ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો તેમજ પત્રકારો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનો શુભારંભ

HealthCamp: રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે વિશેષ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ કેમ્પનો શુભારંભ કરાવ્યો.

આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય લોકસેવા અને અવિરત કામગીરીમાં વ્યસ્ત રહેતા ધારાસભ્યો તેમજ પત્રકારોના સ્વાસ્થ્યની જાળવણી કરવાનો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, બીમાર પડ્યા પછી સારવાર કરાવવા કરતાં રોગનું આગોતરું નિદાન અને વહેલી તકે તપાસ જરૂરી છે. પત્રકારો વિવિધ કુદરતી આફતો, તડકો-વરસાદ-ઠંડીમાં જીવન જોખમમાં મૂકીને રિપોર્ટિંગ કરે છે, જ્યારે ધારાસભ્યો પ્રજાના પ્રશ્નો, વિકાસકાર્યો અને સામાજિક જવાબદારીઓ વચ્ચે સતત કાર્યરત રહે છે. આ અનિશ્ચિતતા અને તણાવ વચ્ચે તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે.

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કહ્યું કે, જનપ્રતિનિધિઓ અને પત્રકારો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બને તે હેતુથી આ કેમ્પ આયોજિત કરાયો છે. વ્યસ્ત દિનચર્યાને કારણે નાની-નાની તકલીફો વકરે છે, પરંતુ વહેલું નિદાન માનસિક તણાવ પણ દૂર કરે છે. તેમણે જણાવ્યું કે, પોતે અગાઉ ધારાસભ્ય તરીકે અને હવે મંત્રી તરીકે પણ આવા કેમ્પનો લાભ લીધો છે.

ગાંધીનગર પ્રેસ એક્રેડિટેડ પ્રેસ ક્લબના પ્રમુખ કિશોર અંજારીયાએ જણાવ્યું કે, છેલ્લા 15 વર્ષથી આવા મેડિકલ કેમ્પ દ્વારા જનજાગૃતિનું કાર્ય કરી રહ્યા છીએ અને આગામી સમયમાં પણ આવા કાર્યો ચાલુ રાખીશું.

આ કેમ્પમાં બ્લડ રિપોર્ટ, યુરીન રિપોર્ટ, ECG સહિત વિવિધ ટેસ્ટ કરાશે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા રિપોર્ટ તૈયાર કરાશે. જરૂર પડે તો GMERS મેડિકલ કોલેજ, ગાંધીનગર ખાતે રેફર કરાશે. યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટના હૃદયરોગ નિષ્ણાંત, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કેન્સર નિષ્ણાંત તેમજ કિડની રોગના નિષ્ણાંત સાધનસામગ્રી સાથે હાજર રહ્યા. ઓપ્થલમોલોજી, ENT, સ્કીન, ઓર્થોપેડિક, ગાયનેક, ડેન્ટલ, મેડિસિન, સર્જરી જેવા વિભાગોના નિષ્ણાંત ડોક્ટરો અને ટીમ GMERS, ગાંધીનગરમાંથી ઉપસ્થિત રહી. લેબોરેટરી સુવિધા સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી.

આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, ઈડરના ધારાસભ્ય રમણભાઈ વોરા, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા સહિત અનેક ધારાસભ્યો, વિધાનસભાના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પ ધારાસભ્યો અને પત્રકારોના સ્વાસ્થ્ય પ્રત્યેની સરકારની સંવેદનશીલતા અને પ્રિવેન્ટિવ હેલ્થકેર પ્રત્યેના પ્રયાસોને દર્શાવે છે.

આ પણ વાંચો: ગુજરાતના હાઈવે રક્તરંજિત: બે ભીષણ અકસ્માતોમાં 4નાં મોત, અનેક ઇજાગ્રસ્ત

Back to top button