ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સરકારી બસના ડ્રાઈવરે બસને રસ્તામાં રોકી નમાઝ પઢવા લાગ્યો, મુસાફરો હેરાન થતાં રહ્યા

હાવેરી, 01 મે 2025: કર્ણાટકના હાવેરી જિલ્લામાં એક સરકારી બસ ડ્રાઈવર દ્વારા ડ્યૂટી દરમ્યાન બસને રસ્તામાં રોકીને નમાઝ પઢવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કર્ણાટક પરિવહન વિભાગે તપાસના આદેશ આપ્યા છે. ડ્રાઈવરની આ હરકતથી યાત્રીઓને અસુવિધા થઈ અને અમુક મુસાફરોએ તેની ફરિયાદ પણ કરી હતી.

શું છે સમગ્ર મામલો

આ ઘટના 29 એપ્રિલની છે. કર્ણાટક રાજ્ય સડક પરિવહન નિગમની બસ હબ્બલ્લીથી હાવેરી જઈ રહી હતી. વાયરલ વીડિયોમાં ડ્રાઈવર બસની અંદર એક સીટ પર બેસીને નમાઝ પઢતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ડ્રાઈવર નમાઝ પઢવામાં લીન છે, જ્યારે અમુક યાત્રીઓ તેને જોઈ રહ્યા છે. બહાર રસ્તા પર ટ્રાફિક સામાન્ય રીતે ચાલી રહ્યો હતો. આ ઘટના હબ્બલ્લી-હાવેરી માર્ગ પર જવેરી પાસે થઈ હતી. વાહન ચાલકની ઓળખ એ.કે.મુલ્લા તરીકે થઈ છે.

મુસાફરોની પ્રતિક્રિયા

બસમાં રહેલા અમુક મુસાફરોએ આ ઘટનાને પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધી અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી દીધી. મુલ્લાનો નમાઝ પઢતો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. યાત્રીઓનું કહેવું છે કે, બસને રસ્તામાં રોકીને તેમની યાત્રામાં મોડું થયું. જેનાથી તેમને અસુવિધાનો સામનો કરવો પડ્યો. અમુક યાત્રીઓએ તેમની ફરિયાદ પરિવહન નિગમના અધિકારીઓને પણ કરી છે.

પરિવહન મંત્રીનું નિવેદન

કર્ણાટકના પરિવહન મંત્રી રામલિંગા રેડ્ડીએ આ ઘટનાની નોંધ લીધી અને ઉત્તર પશ્ચિમ કર્ણાટક રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NWKRTC) ના મેનેજરને પત્ર લખીને તપાસનો આદેશ આપ્યો. તેમણે પોતાના પત્રમાં કહ્યું હતું કે, “જાહેર સેવામાં કામ કરતા કર્મચારીઓએ ફરજિયાતપણે અમુક નિયમો અને કાયદાઓનું પાલન કરવું પડે છે. દરેક વ્યક્તિને પોતાના ધાર્મિક પ્રથાઓનું પાલન કરવાનો અધિકાર છે, પરંતુ ફરજના સમય દરમિયાન તે ન કરવું જોઈએ. મુસાફરો સાથે નમાઝ અદા કરવા માટે બસને વચ્ચે રોકવી વાંધાજનક છે.”

ઉત્તર પશ્ચિમ કર્ણાટક રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NWKRTC) ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, 58 વર્ષીય મુલ્લા બે દિવસ પહેલા ફરજ પર હતા ત્યારે નમાઝ અદા કરતા જોવા મળ્યા હતા.

NWKRTCના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ આપી કે ડ્રાઇવર સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે તેઓ વીડિયોની સત્યતા અને ઘટનાના તમામ પાસાઓની તપાસ કરશે. મુસાફરોની ફરિયાદોના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર આ મુદ્દા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકોએ ડ્રાઇવરના આ પગલાને અયોગ્ય ગણાવ્યું છે અને કડક કાર્યવાહીની માંગ કરી છે.

આ પણ વાંચો: ગુજરાતના સ્થાપના દિવસ પર પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રીએ શુભકામનાઓ આપી

Back to top button