
આ નિર્ણય મુજબ, જો કોઈ સંચાલક એનાલોગ પનીરનો ઉપયોગ કરે છે તો તેને મેનુ કાર્ડ અથવા કાઉન્ટર પર સ્પષ્ટ બોર્ડ લગાવીને જણાવવું પડશે કે અહીં એનાલોગ પનીર વપરાય છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ કડક કાર્યવાહી, દંડ કે લાયસન્સ રદ કરવાની કાર્યવાહી થઈ શકે છે.
એનાલોગ પનીર શું છે?
એનાલોગ પનીર દૂધમાંથી બનતું નથી. તે પામ તેલ, વનસ્પતિ ઘી, મિલ્ક પાવડર અને અન્ય કેમિકલ્સના મિશ્રણથી બનાવવામાં આવે છે. દેખાવમાં તે અસલી પનીર જેવું જ લાગે છે, પરંતુ તેમાં પોષક તત્વો ઓછા અને હાનિકારક ફેટ્સનું પ્રમાણ વધારે હોય છે, જે લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે જોખમકારક સાબિત થઈ શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
સરકાર એક્શન મોડમાં કેમ?
તાજેતરમાં સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં સબ-સ્ટાન્ડર્ડ પનીર ઝડપાયું હતું. તપાસમાં જાણવા મળ્યું કે આ પનીર તેલ અને પાવડરના મિશ્રણથી બનાવાયું હતું. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચિંતા ઉભી કરી અને ત્યારબાદ સરકારે કડક પગલાં ભરવાનું નક્કી કર્યું.
ચેકિંગ અને સર્વેલન્સ વધારાશે
હવે ફૂડ ઈન્સ્પેક્ટરો દ્વારા હોટલો અને સપ્લાયર્સ પર સતત નજર રાખવામાં આવશે. ખાસ કરીને ડેરી અને હોલસેલ સપ્લાય ચેઇન પર સખત ચકાસણી હાથ ધરાશે. સરપ્રાઈઝ ચેકિંગ દ્વારા નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ખાતરી કરવામાં આવશે.
અસલી અને એનાલોગ પનીર ઓળખવાની રીત
નિષ્ણાતો અનુસાર, અસલી પનીર નરમ અને દાણાદાર હોય છે, જ્યારે એનાલોગ પનીર થોડીક રબર જેવું લાગતું હોય છે. તેને ગરમ કરતાં તેલ છોડવાનું પ્રમાણ વધુ જોવા મળે છે અને સ્વાદમાં પણ તફાવત જણાય છે.
જનતાને અપીલ
આરોગ્ય વિભાગે નાગરિકોને જાગૃત રહેવાની અપીલ કરી છે. જો કોઈ હોટલમાં પનીરની ગુણવત્તા અંગે શંકા થાય તો તરત ફરિયાદ કરવા જણાવ્યું છે. “ગ્રાહક તરીકે તમને શુદ્ધ ખોરાક મેળવવાનો પૂર્ણ હક છે,” એમ સરકારે જણાવ્યું છે. આ નવી ગાઇડલાઇનથી રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ આવશે અને લોકો સુધી વધુ સુરક્ષિત ખોરાક પહોંચશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.












