આણંદના નાવલી ખાતેની એન.સી.સી. લીડરશીપ એકેડમી ભવનનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ

આણંદ, તા. 25 જુલાઈ, 2025: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના નાવલી દહેમી રોડ પર રૂપિયા ૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા એન.સી.સી લીડરશીપ એકેડમીના આધુનિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યપ્રધાને રાજય સરકારના આર્થિક સહયોગથી નિર્માણ પામેલા આ આધુનિક ભવનની મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓથી માહિતગાર થયા હતા. એન.સી.સી લીડરશીપ એકેડમીના ભવનના પટાંગણમાં તેમણે વૃક્ષારોપણ કર્યું હતુ. આ તકે એન.સી.સી. કેડેટ્સ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના વિઝનરી માર્ગદર્શન અને સહયોગ દ્વારા નિર્મિત આ એકેડમી રાજ્યના યુવાનોમાં નેતૃત્વ, શિસ્ત અને રાષ્ટ્રીય સેવાનો ભાવ જાગૃત કરવાનું કેન્દ્ર બનીને યુવા સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણ માટેનું એક મહત્વપૂર્ણ કદમ બનશે. આ એકેડમીનું રાજ્યમાં NCC તાલીમને નવી ઉંચાઇએ લઇ જવા માટે મહત્પૂર્ણ બની રહેશે અને યુવાનોમાં નેતૃત્વ, દેશભક્તિ અને સામાજિક જવાબદારીના મૂલ્યોને પ્રબળ બનાવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આણંદ જિલ્લાના નાવલી ખાતે નવનિર્મિત NCC લીડરશીપ એકેડમીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના યુવાનોના ઘડતરમાં NCCના મહત્વને હંમેશા પ્રકાશિત કર્યું છે ત્યારે, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં રાજ્ય… pic.twitter.com/jWkZxaGCZF
— CMO Gujarat (@CMOGuj) July 25, 2025
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદ અને રાજપીપળામાં અત્યારે 1-1 NCC એકેડમી કાર્યરત છે. હવે ત્રીજી NCC લીડરશીપ એકેડમીનું નિર્માણ થયું છે, તેનું સંચાલન વલ્લભ વિદ્યાનગર ગ્રુપ હેડક્વાર્ટર અંતર્ગત કરવામાં આવશે. આ એકેડમીમાં તા. ૨૮ જુલાઈથી ‘યુવા આપદા તાલીમ કેમ્પ’ અને ‘કમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ’ (CATC) શરૂ થશે. ત્યારબાદ સમયાંતરે NCC કેમ્પ્સનું આ એકેડમીમાં આયોજન કરવામાં આવશે.
આ એકેડમીના પ્રથમ તબક્કામાં ૨૦૦ કેડેટ્સ માટે આધુનિક રહેણાંક, તાલીમ અને વહીવટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેમ્પસમાં ઓબ્સ્ટેકલ કોર્સ, ફાયરિંગ રેન્જ, ડ્રિલ ગ્રાઉન્ડ, ડિજિટલ ક્લાસ રૂમ અને સંપૂર્ણ સજ્જ રહેણાંક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજા તબક્કા હેઠળની કામગીરી પ્રગતિમાં છે, તે પૂર્ણ થતાં નાવલી મધ્ય ગુજરાતમાં ૬૦૦ જેટલા કેડેટ્સની ક્ષમતા ધરાવતું એક અગ્રણી તાલીમ કેન્દ્ર બની રહેશે.
આ પણ વાંચોઃ રાજ્યમાંથી વધુ એક તલાટી મંત્રી લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયો












