ટોપ ન્યૂઝનેશનલ

રિક્ષા પાછળ કેમ લાગ્યા ટ્રમ્પ-થીમવાળા બેનરો?, જાણો શું છે તે પાછળનું કારણ

#Freedom250 tour begins in India: અમેરિકાએ પોતાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થવાના અવસરે એક વિશેષ વૈશ્વિક અભિયાન “#Freedom250” શરૂ કર્યું છે, અને તેની શરૂઆત ભારતની રાજધાની નવી દિલ્હીથી કરવામાં આવી છે. આ કાર્યક્રમ હેઠળ શહેરની સડકો પર એવી અનોખી ઓટો રિક્ષાઓ ઉતારવામાં આવી છે, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અમેરિકાના જાણીતા ઐતિહાસિક ચિહ્નો અને પ્રતિકાત્મક છબીઓ દર્શાવવામાં આવી છે.

આ ખાસ ટૂરની શરૂઆત ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર (Sergio Gor) દ્વારા કરવામાં આવી હતી. તેમણે નવી દિલ્હીમાં આ રંગબેરંગી ઓટો રિક્ષાઓનું અનાવરણ કર્યું અને સોશિયલ મીડિયા પર તેની ઝલક પણ શેર કરી. આ ઓટો રિક્ષાઓ ટૂંક સમયમાં દિલ્હી સહિત દેશના અન્ય શહેરોમાં પણ ફરતી જોવા મળશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

શું છે “Freedom250” અભિયાન?

“Freedom250” અમેરિકાની સરકાર અને વિવિધ ખાનગી ભાગીદારો દ્વારા ચલાવવામાં આવતી એક વર્ષ લાંબી વૈશ્વિક ઉજવણી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય 4 જુલાઈ 2026ના રોજ અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવાનો છે. આ અભિયાન અંતર્ગત અમેરિકા અને વિશ્વના અનેક દેશોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શન, પરેડ અને જાહેર ઇવેન્ટ્સ યોજાશે. ભારતને પણ આ ઉજવણીના મહત્વપૂર્ણ ભાગ તરીકે સામેલ કરવામાં આવ્યું છે, જે ભારત-અમેરિકા સંબંધોની વધતી મજબૂતી દર્શાવે છે.

ભારત-અમેરિકા સંબંધો પર ખાસ ભાર

સર્જિયો ગોરે કહ્યું કે, આ ઉજવણી માત્ર અમેરિકાની ઐતિહાસિક સિદ્ધિ નથી, પરંતુ ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત અને ગતિશીલ સંબંધોનું પણ પ્રતીક છે. તેમના કહેવા પ્રમાણે, આ પ્રકારના કાર્યક્રમો બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક જોડાણ અને મિત્રતાને વધુ ગહન બનાવે છે.

તેમણે X (ટ્વિટર) પર લખ્યું હતું કે તેઓ નવી દિલ્હીમાં આ અભિયાનની શરૂઆત કરીને ખૂબ ખુશ છે અને આ ઓટો રિક્ષાઓ સમગ્ર શહેરમાં ફરતી રહેશે, જે લોકોનું ધ્યાન આકર્ષશે અને ઉજવણીનો સંદેશ ફેલાવશે.

મોદી-ટ્રમ્પ વચ્ચે 40 મિનિટની વાતચીત

આ ઉજવણીના સમયમાં જ તાજેતરમાં પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે લગભગ 40 મિનિટ લાંબી ટેલિફોનિક વાતચીત પણ થઈ હતી. આ ચર્ચા દરમિયાન બંને નેતાઓએ ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, વૈશ્વિક પરિસ્થિતિ અને ખાસ કરીને મધ્ય પૂર્વમાં ચાલી રહેલી સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. બંને પક્ષોએ પોતાની “વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી”ને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત કરી હતી.

હોર્મુઝ સ્ટ્રેટ પર ચર્ચા

વાતચીત દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz)ને ખુલ્લું અને સુરક્ષિત રાખવાનું મહત્વ વિશે પણ બંને નેતાઓએ ખાસ ચર્ચા કરી હતી. આ વિસ્તાર વૈશ્વિક તેલ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તેથી તેની સુરક્ષા સમગ્ર વિશ્વ માટે મહત્વની ગણાય છે.

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્ગિયો ગોરના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને કહ્યું હતું કે, “અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ.” આ નિવેદનને બંને દેશો વચ્ચેની મિત્રતા અને નજીકના સંબંધોના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

“Freedom250” ટૂર માત્ર એક ઉજવણી કાર્યક્રમ નથી, પરંતુ તે અમેરિકા અને ભારત વચ્ચેના વધતા રાજકીય, સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક સંબંધોનું પ્રતીક પણ બની રહ્યું છે. નવી દિલ્હીની સડકો પર ફરતી ટ્રમ્પ-થીમવાળી ઓટો રિક્ષાઓ આ વૈશ્વિક જોડાણનો એક અનોખો અને ચર્ચાસ્પદ સંદેશ આપી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં રાજકીય ફેરફારના સંકેત, લોકસભા અને વિધાનસભાની બેઠકોમાં વધારો થશે

 

 

Back to top button