
GPSC Recruitment 2026: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026-27 માટે ક્લાસ-1 અને ક્લાસ-2ની કુલ 224 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં અધિકારી સ્તરની આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 1 એપ્રિલ, 2026 થી શરૂ થશે અને ઉમેદવારો નિર્ધારિત તારીખ સુધી GPSCની સત્તાવાર વેબસાઈટ અથવા OJAS પોર્ટલ મારફતે અરજી કરી શકશે.
આ ભરતી અંતર્ગત ગુજરાત ઇજનેરી સેવા (સિવિલ), પશુચિકિત્સા અધિકારી, વન વિભાગ, હિસાબી અધિકારી તેમજ ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવાના પદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ મળીને 224 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં ઇજનેરી વિભાગમાં કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર સહિત સૌથી વધુ પદો છે. આ ઉપરાંત પશુચિકિત્સા ક્ષેત્રમાં 18 જગ્યાઓ, વન વિભાગમાં 26 જગ્યાઓ, હિસાબી અધિકારી માટે 6 જગ્યાઓ અને વહીવટી તથા મુલ્કી સેવામાં 71 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
ઇજનેરી સેવા માટે ઉમેદવારો પાસે B.E. અથવા B.Tech (સિવિલ)ની લાયકાત હોવી જરૂરી છે, જ્યારે પશુચિકિત્સા અધિકારી માટે B.V.Sc & A.H. જરૂરી છે. વન વિભાગ માટે કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે, જ્યારે હિસાબી અધિકારી માટે B.Com, M.Com, CA, CMA અથવા ICWA સાથે 3 થી 5 વર્ષનો અનુભવ ફરજિયાત છે. વહીવટી સેવા માટે કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરવા પાત્ર રહેશે.
ગુજરાત વહીવટી સેવા,વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા,વર્ગ-૧ અને ૨, નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨, મદદનીશ વન સંરક્ષક/પરિક્ષેત્ર વન અધિકારી,વર્ગ-૨, ગુજરાત ઈજનેરી સેવા(સિવિલ)વર્ગ-૧ અને ૨ સહિતની જગ્યાઓ માટે ઓનલાઇન અરજી અંગે અગત્યની જાહેરાત પ્રસિધ્ધ કરવામા આવી.https://t.co/EYfhv14k5M https://t.co/yJI3RuT3mG
— GPSC (@GPSC_OFFICIAL) March 31, 2026
અરજી કરવાની છેલ્લી તારીખ અલગ-અલગ જાહેરાત મુજબ 15 એપ્રિલ અને 16 એપ્રિલ, 2026 નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોએ સમયસર અરજી કરી કન્ફર્મેશન નંબર મેળવી લેવો ફરજિયાત રહેશે. અરજીમાં કોઈ ભૂલ હોય તો અંતિમ તારીખ સુધી જ તેમાં સુધારો કરી શકાશે. વધુમાં, ઉંમરની ગણતરી ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ મુજબ કરવામાં આવશે અને ઉંમરનો પુરાવો માત્ર SSC પ્રમાણપત્ર જ માન્ય ગણાશે.
આ ઉપરાંત બિન-અનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી સમયસર ભરવી જરૂરી રહેશે, જે ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ મારફતે નિર્ધારિત તારીખ સુધી ચૂકવી શકાશે. ઉમેદવારોએ વધુ માહિતી માટે GPSCની સત્તાવાર વેબસાઈટ અને OJAS પોર્ટલની નિયમિત મુલાકાત લેવી જરૂરી છે.
આ પણ વાંચો: અમદાવાદ-ધોલેરાની સફર માત્ર 45 મિનિટમાં, જાણો નવા એક્સપ્રેસવેની વિશેષતાઓ












