ગાંધીનગરમાં કુડાસણ પાસે પૈસાની લેતીદેતી મામલે મોટી બબાલ, છરીઓ લઈ તૂટી પડ્યા

ગાંધીનગર: શહેરમાં અસામાજિક તત્વો વધુ બેફામ બનતા હોવાની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના કુડાસણ વિસ્તારમાં આવેલા ધ લેન્ડ માર્ક મોલ સામે પૈસાની લેતીદેતીના મામલે હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના કારણે વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
ગાંધીનગરના કુડાસણ સ્થિત એક ફિટનેસ જીમ પાસે સોમવારે(29 જૂન) રાત્રે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. જેમાં બે વ્યક્તિઓને છરી અને અન્ય હથિયારોના ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવતા બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ સમગ્ર મામલે અમદાવાદના નવા નરોડા ખાતે રહેતા ઉત્સવ રોહિતકુમાર પટેલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર નામજોગ અને અન્ય 10 જેટલા અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં સોમવારે (29 જૂન 2026) મોડી રાત્રે 20થી વધુ લોકોના ટોળાએ એક યુવક સહિત બે વ્યક્તિઓ પર લાકડાં, છરી અને અન્ય તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.#HumDekhengeNews #Gandhinagar #Kudasan #CrimeNews #GujaratNews pic.twitter.com/AMT8yroumh
— Hum Dekhenge News (@humdekhengenews) June 30, 2026
ઘટનાની વિગત વાર વાત કરીએ તો,
ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, અમદાવાદના નવા નરોડા વિસ્તારના રહેવાસી ઉત્સવ રોહિતકુમાર પટેલે આ મામલે ફરિયાદ નોંધાવી છે. ઘટના દરમિયાન ઉત્સવ પટેલ, તેમના પિતા રોહિતકુમાર પટેલ, તેમના મિત્ર ભરતસિંહ ચંદાવત અને અન્યો હાજર હતા. હુમલાખોરોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કર્યો હતો.
આરોપીઓએ “કેમ અવારનવાર રૂપિયા માંગો છો, આજે તમને તમારા રૂપિયા આપી દઈએ” કહીને હુમલો શરૂ કર્યો. મહેન્દ્રસિંહ રાઠોડે ભરતસિંહ ચંદાવતના બંને હાથના કાંડા પર છરીના ઘા કર્યા અને તેમના બરડામાં પણ છરી ભોંકી. અભિમન્યુસિંહ રાઠોડ અને અન્ય આરોપીઓએ ઉત્સવ પટેલને પેટ, બરડા, હાથ-પગ વગેરે ભાગે છરીના ઘા કર્યા. આ ઉપરાંત, હુમલાખોરોએ ફરિયાદીની વોક્સવેગન કારની પણ ભારે તોડફોડ કરી, કાચ તોડ્યા, છત અને બોનેટ પર કૂદકા માર્યા.
ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક નાગરિકોના ફોન પર 108 એમ્બ્યુલન્સ અને પોલીસ પહોંચી. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી છૂટ્યા હતા. ભરતસિંહ ચંદાવતને ગંભીર સ્થિતિમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા, જ્યાંથી તેમને કે.ડી. હોસ્પિટલના ICUમાં ખસેડવામાં આવ્યા છે. ઉત્સવ પટેલને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે.
છેતરપિંડીની પૂર્વ વાર્તા
ફરિયાદ મુજબ, એપ્રિલ 2025માં મહેન્દ્રસિંહ ખેમચંદ રાઠોડે GACLમાં ડીલરશીપ અપાવવાની વાત કહીને 15 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ રાજસ્થાન સરકારમાં પોતાના સંપર્કો હોવાનો દાવો કરીને RTDCમાં ચેરમેન બનાવવાની લાલચ આપીને વધુ રકમ મેળવી. જાન્યુઆરી 2026માં 50 લાખની વધુ માંગ કરીને કુલ 1.10 કરોડ રૂપિયા (રોકડા અને બેંક ટ્રાન્સફર) લીધા હતા. કામ ન થતાં રકમની ઉઘરાણી શરૂ થઈ. 17 મેના રોજ કોબા સર્કલ ખાતે પણ બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો. આ વિવાદનું સમાધાન કરવા માટે જ ભરતસિંહે મહેન્દ્રસિંહને જીમ પાસે બોલાવ્યા હતા.
પોલીસ કાર્યવાહી
ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. શાહે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. મહેન્દ્રસિંહ રાઠોડ, અભિમન્યુસિંહ રાઠોડ, સુનિલ ચૌહાણ, લાલભાઈ સહિત ચાર નામજોગ અને અન્ય 10 જેટલા અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધાયો છે. પોલીસે 11 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરી વધુ તપાસ શરૂ કરી છે. હુમલામાં વપરાયેલા હથિયારો અને વાહનોની તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: Explainer: યૂરોપમાં 40°C તાપમાને લોકોને બેહાલ કર્યા, રસ્તા પીઘળી ગયા, પાટા વળી ગયા












