આગ બની મોતનો કાળો કહેર, દેશને કંપાવી ગયેલી ઘટનાઓ

Worst Fire Accident Death: ભારતમાં આગ લાગવાની ઘટનાઓ હવે માત્ર અકસ્માત સુધી મર્યાદિત રહી નથી. બેદરકારી, નબળી સુરક્ષા વ્યવસ્થા અને નિયમોની અવગણનાના કારણે અનેક વખત એવી દુર્ઘટનાઓ સર્જાઈ છે, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. તાજેતરમાં લખનઉમાં બનેલી કોચિંગ સેન્ટરની આગની ઘટનાએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે.
લખનઉ કોચિંગ અગ્નિકાંડ: 13 વિદ્યાર્થીઓના મોત
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં આવેલી એક કોચિંગ સંસ્થામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ત્રણ માળની ઇમારતમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઈ કે અંદર હાજર વિદ્યાર્થીઓને બહાર નીકળવાની તક જ મળી નહીં.
આ દુર્ઘટનામાં 13 વિદ્યાર્થીઓના મોત થયા હતા, જ્યારે અનેક અન્ય વિદ્યાર્થીઓ દાઝી જતાં ઇજાગ્રસ્ત થયા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે ઉપરના માળેથી કૂદકો મારવો પડ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બચાવ કામગીરી હાથ ધરી હતી.
દિલ્હી માલવીય નગર આગકાંડ: 21 લોકો જીવતા ભસ્મ
દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલા એક B&B હોટલમાં લાગેલી ભયાનક આગમાં 21 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 9 ભારતીયો ઉપરાંત 12 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થતો હતો.
આગ એટલી વિકરાળ હતી કે અનેક લોકો બારીઓમાંથી કૂદીને જીવ બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. આ ઘટના બાદ મેટ્રો શહેરોમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ પર ફરી સવાલો ઊભા થયા હતા.
ઉપહાર સિનેમા કાંડ: ફિલ્મ જોતા જોતા મોત
1997માં દિલ્હીના ગ્રીન પાર્ક વિસ્તારમાં આવેલા ઉપહાર સિનેમામાં લાગેલી આગ દેશના સૌથી દુઃખદ અગ્નિકાંડોમાંની એક ગણાય છે. સની દેઓલની ફિલ્મ ‘બોર્ડર’ ચાલી રહી હતી ત્યારે ટ્રાન્સફોર્મરમાં ખામી સર્જાતા આગ ફાટી નીકળી હતી.
આ દુર્ઘટનામાં 59 લોકોના મોત થયા હતા, જ્યારે 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે સિનેમાના અનેક એક્ઝિટ ગેટ બંધ હતા, જેના કારણે લોકો અંદર જ ફસાઈ ગયા હતા.
કુંભકોણમ સ્કૂલ દુર્ઘટના: 94 માસૂમ બાળકો આગમાં હોમાયા
તમિલનાડુના કુંભકોણમમાં વર્ષ 2004માં બનેલી સ્કૂલ આગની ઘટના આજે પણ લોકોના દિલ કંપાવી દે છે. સરસ્વતી ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં બપોરના ભોજન માટે બનાવવામાં આવેલા રસોડામાંથી આગ લાગી હતી, જે બાદમાં ઘાસછાપરાવાળા વર્ગખંડ સુધી પહોંચી ગઈ હતી.
તે સમયે અંદર 200થી વધુ બાળકો હાજર હતા. આ ઘટનામાં 94 બાળકો જીવતા સળગી ગયા હતા, જ્યારે ઘણા ગંભીર રીતે દાઝ્યા હતા.
કોલકાતા AMRI હોસ્પિટલ આગકાંડ: ધુમાડાથી ગૂંગળાઈ ગયા દર્દીઓ
2011માં કોલકાતાની AMRI હોસ્પિટલમાં લાગેલી આગમાં 89 લોકોના મોત થયા હતા. મોટાભાગના દર્દીઓ ધુમાડાના કારણે ગૂંગળાઈ જતાં મોતને ભેટ્યા હતા.
આરોપ લાગ્યો હતો કે હોસ્પિટલ પ્રશાસને સમયસર ફાયર બ્રિગેડને જાણ કરી નહોતી. બાદમાં સમગ્ર મામલે હોસ્પિટલ મેનેજમેન્ટ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
દરેક દુર્ઘટના આપે છે ચેતવણી
દેશમાં બનતી આવી આગની ઘટનાઓ એક જ બાબત તરફ ઈશારો કરે છે — સુરક્ષામાં બેદરકારી. દરેક મોટી દુર્ઘટના બાદ નિયમો કડક બનાવવામાં આવે છે, પરંતુ સમય જતાં તેનો અમલ ઢીલો પડી જાય છે.
જો સમયસર સુરક્ષા ધોરણોનું પાલન કરવામાં આવે અને નિયમિત તપાસ થાય તો ભવિષ્યમાં અનેક નિર્દોષ જિંદગીઓ બચાવી શકાય છે.
આ પણ વાંંચો : અમદાવાદ/ ખેંચ આવતાં કાર બેકાબુ થઈ, એક મોત ; 6 ઇજાગ્રસ્ત












