આંતરરાષ્ટ્રીયગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

EVM વિવાદઃ ઈલોન મસ્કને ભારતે આપ્યો જવાબ, તો રાહુલ ગાંધીએ પણ ફરી કર્યો પ્રહાર

નવી દિલ્હી, 16 જૂનઃ ભારતમાં તાજેતરમાં પૂરી થયેલી 18મી લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)નો મુદ્દો હાવી રહ્યો હતો. વિરોધ પક્ષો ખાસ કરીને 2014થી ઈવીએમનો મુદ્દો જોરશોરથી ઉપાડી રહ્યા છે અને ભારતમાં ફરીથી તમામ ચૂંટણી કાગળના મતપત્રકથી થવી જોઈએ એવી માગણી કરી રહ્યા છે. બરાબર એ જ સમયે અમેરિકામાં ઈવીએમનો વિવાદ ઊભો કરવામાં આવ્યો છે અને તેમાં ઈલોન મસ્ક કૂદી પડતાં આખો મામલો વધારે રસપ્રદ બની ગયો છે. ઈલોન મસ્કે અમેરિકાની ચૂંટણીના સંદર્ભમાં કરેલા નિવેદનના પડઘા ભારતમાં પડ્યા છે. ભારતના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ઈલોન મસ્કન પડકાર્યા છે જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મસ્કના નિવેદનના સંદર્ભમાં ભારતમાં ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ફરી પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે.

અમેરિકામાં આગામી નવેમ્બરમાં યોજાનાર પ્રમુખપદની ચૂંટણી પહેલાં યોજાઈ રહેલી પ્રાઈમરી ચૂંટણીમાં એક સ્ટેટમાં કોઈ ખામીને કારણે ઈવીએમ ઉપર પ્રશ્નો ઊભા થયા છે. એ ઘટનાને પગલે ટેસ્લા અને સ્પેસએક્સના વડા એલોન મસ્કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)નો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. તેમણે એવી આશંકા વ્યક્ત કરી કે આ મશીન સાથે છેડછાડ થઈ શકે છે. ઈવીએમની સુરક્ષાને લઈને વિશ્વભરમાં વધી રહેલી ચર્ચા વચ્ચે મસ્કે આ ટિપ્પણી કરી છે. પ્યુઅર્ટો રિકોની તાજેતરની પ્રાયમરી ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપના સંદર્ભમાં મસ્કે આ ટિપ્પણી કરી છે. મસ્કે તેમના પોતાના પ્લેટફોર્મ X ઉપર લખ્યું કે, “આપણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોને નાબૂદ કરવા જોઈએ. માનવ અથવા AI તેમને હેક કરી શકે છે. હાલ ઓછું જોખમ છે પણ આગળ ખતરો ઘણો વધારે છે.” જોકે, મસ્કના આવા નિવેદનનો ભારતના ભૂતપૂર્વ આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે તત્કાળ જવાબ આપ્યો. રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, ઈવીએમના સંદર્ભમાં મસ્કની વાત ખોટી છે. તેમનો મુદ્દો અમેરિકા અથવા અન્ય સ્થળો માટે કદાચ લાગુ પડી શકે, જ્યાં વોટિંગ મશીનો કમ્પ્યૂટર પ્લેટફોર્મ સાથે જોડાયેલાં હોય છે. પરંતુ ભારતના ઈવીએમ તદ્દન અલગ અને સુરક્ષિત છે.

વાસ્તવમાં ઈલોન મસ્કની ટિપ્પણી ભૂતપૂર્વ યુએસ પ્રમુખ જ્હોન એફ. કેનેડીના ભત્રીજા અને 2024ની યુએસ ચૂંટણી માટે સ્વતંત્ર ઉમેદવાર રોબર્ટ એફ. કેનેડી જુનિયરના પ્રતિભાવમાં હતી, જેમણે લખ્યું હતું કે, “એસોસિએટેડ પ્રેસના અહેવાલ અનુસાર પ્યુઅર્ટો રિકોની પ્રાયમરી ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક મતદાન મશીનો સાથે સંકળાયેલા સેંકડો મતમાં ગેરરીતિઓ જોવા મળી હતી અને જ્યાં પેપર ટ્રેલ નથી ત્યાં શું થાય છે?

દેખીતી રીતે કેનેડી જુનિયરે ચૂંટણી માત્ર ઈલેક્ટ્રોનિક મશીન આધારિત ન રાખતાં દરેક મતની ગણતરી કરવામાં આવે અને ચૂંટણી સુરક્ષિત હોય તેની ખાતરી કરવા માટે કાગળના મતપત્રો પરત કરવાની હિમાયત કરી હતી. અલબત્ત અમેરિકામાં EVM પર ચિંતા વધી રહી છે, ત્યારે ભારતમાં દૃશ્ય તેનાથી અલગ પરિસ્થિતિ છે. ભારત ત્રીજી પેઢીના ઈવીએમનો ઉપયોગ કરે છે, જેને એમ3 ઈવીએમ તરીકે ઓળખવામાં આવે છે, જેની સાથે છેડછાડ કરી શકાતી નથી. આ મશીનો ‘સિક્યોરિટી મોડ’માં જાય છે અને જો કોઈ ચેડાં જોવા મળે તો તેને નિષ્ક્રિય કરી દેવામાં આવે છે.

રાહુલ ગાંધીએ ફરી EVM ઉપર કર્યા પ્રહાર

ઈલોન મસ્કે ઈવીએમ અંગે નિવેદન કર્યું તે સાથે જ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર EVMને લઈને સવાલો ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને તેમણે EVMની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે. X પર વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ એલોન મસ્ક દ્વારા કરવામાં આવેલી પોસ્ટને ફરીથી પોસ્ટ કરતી વખતે, તેમણે એક અખબારને ટાંકીને EVM પર પ્રશ્નો ઉઠાવ્યા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું- ‘ભારતમાં EVM એક બ્લેક બોક્સ સમાન છે અને કોઈને તેની તપાસ કરવાની મંજૂરી નથી. આપણી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય છે, ત્યારે લોકશાહી ઢોંગ બની જાય છે અને છેતરપિંડી થવાની શક્યતા વધી જાય છે.’

રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી સાથે જોડાયેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. રાહુલે આ સાથે જોડાયેલા સમાચાર શેર કર્યા છે. આ કેસમાં ઈવીએમને લઈને સવાલો ઊભા થયા છે. મુંબઈ પોલીસે શિવસેના શિંદે જૂથના સાંસદ રવિન્દ્ર વાયકરના સાળા મંગેશ પાંડિલકર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મંગેશ પાંડિલકર પર મુંબઈના ગોરેગાંવ ચૂંટણી કેન્દ્રમાં પ્રતિબંધ હોવા છતાં મોબાઈલનો ઉપયોગ કરવાનો આરોપ છે. મુંબઈ પોલીસે પંડિલકરને મોબાઈલ ફોન આપવા બદલ ચૂંટણી પંચના કર્મચારી વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે. વાસ્તવમાં, મુંબઈની નોર્થ વેસ્ટ સીટ પરથી ચૂંટણી લડનારા ઘણા ઉમેદવારો તરફથી પણ આ મામલે ફરિયાદો મળી હતી. જે બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે પુનઃગણતરી બાદ શિવસેના શિંદેના ઉમેદવાર રવિન્દ્ર વાયકર માત્ર 48 વોટથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. આ અંગે ઘણો વિવાદ થયો હતો.

આ પણ વાંચોઃ ટાટા કંપનીમાં 80,000 નોકરી ખાલી પડી છે પણ માણસો મળતા નથીઃ કારણ જાણો છો?

Back to top button