8 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર, ત્રણ દિવસમાં મહત્વના બિલો રજૂ થશે

Monsoon session of Gujarat Assembly: ગુજરાત વિધાનસભાનું નવમું ચોમાસું સત્ર આગામી 8 સપ્ટેમ્બરથી શરૂ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આહ્વાન બાદ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સત્રની સત્તાવાર જાહેરાત કરી છે. આ સત્ર 8, 9 અને 10 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સુધી ગાંધીનગર સ્થિત વિઠ્ઠલભાઈ પટેલ ભવન ખાતે યોજાશે.
પ્રથમ દિવસે શોક પ્રસ્તાવ રજૂ થશે
ચોમાસું સત્રના પ્રથમ દિવસે પરંપરા મુજબ દિવંગત મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ નિયમ મુજબના સરકારી અને કાયદાકીય કામકાજ હાથ ધરાશે.
મહત્વના સરકારી વિધેયકો રજૂ થશે
સત્રના બીજા અને ત્રીજા દિવસે રાજ્ય સરકાર વિવિધ સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરશે. વહીવટી પ્રક્રિયાને વધુ સરળ બનાવતા તેમજ જનહિત સાથે જોડાયેલા અનેક સુધારા બિલો રજૂ કરીને તેને મંજૂરી અપાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
જમીન ટુકડા ધારામાં સુધારાની શક્યતા
આ સત્ર દરમિયાન રાજ્ય સરકાર જમીન ટુકડા ધારામાં મહત્વપૂર્ણ સુધારા રજૂ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પ્રસ્તાવને લઈને વિધાનસભામાં વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના છે.
પ્રશ્નોત્તરી અને લોકહિતના મુદ્દાઓ પર ચર્ચા
ત્રણ દિવસના ટૂંકા સત્ર છતાં પ્રશ્નોત્તરી કાળને મહત્વ આપવામાં આવશે. ધારાસભ્યો પોતાના મતવિસ્તારના પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓ ગૃહમાં રજૂ કરી શકશે. ઓનલાઈન માધ્યમથી પણ પ્રશ્નો રજૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
વિધાનસભા સચિવાલયે શરૂ કરી તૈયારીઓ
સત્રને ધ્યાનમાં રાખીને વિધાનસભા સચિવાલયે તમામ વહીવટી તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ પક્ષોના ધારાસભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નો અસરકારક રીતે રજૂ કરી શકે તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
ત્રણ દિવસનું આ સત્ર સમયગાળાની દ્રષ્ટિએ ટૂંકું હોવા છતાં રાજ્યના મહત્વપૂર્ણ કાયદાકીય નિર્ણયો અને જાહેર હિતના મુદ્દાઓને કારણે રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં 109 તાલુકામાં વરસાદ, કપરાડામાં સૌથી વધુ 2.5 ઈંચ મેઘમહેર












