ગુજરાત: રાજ્યના 78 જળાશય 100% છલકાયા, જાણો કેટલા ડેમ હાઈએલર્ટ પર

- નર્મદા નદીનું જળસ્તર 19 ફૂટને પાર પહોંચ્યું હતું
- 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 80 ટકા છે
- સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી
ગુજરાત, 01 સપ્ટેમ્બર, 2025: ગુજરાતના સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર સવા 19 ફૂટને પાર પહોંચ્યા બાદ સ્થિર થઈ નીચે ઉતરતા રાહત થઈ હતી. આ દરમિયાન હાલ ગુજરાતના 78 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 80 ટકા છે.
નર્મદા નદીનું જળસ્તર 19 ફૂટને પાર પહોંચ્યું હતું
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 15 ગેટમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો હતો. નર્મદા નદીનું જળસ્તર 19 ફૂટને પાર પહોંચ્યું હતું. નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે, જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. સમગ્ર પરિસ્થિતિ પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. કાંઠા વિસ્તારના 20થી વધુ ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું હતું.
સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી
સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા હવે સવાર બાદ પાંચ ગેટ બંધ કરી દેવાતા 10 ગેટ માંથી પાણી છોડાઇ રહ્યું હતું. જેના પગલે સવા 19 ફૂટ પર ગોલ્ડન બ્રિજ પર સપાટી બપોરથી સ્થિર રહ્યા બાદ સપાટીમાં ઘટાડો થવા લાગ્યો હતો.












