
નવી દિલ્હી, 25 જૂન, 2025: સરકાર રેર અર્થ મેગ્નેટ્સના ઘરેલુ ઉત્પાદનને સબસિડી આપવાની યોજના પર 15-20 દિવસમાં નિર્ણય લશે. કેન્દ્રિય મંત્રી એચડી કુમારસ્વામીએ આ બાબતે જણાવ્યું હતુકે આ યોજના હેઠળ આપવામાં આવનારી સબસિડીની માત્રા નિર્ધારિત કરવા માટેહિતધારકો સાથે વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. ભારે ઉદ્યોગ મંત્રાલયના સચિવ કામરાન રિઝવીએ કહ્યુ કે જો કુલ પ્રોત્સાહન રાશિ 1,000કરોડ રૂપિયાથી વધુ થઇ જાય છો તો આ યોજનાને મંજૂરી માટે કેન્દ્રિય મંત્રીમંડળ પાસે મોકલવામાં આવશે.
“હૈદરાબાદ સ્થિત એક કંપની તેમાં રસ દાખવી રહી છે. તેમણે આ વર્ષના અંત સુધીમાં, એટલે કે ડિસેમ્બર સુધીમાં 500 ટન સપ્લાય કરવાનું વચન આપ્યું છે. અમે ખાણ મંત્રી સાથે ચર્ચા કરી છે. અમારા સચિવ અને અમારું મંત્રાલય તેના પર કામ કરી રહ્યા છે. મને લાગે છે કે 15-20 દિવસમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે,” એમ ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી કુમારસ્વામીએ પત્રકારોને જણાવ્યું હતું. નોંધનીય છે કે ચીન દ્વારા મુખ્ય ધાતુઓની નિકાસ પર લાદવામાં આવેલા તાજેતરના પ્રતિબંધોને કારણે ભારત સહિત અનેક દેશોમાં ઓટોમોબાઇલ્સ અને સેમિકન્ડક્ટર ચિપ્સના ઉત્પાદનમાં વ્યાપક વિક્ષેપ પડ્યો છે.
સચિવે કહ્યું કે રેર અર્થ મેગ્નેટના વાસ્તવિક ઉત્પાદનમાં લગભગ બે વર્ષ લાગશે, અને સરકાર, ઉદ્યોગ સાથે મળીને, જાપાન અને વિયેતનામ સહિત, વચગાળાના સમયગાળામાં ખરીદીના વૈકલ્પિક સ્ત્રોતો પર વિચાર કરી રહી છે. “તમે જાણો છો કે રેર અર્થ ખનિજો જાપાન અને વિયેતનામમાં ઉપલબ્ધ છે, અને ત્યાંથી મેળવવાના પ્રયાસો ચાલુ છે,” એમ રિઝવીએ કહ્યું હતું.
રેર અર્થ મેગ્નેટમાં નિયોડીમિયમ-આયર્ન-બોરોન (NdFeB) સામેલ છે. તેનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો (ટુ-વ્હીલર અને પેસેન્જર વાહનો)માં ટ્રેક્શન મોટર્સ અને ઇલેક્ટ્રિક વાહનો અને આંતરિક કમ્બુશન એન્જિન વાહનો બંનેમાં પાવર સ્ટીયરિંગ મોટર્સ (પેસેન્જર વાહનોમાં) જેવા ઉચ્ચ-પ્રદર્શન ઓટોમોટિવ એપ્લિકેશનો માટે થાય છે.
આ સબસિડી કંપનીઓ દ્વારા રેર અર્થ ઓક્સાઇડને મેગ્નેટમાં રૂપાંતરિત કરવા માટે પ્રોસેસિંગ સુવિધાઓ સ્થાપિત કરવા માટે રોકાણને સરળ બનાવશે. અણુ ઊર્જા મંત્રાલય હેઠળનું જાહેર ક્ષેત્રનું ઉદ્યોગ સાહસ, ઇન્ડિયન રેર અર્થ મેગ્નેટ લિમિટેડ, ભારતમાં રેર અર્થનો એકમાત્ર ડિપોઝિટરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમની પાસે 1,500 ટન મેગ્નેટ બનાવવા માટે પૂરતી રેર ખનિજો છે.
ભારે ઉદ્યોગ મંત્રાલયના સચિવ કામરાન રિઝવીએ જણાવ્યું હતું કે આ યોજના મંજૂરી માટે કેન્દ્રીય કેબિનેટ પાસે જશે કે નહીં તે પ્રસ્તાવિત પ્રોત્સાહનોની રકમ પર આધારિત છે. “તે પ્રોત્સાહનોના સ્તર પર આધાર રાખે છે. જો તે 1,000 કરોડ રૂપિયાથી ઓછું હોય, તો (ભારે ઉદ્યોગો) મંત્રી અને નાણામંત્રી તે કરી શકે છે. જો તે 1,000 કરોડ રૂપિયાથી વધુ હોય, તો તેને કેબિનેટ પાસે જવું પડશે,” એમ તેમણે કહ્યું હતું.
“અમને હજુ સુધી ખબર નથી કે કેટલી સબસિડીની જરૂર છે. મંત્રીએ કહ્યું તેમ, હિસ્સેદારો સાથે ચર્ચા ચાલી રહી છે, તેથી વિવિધ પ્રતિભાવો મળી રહ્યા છે. કેટલાક 50 ટકા માંગે છે, તો કેટલાક 20 ટકા સબસિડી સપોર્ટ માંગે છે. તે સ્પર્ધાત્મક બોલીને આધિન રહેશે, તે પછી અમને ખબર પડશે કે કેટલા સપોર્ટની જરૂર છે,” એમ રિઝવીએ જણાવ્યું હતું. અધિકારીઓના અનુસાર અછતને કારણે ઉત્પાદન પર નકારાત્મક અસર ન પડે તે માટે 30 ઓટોમોટિવ કંપનીઓએ ચીનથી રેર અર્થ મેગ્નેટ આયાત કરવા માટે એક પખવાડિયા પહેલા ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)પાસેથી પરવાનગી માંગી હતી.
આ પણ વાંચોઃ ભારત અને બ્રિટન વચ્ચે જુલાઇના અંત સુધીમાં વેપાર સમજૂતિ થવાની સંભાવના, કાનૂની પ્રકિયા અંતિમ તબક્કામાં












