12 વર્ષનો છોકરો 3 લાખના દાગીના લઈ થયો રફુચક્કર
અમદાવાદમાં એક 12 વર્ષનો નાનો છોકરો જ્વેલરી શોપમાં ગ્રાહક બની આવી 3 લાખના દાગીના લઈ ફરાર થઈ ગયો હતો. આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની મળતી માહિતી મુજબ એક મહિલા અને એક પુરૂષ 12 વર્ષના બાળક સાથે શો-રૂમમાં આવ્યા હતા. જ્યાં તેઓએ સોનાની કાંટીઓ જોવા માંગી હતી. જે બાદ અન્ય એક મહિલા તેમજ પુરૂષ શો-રૂમમાં પ્રવેશ કરી ચાંદીનું છત્તર જોવાની ભાવેશભાઈને વાત કરી તેઓને વાતોમાં પરોવી દીધા હતા. ભાવેશકુમાર અન્ય ગ્રાહકોને દાગીના દેખાડવામાં રોકાયેલા હતા. તે સમય દરમ્યાન આ ટોળકીના સભ્યોએ એકબીજાને ઈશારો કરી કાઉન્ટર પર સોનાની દાગીના ભરેલ થેલી લઈ ગાયબ થઈ ગયા હતા.
ટોળકી ગયા બાદ ભાવેશકુમારને દાગીનાના સ્ટોકની ગણતરી કરી રહ્યા હતા તે દરમ્યાન માલુમ પડ્યું કે એક થેલી ઓછી છે. જે બાદ તેઓ દ્વારા તપાસ કરવામાં આવતા 48 નંગ સોનાની કાંટીઓ ન હોવાનું માલુમ પડ્યું હતું. જેની કિમત 3,13,040 છે. જે બાદ ભાવેશકુમારે દુકાનના સીસીટીવી ચેક કરતા તેમાં 12 વર્ષના બાળક દ્વારા થેલીની ચોરી કરી હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. જે બાદ ભાવેશકુમાર દ્વારા આનંદનગર પોલીસ મથકે આ સમગ્ર બાબતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.











