હવે કેટલા વર્ષ માટે યોજાશે કાર્નિવલ?: કચ્છની વિશેષ સંસ્કૃતિ, ઉત્સવપ્રિયતા રણોત્સવ અને કાર્નિવલના માધ્યમથી દુનિયામાં ઝળક્યાં

- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છી નવા વર્ષ અષાઢી બીજે ભુજમાં કચ્છ કાર્નિવલમાં સહભાગી બની કચ્છીયતના રંગે રંગાયા
ભુજ, 28 જુન 2025: Rannustav, Carnival અષાઢી બીજની સાંજ કચ્છ માટે શુકનવંતી બની હતી કારણ કે ધાર્યા મુજબ વરસાદે શુકન સાચવ્યું હતું. દરમિયાન 14 વર્ષ પછી કચ્છની સંસ્કૃતિને ઝળકાવતો સાંસદ કચ્છ કાર્નિવલ યોજાયો હતો અને રાત્રિ સુધી જિલ્લા અને નગરવાસીઓને 64 ફ્લોટ્સ માણ્યા હતા. જાણો આ તકે શું જાહેરાત થઇ અને હવે આગામી કેટલા વર્ષ માટે કાર્નિવલનું આયોજન કરાતું રહેશે.

ભુજમાં શણગાર સમા હમીરસર તળાવ કિનારે કચ્છ કાનિર્વલનો આરંભ કરાવતા મુખ્ય મહેમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છીમાડુઓને કચ્છી નૂતન વર્ષ અષાઢીબીજની શુભેચ્છા પાઠવીને જણાવ્યું હતું કે, કચ્છીઓ તો પોતાના આગવા ખમીર અને ઝમીરથી ઉત્સવો માણવા માટે પ્રખ્યાત હોવાથી દેશ વિદેશથી કચ્છ આવતા લોકોને કચ્છની પરંપરાગત અને ભાતીગળ સંસ્કૃતિ, ખાન-પાન, કલા કારીગરીથી પરિચિત કરાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ કાર્નિવલ તથા રણોત્સવનું આયોજન કરી કચ્છની વિશેષ સંસ્કૃતિ અને ઉત્સવપ્રિયતાને વિશ્વથી રૂબરૂ કરાવી હતી. વડાપ્રધાનએ કચ્છના રણને રણોત્સવ દ્વારા પ્રવાસનનું તોરણ બનાવીને “ કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા” ની ટેગ લાઈન સાથે વિશ્વમાં કચ્છની આગવી ઓળખ ઉભી કરી છે. હાલ, કચ્છ વડાપ્રધાનશ્રીના વિકાસના વિઝન અને કમિટમેન્ટનું એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે.
સ્મૃતિ વન દુનિયાના પ્રથમ ત્રણ પૈકીની વિરાસત બની
૨૦૦૧ના વિનાશક ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં બનેલું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલનો વિશ્વના ત્રણ સૌથી સુંદર મ્યુઝિયમમાં સમાવેશ કરાયો છે. કચ્છ આવી પ્રાચીન વિરાસત સાથે વડાપ્રધાને આપેલા ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને પણ વિકાસના નવા આયોમોથી સાકાર કરી રહ્યું છે તેમાં કોઇ બેમત નથી.

રીન્યૂએબલ એનર્જી સેક્ટરમાં એશિયાંમાં નંબર 1
કચ્છને એનર્જી સેક્ટરથી ભારતનું પાવર હાઉસ ગણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ખાવડા ખાતે એશિયાના સૌથી મોટા સોલાર વિન્ડ હાઇબ્રીડ એનર્જી પાર્ક કાર્યરત થતા રિન્યૂએબલ એનર્જી ઉત્પાદનમાં કચ્છનો ખૂબ મોટો ફાળો રહેશે. તાજેતરમાં જ કંડલા ખાતે ૧૦ મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધા નિર્માણનું ખાતમુહૂર્ત પણ કર્યુ છે.

સાંસદ વિનોદ ચાવડાએ પાંચ વર્ષ માટે કરી જાહેરાત
આ પ્રસંગે યજમાન એવા સાસંદ વિનોદભાઈ ચાવડાએ કચ્છીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, અષાઢીબીજ એટલે દેશ વિદેશમાં વસતા દરેક કરછીમાડુઓનો લોક ઉત્સવ. અષાઢી બીજના ખેડૂતો નવું વાવેતર કરતા હોય છે, સાગર ખેડૂઓ દરિયો ખેડી પરત આવતા હોય છે તેમજ ઘરે ઘરે લાપસીના આંધણ મુકાતા હોય છે ત્યારે આ ઉત્સવ દરેક કરછીમાડુના દિલની નજીક છે. તાજેતરમાં વડાપ્રધાનની અપીલ બાદ સાંસદે ભુજમાં ‘કચ્છ કાર્નિવલ’ કરવાની જવાબદારી સ્વીકારીને 2025માં કાર્નિવલની આગામી પાંચ વર્ષ માટે જાહેરાત કરી છે.
વડાપ્રધાને શું ફરીથી યાદ કરાવ્યું?
વડાપ્રધાન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન કચ્છ કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં ‘ઓપરેશન સિંદુર’ બાદ ભુજ આવેલા નરેન્દ્રભાઈએ કચ્છ કાર્નિવલ શરૂ કરવા પ્રેરણા આપી હતી. જેની ફલશ્રુતિ સ્વરૂપ કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનિય છે કે, અગાઉ 2011માં મોદીએ વેપારી સંસ્થાઓ અને ચેમ્બર ઓફ કોમર્સને લોકભાગીદારીથી કાર્નિવલનું આયોજન કરવા સૂચવ્યું હતું.

કચ્છભરના 2500 જેટલા કચ્છી કલાકારો જોડાયા
કચ્છી નવા વર્ષે ખેંગારબાગ પાસે મહારાવ મદનસિંહજીની પ્રતિમા પાસેથી ઉમેદનગરના પુલ સુધીના રૂટમાં આયોજીત કાર્નિવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કલાકારોની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કચ્છભરના 2500 જેટલા કચ્છી કલાકારોએ કચ્છ, ગુજરાત તથા અન્ય રાજ્યની સંસ્કૃતિને 64 ફલોટના માધ્યમથી રજૂ કરીને કલાના કામણ પાર્થયા હતા. વિવિધ સમાજ, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ, શાળાઓ, મહિલા મંડળો વગેરે જોડાયા હતા.
આ પણ વાંચો: ‘કાંટા લગા’ ફેઈમ શેફાલી જરીવાલાની દુનિયામાંથી એકાએક એક્ઝિટ: લાખો ચાહકો આઘાતમાં
આ પણ વાંચો: શુભમન ગિલ પાસે ઈતિહાસ રચવાનો અવસર, આવું એકપણ ભારતીય કેપ્ટન નથી કરી શક્યા












