ટ્રેન્ડિંગનેશનલ

લિફ્ટ આપી ગેંગરેપ કર્યો, ચાલતી વાનમાંથી બહાર ફેંકી દીધી, નિવેદન આપવાની સ્થિતિમાં પણ નથી યુવતી

દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ફરીદાબાદમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક અત્યંત શરમજનક અને હચમચાવી દેતી ઘટના સામે આવી છે. ફરીદાબાદમાં એક ઇકો વાનમાં સવાર બદમાશોએ એક યુવતી સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તેને ચાલતી ગાડીમાંથી રસ્તા પર નીચે ફેંકી દીધી હતી. યુવતી લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડી રહી હતી, જેને સ્થાનિક લોકોની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

યુવતી હાલ સફદરજંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અહેવાલો અનુસાર, તેણીના માથા અને ચહેરા પર અનેક ઇજાઓ થઈ છે અને તેને આશરે 12 ટાંકા લેવા પડ્યા છે. આ ઘટના મંગળવારે વહેલી સવારે ગુરુગ્રામ-ફરીદાબાદના ઉજ્જડ રોડ પર બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત યુવતી કામ પરથી પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં ઇકો વાનમાં સવાર શખ્સોએ તેને લિફ્ટ આપવાના બહાને અથવા બળજબરીથી ગાડીમાં બેસાડી દીધી હતી. ગાડીની અંદર આરોપીઓએ બે થી ત્રણ કલાક સુધી એક પછી એક વારાફરતી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે યુવતીએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ તેને માર માર્યો હતો અને ગુનો આચર્યા બાદ તેને સૂમસામ રસ્તા પર ચાલતી ગાડીમાંથી બહાર ફેંકી દીધી હતી.

પીડિતાની હાલત ગંભીર છે

પીડિતાની હાલત એટલી ગંભીર છે કે તે નિવેદન આપી શકે તેવી સ્થિતિમાં પણ નથી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બે આરોપીઓ, જેમાંથી એક ઉત્તર પ્રદેશનો છે અને બીજો મધ્ય પ્રદેશનો, આ બંનેને બુધવારે શહેરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

ફરીદાબાદ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ તેજ કરી છે. પોલીસે રસ્તા પરના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરી છે જેથી ગુનામાં વપરાયેલી ઇકો વાનનો નંબર અને આરોપીઓની ઓળખ થઈ શકે. પ્રાથમિક તપાસમાં પોલીસને કેટલીક શંકાસ્પદ ગાડીઓની વિગતો મળી છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મહિલાઓની સુરક્ષા માટે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલીંગ વધારવાની માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Andhra Pradesh: આર્થિક તંગીથી કંટાળી પિતાએ ત્રણ પુત્રોની હત્યા કરી, પછી પોતે પણ ફાંસી લગાવી

Back to top button