયોમાં આ પ્લેટ જોવા મળતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
જોકે પ્રાથમિક વિગતો મુજબ પોલીસ ફરિયાદમાં આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાના કારણે સ્થાનિકોમાં સવાલો ઊભા થયા છે. કારચાલક કોઈ પોલીસ કર્મચારી છે કે અન્ય વ્યક્તિ અને કાર પર ‘પોલીસ’ પ્લેટ શા માટે લગાવવામાં આવી હતી તે અંગે હજુ સત્તાવાર સ્પષ્ટતા થવાની બાકી છે.
હાલ બોપલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ કાર, પ્લેટ અને અકસ્માત સાથે જોડાયેલી હકીકતો વધુ સ્પષ્ટ બનશે.
આ પણ વાંચો: ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ સક્રિય! આટલા જિલ્લામાં રેડ ઍલર્ટ અતિભારે વરસાદની આગાહી











