પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પંચમહાભૂતમાં વિલીન, રાજકોટ અને ગાંધીનગરમાં યોજાશે પ્રાર્થનાસભા

- એરપોર્ટથી નિવાસસ્થાન તેમજ નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમયાત્રાના સમગ્ર રૂટમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યાં
રાજકોટ, 16 જૂન : અમદાવાદમાં થયેલ દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં અણધારી ચિરવિદાય લેનાર સરળ, સૌમ્ય અને નિખાલસ વ્યક્તિત્વના ધની, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વ.વિજયભાઈ રૂપાણીની રાજકીય સન્માન સાથે રાજકોટ ખાતે અંતિમવિધિ કરાઇ હતી. DNA મેચ થયા બાદ આજે સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વિજયભાઈ રૂપાણીનો નશ્વર દેહ ગાર્ડ ઓફ ઓનર સાથે પરિવારને સોંપાયો હતો ત્યારબાદ અંતિમક્રિયા માટે તેઓના પાર્થિવ દેહને હવાઈ માર્ગે રાજકોટ લાવવામાં આવ્યો હતો.

એરપોર્ટથી નિવાસસ્થાન તેમજ નિવાસસ્થાનેથી રામનાથ પરા સ્મશાન સુધી અંતિમયાત્રાના સમગ્ર રૂટમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં લોકો વિજયભાઈ રૂપાણીને અશ્રુભીની આંખે આખરી વિદાય આપવા ઉમટ્યાં હતાં. અંતિમયાત્રામાં સમગ્ર રાજકોટ હિબકે ચડ્યું હતું અને લાગણીસભર દૃશ્યો સર્જાયા હતાં. વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ તેઓના રાજકોટ નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રખાયો હતો.
વિજયભાઈ રૂપાણીને અંતિમ વિદાય આપવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપાના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષજી, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, બિહારના સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, ગુજરાત સરકારના મંત્રીઓ, પક્ષના સંગઠનના પદાધિકારીઓ અને સિનિયર આગેવાનો, સાંસદો, ધારાસભ્યો, પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો, સૌરાષ્ટ્રના વિવિધ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના પદાધિકારીઓ, સામાજિક આગેવાનો, ધાર્મિક સંતો-મહંતો તેમજ વિભિન્ન ક્ષેત્રના અગ્રણીઓએ ઉપસ્થિત રહી વિજયભાઈ રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવા રૂપાણી પરિવાર દ્વારા ૧૭ જૂન, મંગળવારે રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે બપોરે ૩.૦૦ થી ૬.૦૦ કલાકે તેમજ ૧૯ જૂન, રવિવારે એક્ઝીબિશન સેન્ટર હોલ-૧, હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ કલાકે પ્રાર્થના સભા યોજાશે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ૨૦ જૂન, શુક્રવારે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ કલાકે પ્રદેશ કાર્યાલય કમલમ, કોબા, ગાંધીનગર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવશે.












