ટ્રેન્ડિંગહેલ્થ

ક્યાં મચ્છરના કરડવાથી થાય છે ડેંગ્યૂ?, જાણો લક્ષણોથી લઈને સારવાર સુધીની સંપૂર્ણ ડિટેઈલ

National Dengue day : દર વર્ષે 16 મેના દિવસે ભારતમાં ‘રાષ્ટ્રીય ડેંગ્યૂ દિવસ’ (નેશનલ ડેંગ્યૂ ડે) ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ ડેંગ્યૂ જેવી મચ્છરજનિત બીમારી વિશે લોકોમાં જાગૃતિ વધારવાનો અને ખાસ કરીને મોનસૂન પહેલાં જ બચાવના પગલાંને મજબૂત બનાવવાનો છે.

‘પ્રી-મોનસૂન અવેરનેસ’ માટે મહત્ત્વનો

આ દિવસ પર આરોગ્ય વિભાગ, રાજ્ય સરકાર અને સ્થાનિક સંસ્થાઓ લોકોને ઘર અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા, પાણી ભરાવા ન દેવા અને મચ્છર વધુ ન થાય તેને અટકાવવા માટે પ્રેરિત કરે છે. ખાસ કરીને મે મહિનો ‘પ્રી-મોનસૂન અવેરનેસ’ માટે મહત્ત્વનો માનવામાં આવે છે, જ્યારે જુલાઈથી સપ્ટેમ્બર સુધીનો સમય ડેંગ્યૂના સૌથી વધુ કેસ જોવા મળે છે. વરસાદી ઋતુમાં પાણી ભરાવાની સમસ્યા વધે છે અને એ જ પરિસ્થિતિ ડેંગ્યૂ ફેલાવનારા મચ્છર માટે અનુકૂળ બને છે.

ડેંગ્યૂ શું છે?

ડેંગ્યૂ એક પ્રકારે તાવ છે જે મુખ્યત્વે એડીસ ઇજિપ્તી (Aedes Aegypti) નામના મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છર સામાન્ય રીતે દિવસ દરમિયાન ખાસ કરીને વહેલી સવારે અને સાંજના સમયગાળા દરમિયાન કરડે છે. એક વખત કોઈ વ્યક્તિને એક પ્રકારનો ડેંગ્યૂ થાય તો પણ તે અન્ય પ્રકારથી ફરી સંક્રમિત થઈ શકે છે, અને બીજી વખતનું સંક્રમણ વધુ ગંભીર હોઈ શકે છે.

ડેંગ્યૂના ચાર મુખ્ય પ્રકાર છે

  1. DENV-1
  2. DENV-2
  3. DENV-3
  4. DENV-4

ડેંગ્યૂ કેવી રીતે ફેલાય છે?

ડેંગ્યૂનો મચ્છર સ્વચ્છ અને ઉભા પાણીમાં પ્રજનન કરે છે. ઘરઆંગણે જોવા મળતી કેટલીક સામાન્ય જગ્યાઓ જેમ કે:

  • કૂલરનું પાણી
  • પ્લાન્ટ પોટ્સ
  • ખુલ્લી બાલ્ટીઓ
  • ટાયર અને કચરાના પાત્રો
  • પાણી સંગ્રહ ટાંકી

ડેંગ્યૂના લક્ષણો

ડેંગૂના શરૂઆતના લક્ષણો સામાન્ય વાયરલ ફીવર જેવા જ હોય છે, જેના કારણે ઘણા લોકો તેને ગંભીરતાથી લેતા નથી. મુખ્ય લક્ષણોની વાત કરીએ તો ખૂબ જ તીવ્ર તાવ (high fever), માથાનો દુખાવો, આંખ પાછળ દુખાવો, શરીરમાં તીવ્ર પીડા, થાક અને કમજોરી, ચામડી પર રેશ (Rash), ઉબકા અને ઉલટી વગેરે જેવા સામેલ છે. કેટલાક કેસમાં સ્થિતિ ગંભીર બને તો નાક અને પેઢા માંથી લોહી નીકળે છે તેમજ પેટમાં અતિશય દુખાવો થાય છે, જ્યારે બ્લડ પ્રેશર ઘટી જઈ છે. આ સ્થિતિને ડેંગ્યૂ હેમોરહેજિક ફિવર (Dengue Hemorrhagic Fever) અથવા ડેંગ્યૂ શોક સિન્ડ્રોમ (Dengue Shock Syndrome) કહેવામાં આવે છે, જે જીવલેણ બની શકે છે. કેટલાક ગંભીર કેસમાં શરીરમાં ફ્લુઇડ લીકેજ થવાથી ઓર્ગન ફંક્શન પર અસર થઈ શકે છે. ડૉક્ટરો કહે છે કે ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને પહેલાથી જ કોઈ ક્રોનિક બીમારી ધરાવતા લોકોમાં જોખમ વધારે હોય છે.

ડેંગ્યૂ શરીરના વિવિધ અંગોને અસર કરી શકે

  • લિવર પર અસર કરીને એન્ઝાઇમ્સ (ALT, AST) વધારી શકે
  • બોન મેરો (bone marrow) પર અસર કરી શકે
  • રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડી શકે

પ્લેટલેટ્સ વિશે સાચી સમજ

ડેંગ્યૂમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો પ્લેટલેટ્સ છે. સામાન્ય રીતે માનવ શરીરમાં 1,50,000 થી 4,50,000 પ્લેટલેટ્સ હોય છે. ડેંગ્યૂમાં પ્લેટલેટ્સ ઘટી શકે છે, પરંતુ માત્ર ઓછા પ્લેટલેટ્સ હોવું જ ગંભીરતાનું એકમાત્ર માપદંડ નથી. મહત્ત્વનું એ છે કે દર્દીની ક્લિનિકલ સ્થિતિ કેવી છે. ડૉક્ટરો સામાન્ય રીતે માત્ર લેબ રિપોર્ટ નહીં પરંતુ બ્લીડિંગના લક્ષણો, બ્લડ પ્રેશર તેમજ દર્દીની હાલત જોઈને સારવાર નક્કી કરવાનું વિચારે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ક્યારે પડે?

  • સતત high fever (103°Fથી વધુ)
  • બ્લડ પ્રેશર ઘટવું
  • સતત ઉલટી અથવા ડિહાઇડ્રેશન
  • બ્લીડિંગના લક્ષણો
  • ગંભીર નબળાઈ અથવા બેભાન અવસ્થા
ડેંગ્યૂ માટે કોઈ ખાસ એન્ટીવાયરલ દવા નથી. સારવાર મુખ્યત્ત્વે સપોર્ટિવ કેર પર આધારિત છે જેમ કે:
  • પૂરતું પાણી અને લિક્વિડ
  • તાવ ઘટાડવા માટે દવાઓ (ડૉક્ટરની સલાહ મુજબ)
  • આરામ

ડેંગ્યૂ અને લિવરનો સંબંધ

કેટલાક ગંભીર કેસમાં ડેંગ્યૂ લિવર સેલ્સને અસર કરી શકે છે, જેના કારણે લિવર એન્ઝાઇમ્સ વધતા ઇન્ફ્લેમેશન થઈ શકે છે. આવી ગંભીર સ્થિતિમાં ઓર્ગન (લિવર) ડેમેજ થઈ શકે છે, પરંતુ નોંધવું જરૂરી છે કે લિવર ફેલ્યોર દુર્લભ છે અને સામાન્ય રીતે માત્ર ગંભીર ડેંગ્યૂ કેસમાં જોવા મળે છે.

વેક્સિન વિશે માહિતી

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર ડેંગ્યૂ માટે કેટલીક વેક્સિન ઉપલબ્ધ છે. આ વેક્સિન કેટલાક દેશોમાં ઉપયોગમાં છે, પરંતુ દરેક દેશમાં તેનો ઉપયોગ મંજૂર નથી. ભારતમાં ડેંગ્યૂ વેક્સિનનો વ્યાપક ઉપયોગ હજુ ઉપલબ્ધ નથી અને તે સંબંધિત અભ્યાસ અને મંજૂરી પ્રક્રિયામાં છે.

  1. Dengvaxia
  2. Qdenga

ડેંગ્યૂથી બચાવના સરળ ઉપાયો

  • ઘર અને આસપાસ પાણી ભરાવા ન દેવું
  • કૂલરનું પાણી નિયમિત બદલવું
  • કુંડા અને ટાંકી સાફ રાખવી
  • મચ્છરદાનીનો ઉપયોગ કરવો
  • પૂરી બાંયના કપડાં પહેરવા

કેટલાક છોડ જેવા કે, તુલસી અને પુદીના મચ્છર દૂર રાખવામાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ એ માત્ર પૂરક ઉપાય છે.

ખોરાક અને રિકવરી

  • પૂરતું પાણી પીવું
  • ORS, નારિયેળ પાણી અને ફળોના રસ લેવું
  • હળવું અને પચવામાં સરળ ખોરાક લેવો
  • સાથે- સાથે કોઈ પણ ઘરગથ્થુ ઉપચાર પર સંપૂર્ણ નિર્ભર ન રહેવું જોઈએ.

ડેંગ્યૂ અટકાવી શકાય તેવી બીમારી

ડેંગ્યૂ એક ગંભીર પરંતુ અટકાવી શકાય તેવી બીમારી છે. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે લોકોએ સમયસર લક્ષણોને ઓળખીને યોગ્ય સારવાર લેવી જોઈએ. રાષ્ટ્રીય ડેંગ્યૂ દિવસનો મુખ્ય સંદેશ પણ એ જ છે, જાગૃતિ, સફાઈ અને સામુદાયિક ભાગીદારી દ્વારા આ બીમારી પર નિયંત્રણ શક્ય છે. તમારા દ્વારા લેવામાં આવેલા નાના પગલાં પણ હજારો લોકોના જીવન બચાવી શકે છે.

આ પણ વાંચો : જાણો વિશ્વના સૌથી સુંદર ચલણ ધરાવતા દેશમાં ભારતના 500 રૂપિયાની કિંમત કેટલી છે?
Back to top button