વરાછા બેંકમાં 31 વર્ષના ‘સમરસ’ શાસનનો અંત: 6000 કરોડના વહીવટ માટે ઉદ્યોગપતિઓની લાગી લાઈનો

Surat Varachha Bank Election: સુરતની સહકારી બેંકિંગ દુનિયાની દિગ્ગજ ગણાતી વરાછા કો-ઓપરેટિવ બેંકના ઇતિહાસમાં આજે એક નવું પ્રકરણ લખાયું છે. સ્થાપના કાળથી અત્યાર સુધી જે બેંકમાં હંમેશા બિનહરીફ (સમરસ) વરણીની પરંપરા રહી હતી, ત્યાં 31 વર્ષમાં પ્રથમવાર લોકશાહી ઢબે મતદાનની નોબત આવી છે. 6000 કરોડનું વિશાળ ટર્નઓવર ધરાવતી આ બેંકની 12 બેઠકો માટે મેદાનમાં ઉતરેલા 17 ઉમેદવારોના ભાવિ આજે મતપેટીમાં કેદ થયા છે.
વરાછાના કાપોદ્રા સ્થિત ધારુકા કોલેજ કેમ્પસમાં સવારથી જ લોકસભા કે વિધાનસભાની ચૂંટણી જેવો હાઈ-વોલ્ટેજ માહોલ જોવા મળ્યો હતો. સુરતના જાણીતા સૌરાષ્ટ્રવાસી હીરા ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી પડ્યા હતા. જેમાં વલ્લભભાઈ સવાણી, મહેશ સવાણી, પૂર્વ મેયર દક્ષેશ મવાણી અને દિનેશ નાવડીયા જેવા દિગ્ગજોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અંદાજે 53 હજાર જેટલા સભાસદો આ પ્રતિષ્ઠિત બેંકના વહીવટી સત્તાનું ભવિષ્ય નક્કી કરવા જઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર સુરતની નજર આ ચૂંટણીના પરિણામો પર ટકેલી છે.
વરાછા બેંકની ચૂંટણી બની ઐતિહાસિક: સહકાર પેનલ અને અપક્ષો વચ્ચે જામશે જંગ
વરાછા બેંકની આગામી ચૂંટણી અનેક રીતે ઐતિહાસિક બનવા જઈ રહી છે. બેંકની કુલ 15 બેઠકો માટે યોજાનારી આ પ્રક્રિયામાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસ બાદ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. નિયમ મુજબ, 3 બેઠકો પર અગાઉથી જ સભ્યો બિનહરીફ જાહેર થયા હતા, જેના કારણે બાકી રહેલી 12 બેઠકો પર સર્વસંમતિ સાધવા માટે વહીવટી સ્તરે ભારે કવાયત હાથ ધરવામાં આવી હતી.
જોકે, છેલ્લી ઘડી સુધી ચાલેલી સમજાવટના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. 5 અપક્ષ ઉમેદવારો પોતાની જીદ પર અડગ રહી ચૂંટણી લડવા મક્કમ રહેતા આખરે સમાધાનના તમામ દ્વાર બંધ થયા છે. પરિણામે, હવે સત્તાધારી ‘સહકાર પેનલ’ સામે અપક્ષોએ રણશિંગુ ફૂંક્યું છે. વર્ષો બાદ વરાછા બેંકમાં આવી રસાકસીભરી સ્થિતિ સર્જાતા આ ચૂંટણીએ સમગ્ર સહકારી ક્ષેત્રમાં ભારે કુતૂહલ અને ચર્ચા જગાવી છે.
ચૂંટણીના મહત્વના આંકડા:
| વિગત | સંખ્યા |
| કુલ બેઠકો | 15 |
| બિનહરીફ બેઠકો | 03 |
| ચૂંટણી માટેની બેઠકો | 12 |
| મેદાનમાં કુલ ઉમેદવારો | 17 |
| કુલ મતદારો (સભાસદો) | 53,300 |
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો:ઈરાની સરજમીં પર પાયલટ માટે ‘દેવદૂત’ બન્યું આ નાનકડું ડિવાઈસ, જાણો તેની ખાસિયત












