હૃદયદ્રાવક ઘટના: પુત્રને બચાવવા જતા માતા-પિતાના પણ મોત, એક જ પરિવારના 3નાં જીવ ગયા

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. સોલાપુર-ધુલે હાઇવે પર તિસગાંવ આગળ આવેલા ખવડ્યા ડોંગર વિસ્તારમાં એક યુવકને બચાવવાના પ્રયાસ દરમિયાન તેના માતા-પિતા પણ ખીણમાં પડી જતાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ 18 વર્ષીય યુવક પરિવાર સાથે થયેલા વિવાદ બાદ પહાડી વિસ્તારમાં પહોંચી ગયો હતો. તે લગભગ ત્રણ કલાક સુધી પહાડીના કિનારે ઊભો રહ્યો હતો. પરિવારજનો, સ્થાનિક લોકો અને બચાવ ટીમો તેને સમજાવી સુરક્ષિત સ્થળે લાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.
લગભગ ત્રણ કલાક સુધી યુવકને સમજાવવાના પ્રયાસ
ઘટના અંગે સવારે 11:33 વાગ્યે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં પદમપુરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં સુધીમાં સ્થાનિક લોકો, પોલીસ અને યુવકના માતા-પિતા પણ તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
બચાવકર્મીઓ દ્વારા પહાડી નીચે સુરક્ષાની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ યુવક સતત કિનારાની નજીક સ્થાન બદલતો રહેતા બચાવ કામગીરી મુશ્કેલ બની હોવાનું જણાવાયું છે.
પુત્રનો હાથ પકડ્યો અને પિતા પણ નીચે પડ્યા
લાંબા સમય સુધી સમજાવ્યા બાદ યુવકના પિતા ધીમે-ધીમે તેની નજીક પહોંચ્યા હતા. તેમણે પુત્રને બચાવવા તેનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે સમયે યુવક ખીણ તરફ પડી જતાં તેનો હાથ પકડી રહેલા પિતા પણ સાથે નીચે પડી ગયા હતા.
આ ઘટના બાદ ત્યાં હાજર યુવકની માતા પણ ખીણમાં પડી ગયાં હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઘટનામાં ત્રણેયનાં મોત થયાં હોવાનું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે.
ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે આવા સંવેદનશીલ વીડિયો શેર કરતી વખતે લોકો પાસે સાવચેતી રાખવાની જરૂર છે.
નવા મોબાઇલની માંગને લઈને થયો હતો વિવાદ?
અધિકારીઓ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ સવારે આશરે 10 વાગ્યે યુવકે નવો મોબાઇલ ફોન લેવાની માંગને લઈને માતા-પિતા સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ તે નારાજ થઈ પહાડી તરફ ગયો હોવાનું જણાવાયું છે.
યુવકની સુરક્ષાની ચિંતા થતાં તેના પિતા મुरલીધર અને માતા સંગીતા પણ તેની પાછળ ગયા હતા. સ્થાનિક ગ્રામજનો, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવશે સમગ્ર હકીકત
ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. મોબાઇલ ફોનને લઈને થયેલો વિવાદ જ ઘટનાનું કારણ હતો કે તેની પાછળ અન્ય કોઈ કારણ હતું તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
ઘટનાક્રમ અને અન્ય પરિસ્થિતિ અંગે પણ પોલીસ દ્વારા સંબંધિત લોકોના નિવેદન લેવામાં આવી શકે છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની વધુ સ્પષ્ટ વિગતો સામે આવશે.
આ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે કે તણાવ, ગુસ્સો કે પરિવારિક વિવાદની ક્ષણોમાં સંવાદ અને સમયસર સહાય કેટલી મહત્વપૂર્ણ બની શકે છે.
આ પણ વાંચો: શું ગુજરાતમાંથી દારુબંધી હટી જશે? સરકારના મંત્રી જીતુ વાઘાણીએ કરી દીધો ખુલાસો












