1 સપ્ટેમ્બરથી બદલાઇ જશે અનેક નિયમો, એલપીજી, એટીએમ ચાર્જ અને એફડીના વ્યાજ દરો પર પડશે અસર

નવી દિલ્હી, 30 ઓગસ્ટ, 2025: બે દિવસ પછી સપ્ટેમ્બર મહિનો શરૂ થશે. ત્યારે તેમાં અનેક ફેરફાર આવશે. 1લી સપ્ટેમ્બરથી અનેક નવા નિયમ લાગુ થશે જે તમારા ઘરના બજેટ અને રોજબરોજના ખર્ચાને અસર કરશે. ચાંદીની હોલમાર્કિંગ, એલપીજીની કિંમતમાં સુધારો, એટીએમ ઉપાડ અને ફિક્સ્ડ ડિપોઝીટ (FD)પરના વ્યાજ દરોમાં સંભવિત ઘટાડા જેવા ફેરફારો સીધી જ ઉપભોક્તાઓને અસર કરશે.
LPGના ભાવમાં વધઘટ
દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ ઘરેલુ LPG સિલિન્ડર માટે નવા દર જાહેર કરે છે. વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ અને કંપનીની ગણતરીના આધારે 1 સપ્ટેમ્બરના રોજ ભાવ પણ બદલાશે.
એટીએમ ફી
કેટલીક બેંકો ATM ઉપયોગ પર નવા નિયમો લાદશે. નિર્ધારિત માસિક મર્યાદા કરતાં વધુ ઉપાડ કરનારા ગ્રાહકોએ વધુ ટ્રાન્ઝેક્શન ફી ચૂકવવી પડી શકે છે. ઘણી બેંકો સપ્ટેમ્બરમાં ડિપોઝિટ દર પર વ્યાજની સમીક્ષા કરશે. હાલમાં, મોટાભાગની બેંકો ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.5 થી 7.5 ટકા વચ્ચે વ્યાજ ચૂકવી રહી છે.
ચાંદી માટે ફરજિયાત હોલમાર્કિંગ
સરકાર ચાંદી માટે ફરજિયાત હોલમાર્કિંગ રજૂ કરવા જઈ રહી છે. આનાથી પારદર્શિતા વધશે, પરંતુ કિંમતો પર અસર થઈ શકે છે. તેનો હેતુ ચાંદી બજારમાં શુદ્ધતા અને કિંમતમાં એકરૂપતા લાવવાનો છે. તે વિશ્વસનીયતા વધારશે.
SBI કાર્ડ પર નવા શુલ્ક
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI કાર્ડધારકોને સુધારેલી શરતોનો સામનો કરવો પડશે. ઓટો-ડેબિટ નિષ્ફળતા માટે બે ટકા દંડ વસૂલવામાં આવશે. આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર વધારાના શુલ્ક લાગુ થઈ શકે છે. ઇંધણ ખરીદી અને ઓનલાઇન ખરીદી પર પણ વધુ શુલ્ક વસૂલવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો, ફેડરલ કોર્ટે જ ટેરિફને ગણાવી ગેરકાનૂની












