સ્વતંત્રતા દિવસ પહેલા ભારત માટે ખુશખબર, 19 વર્ષ બાદ S&Pએ રેટિંગને કર્યું અપગ્રેડ, જાણો તેનાથી શું થશે ફાયદો

નવી દિલ્હી, 15 ઓગસ્ટ, 2025: ભારતના સોવરિન ક્રેડિટ રેટિંગને S&P ગ્લોબલ રેટિંગ્સે ગઇકાલે અપગ્રેડ કર્યુ છે, જે અનુસાર તેને હવે ‘BBB’ કરવામાં આવ્યું છે. રેટિંગ એજન્સીએ તેની પછળ મજબૂત આર્થિક વૃદ્ધિ, રાજકોષીય મજબૂતાઇ માટે રાજનૈતિક પ્રતિબદ્ધતા અને મોંઘવારીને કાબૂમાં લાવવા માટે વધુ સારી નાણાં નીતિ ઉપાયોને ટાંકતા 19 વર્ષ પછી આ રેટિંગને અપગ્રેડ કર્યુ છે.
ભારત માટે રાહત
રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે ભારત વિશ્વની શ્રેષ્ઠ કામગીરી કરતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. છેલ્લા 5-6 વર્ષમાં સરકારી ખર્ચની ગુણવત્તામાં સુધારો થયો છે. S&P એ જણાવ્યું હતું કે યુએસ ટેરિફનો ભારતીય અર્થતંત્ર પર ખૂબ જ મર્યાદિત પ્રભાવ પડશે. S&P અનુસાર, ભારત વેપાર પર પ્રમાણમાં ઓછો નિર્ભર છે અને તેની આર્થિક વૃદ્ધિનો લગભગ 60 ટકા સ્થાનિક વપરાશમાંથી આવે છે.
નોંધનીય છે કે યુએસ એજન્સીએ ભારતના સાર્વભૌમ ક્રેડિટ રેટિંગમાં એવા સમયે સુધારો કર્યો છે જ્યારે અગાઉ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય અર્થતંત્રને “મૃત અર્થતંત્ર” ગણાવ્યું હતું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર 25 ટકા બેઝ ટેરિફ અને પછી રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ દંડ તરીકે વધારાનો 25 ટકા લાદ્યો છે. એટલે કે, 27 ઓગસ્ટથી ભારતીય માલ પર 50 ટકા ટેરિફ લાગુ થશે, જે અત્યાર સુધીની સૌથી વધુ ડ્યુટી છે.
ક્રેડિટમાં સુધારો શું અર્થ છે?
ક્રેડિટમાં સુધારો આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતીય કંપનીઓ માટે દેવાની કિંમત ઘટાડશે. S&Pએ જાન્યુઆરી 2007માં ભારતને સૌથી નીચું રોકાણ ગ્રેડ રેટિંગ ‘BBB-‘ આપ્યું હતું. આ કોઈ વૈશ્વિક રેટિંગ એજન્સી દ્વારા પ્રથમ વખતનું ક્રેડિટ અપગ્રેડ છે, જેમાં ભારતને સૌથી નીચા રોકાણ ગ્રેડથી એક સ્તર ઉપર રેટિંગ આપવામાં આવ્યું છે. ‘BBB’ એ એક રોકાણ ગ્રેડ રેટિંગ છે અને તે દેશની દેવાની જવાબદારીઓ સરળતાથી ચૂકવવાની વધુ સારી ક્ષમતા દર્શાવે છે.
S&P એ ગયા વર્ષે મે મહિનામાં ભારતના ક્રેડિટ રેટિંગ આઉટલૂકને ‘સ્ટેબલ’ થી ‘પોઝિટિવ’ માં બદલી નાખ્યું હતું, જે દર્શાવે છે કે રેટિંગ આગામી 24 મહિનામાં સુધરી શકે છે. ભારતના રેટિંગને અપગ્રેડ કરતી વખતે, S&Pએ કહ્યું કે, “ભારતના ક્રેડિટ રેટિંગમાં સુધારો મજબૂત આર્થિક વૃદ્ધિ અને સુધારેલા નાણાકીય નીતિ વાતાવરણને પ્રતિબિંબિત કરે છે જે ફુગાવાને કાબુમાં રાખે છે.”
આ પણ વાંચોઃ 1 ઓક્ટોબરથી મિત્રો-સંબંધીઓ પાસેથી નહી મંગાવી શકાય પૈસા, NPCI છેતરપીંડી બંધ કરવા માટે બંધ કરશે સુવિધા












