ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

ગ્વાટેમાલામાં ફુએગો જ્વાળામુખી ફાટ્યો, 6 કિમી ઊંચો રાખનો ગુબાર ઉડ્યો: ઓરેન્જ એલર્ટ જાહેર

Guatemala Fuego volcano eruption: ગ્વાટેમાલામાં સોમવારે ફુએગો જ્વાળામુખી (Fuego Volcano) માં ભયાનક વિસ્ફોટ થયો છે, જેના કારણે સરકારે સમગ્ર દેશમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. આ ખતરાનું બીજા નંબરનું સૌથી મોટું એલર્ટ માનવામાં આવે છે. વિસ્ફોટ બાદ જ્વાળામુખીમાંથી લાવારસ વહેવા લાગ્યો છે અને રાખનો તીવ્ર ગુબાર આકાશમાં લગભગ 6 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચી ગયો છે. ખતરાને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારોમાંથી લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર, જ્વાળામુખીની પ્રવૃત્તિઓ સતત વધી રહી છે, તેથી તેના પર ચોવીસે કલાક નજર રાખવામાં આવી રહી છે.

ગ્વાટેમાલા સિટીથી માત્ર ૩૫ કિમી દૂર સ્થિત

ફુએગો જ્વાળામુખી ગ્વાટેમાલાની રાજધાની ગ્વાટેમાલા સિટીથી માત્ર 35 કિલોમીટર દૂર સ્થિત છે. તે મધ્ય અમેરિકાના સૌથી સક્રિય જ્વાળામુખીઓમાંથી એક ગણાય છે. સોમવારે સવારે શરૂ થયેલો આ વિસ્ફોટ સાંજ સુધીમાં વધુ ભયાનક બની ગયો હતો.

સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, જ્વાળામુખીમાંથી સતત ઝેરી ગેસ, રાખ અને લાવો બહાર ફેંકાઈ રહ્યો છે. આસપાસના અનેક વિસ્તારોમાં રાખનો વરસાદ થઈ રહ્યો હોવાથી લોકોને ઘરોની અંદર રહેવાની અને સાવચેતી વર્તવાની અપીલ કરવામાં આવી છે.

શાળાઓ અને હાઈવે બંધ કરાયા

લોકોની સુરક્ષા માટે જ્વાળામુખી નજીકના બે મુખ્ય વિસ્તારોમાં શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, દક્ષિણ કિનારાને ઐતિહાસિક અને પ્રખ્યાત પ્રવાસન શહેર એન્ટિગુઆ (Antigua) સાથે જોડતો એક મહત્વપૂર્ણ હાઈવે પણ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો છે.

ભૂતકાળમાં પણ સર્જી ચૂક્યો છે મોટી તબાહી

3763 મીટરની ઊંચાઈ ધરાવતો ફુએગો જ્વાળામુખી અગાઉ પણ અનેકવાર વિનાશ નોતરી ચૂક્યો છે:

  • વર્ષ 2018: ભયાનક વિસ્ફોટમાં ૨૧૫ થી વધુ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ગુમ થઈ ગયા હતા.

  • વર્ષ 2023: આશરે 1,200 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા હતા.

  • વર્ષ 2024૪: વિસ્ફોટ બાદ 500 થી વધુ લોકોનું સ્થળાંતર કરાવવું પડ્યું હતું.

શા માટે વારંવાર થાય છે વિસ્ફોટ?

ગ્વાટેમાલા પેસિફિક મહાસાગરના પ્રખ્યાત ‘રિંગ ઓફ ફાયર’ (Ring of Fire) ક્ષેત્રમાં આવેલું છે. આ વિશ્વનો એવો વિસ્તાર છે જ્યાં ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટની ઘટનાઓ સૌથી વધુ બને છે. આ જ કારણે અહીંના જ્વાળામુખીઓ સમયાંતરે સક્રિય થતા રહે છે.

હાલમાં ફુએગો જ્વાળામુખીમાંથી લાવો અને રાખ નીકળવાનું ચાલુ છે. વહીવટીતંત્રે લોકોને માત્ર સરકારી સૂચનાઓનું પાલન કરવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી છે.

આ પણ વાંચોઃ રાણપુર પોલીસે ઘરફોડ ચોરીના બે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા, ટેકનિકલ સર્વેલન્સથી મળી સફળતા

આ પણ વાંચોઃ 8 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર, ત્રણ દિવસમાં મહત્વના બિલો રજૂ થશે

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button