લોંગ વીકએન્ડમાં કાર લઈને ફરવા જવાનો પ્લાન છે? નીકળતા પહેલાં આ 10 વસ્તુ ચેક કરો, નહીં તો રસ્તામાં મુશ્કેલી પડશે!

Long Weekend 2026: દશેરાના તહેવારોની ઉજવણી વચ્ચે અનેક લોકો પરિવાર સાથે ફરવા જવાનું અથવા વતન જવાનું આયોજન કરી રહ્યા છે. આ વર્ષે 20 ઓક્ટોબરે દશેરા છે અને 17 ઓક્ટોબરથી શરૂ થતા વીકએન્ડ સાથે રજાઓનું આયોજન કરીને લાંબા પ્રવાસની તક મળી શકે છે. કેટલાક લોકો પહાડો, ધાર્મિક સ્થળો કે પ્રવાસન સ્થળોએ જવાનું વિચારી રહ્યા છે, તો કેટલાક પોતાના વતન જવાની તૈયારીમાં છે. જોકે કાર લઈને લાંબી મુસાફરી પર નીકળતા પહેલાં તેની યોગ્ય તપાસ કરાવવી અત્યંત જરૂરી છે. કારણ કે હાઈવે પર અચાનક ટાયર પંક્ચર થાય, એન્જિન ગરમ થઈ જાય અથવા બ્રેકમાં ખામી સર્જાય તો પરિવાર સાથેનો પ્રવાસ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. તેથી પ્રવાસ શરૂ કરતા પહેલાં કારની આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
17થી 20 ઓક્ટોબર સુધી લાંબા વીકએન્ડનું આયોજન
આ વર્ષે 17 ઓક્ટોબરે શનિવાર અને 18 ઓક્ટોબરે રવિવાર છે. ત્યારબાદ 19 ઓક્ટોબરે નોમ અને 20 ઓક્ટોબરે દશેરા છે. જોકે 19 ઓક્ટોબરની રજા દરેક રાજ્ય અને દરેક સંસ્થામાં લાગુ પડતી નથી. તેથી પ્રવાસનું આયોજન કરતાં પહેલાં પોતાની ઓફિસ અથવા સંસ્થાની રજાઓનું કેલેન્ડર તપાસવું જરૂરી છે. આ સાથે અન્ય કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખો
ટાયરની હવા અને સ્થિતિ તપાસો
લાંબી મુસાફરીમાં કારનાં ટાયર સૌથી મહત્ત્વપૂર્ણ ભાગોમાંથી એક છે. પ્રવાસ પહેલાં ચારેય ટાયરમાં હવાનું દબાણ યોગ્ય છે કે નહીં તે તપાસવું જોઈએ. દરેક કાર માટે ટાયર પ્રેશરનું પ્રમાણ અલગ હોઈ શકે છે. તેથી કંપનીએ સૂચવેલા પ્રમાણ મુજબ જ હવા ભરાવવી. ટાયરમાં કાપા, તિરાડો કે બાજુમાં ઉપસેલો ભાગ દેખાય તો તેને અવગણવો નહીં. ટાયર વધારે ઘસાઈ ગયા હોય તો બદલાવવા જોઈએ.
એન્જિન ઓઇલ અને કુલન્ટ ચેક કરો
કારના એન્જિનને યોગ્ય રીતે કાર્યરત રાખવા માટે એન્જિન ઓઇલ મહત્ત્વપૂર્ણ છે. લાંબી મુસાફરી પહેલાં એન્જિન ઓઇલનું લેવલ અને તેની સ્થિતિ તપાસવી જોઈએ. ઓઇલ ઓછું હોય તો કાર ઉત્પાદક કંપનીએ સૂચવેલા યોગ્ય ગ્રેડનું ઓઇલ જ ઉમેરવું. તેની સાથે એન્જિન કુલન્ટ, બ્રેક ફ્લુઇડ અને વિન્ડશીલ્ડ વોશર ફ્લુઇડનું લેવલ પણ તપાસવું જરૂરી છે.
બ્રેકમાં ખામી હોય તો અવગણશો નહીં
પરિવાર સાથે મુસાફરી કરતી વખતે કારની બ્રેકિંગ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરતી હોવી અત્યંત જરૂરી છે. જો બ્રેક લગાવતી વખતે અસામાન્ય અવાજ આવે, બ્રેક પેડલ સામાન્ય કરતાં વધારે નીચે જતું હોય અથવા કારને રોકવામાં વધુ અંતર લાગતું હોય તો તરત મિકેનિક પાસે તપાસ કરાવવી જોઈએ. ખાસ કરીને હાઈવે, પહાડી રસ્તાઓ અને ટ્રાફિકવાળા વિસ્તારોમાં બ્રેક યોગ્ય રીતે કામ ન કરે તો અકસ્માતનું જોખમ વધી શકે છે.
બેટરી અને લાઇટ્સની તપાસ જરૂરી
લાંબી મુસાફરી પહેલાં કારની બેટરીની સ્થિતિ પણ તપાસવી જોઈએ. જો કાર સ્ટાર્ટ કરવામાં મુશ્કેલી પડતી હોય અથવા બેટરી જૂની થઈ ગઈ હોય તો તેની તપાસ કરાવવી યોગ્ય છે. આ ઉપરાંત કારની હેડલાઇટ, ટેલલાઇટ, બ્રેકલાઇટ, ઇન્ડિકેટર, રિવર્સ લાઇટ અને પાર્કિંગ લાઇટ પણ ચકાસવી જોઈએ. રાત્રિના સમયે મુસાફરી કરતી વખતે આ તમામ લાઇટ્સ યોગ્ય રીતે કાર્યરત હોવી જરૂરી છે. વિન્ડશીલ્ડ વાઇપરનું રબર ઘસાઈ ગયું હોય તો તેને પણ બદલાવવી જોઈએ.
એન્જિન વારંવાર ગરમ થાય છે?
લાંબા પ્રવાસ દરમિયાન કારનું એન્જિન સતત અનેક કલાકો સુધી કાર્યરત રહે છે. આવી સ્થિતિમાં કારની કુલિંગ સિસ્ટમ યોગ્ય હોવી જરૂરી છે. જો કારનું એન્જિન સામાન્ય કરતાં વધારે ગરમ થતું હોય, કુલન્ટ ઝડપથી ઘટતું હોય અથવા ડેશબોર્ડ પર ટેમ્પરેચર વોર્નિંગ દેખાતી હોય તો પ્રવાસ પહેલાં સમસ્યાનું નિરાકરણ કરાવવું જોઈએ.
કારની સર્વિસ બાકી હોય તો કરાવી લો
જો કારની સર્વિસનો સમય નજીક હોય અથવા અગાઉથી સર્વિસ બાકી હોય તો લાંબી મુસાફરી પહેલાં સર્વિસ કરાવવી યોગ્ય રહેશે. મિકેનિક પાસે એન્જિન, સસ્પેન્શન, બેલ્ટ, હોસ અને અન્ય મહત્ત્વપૂર્ણ ભાગોની તપાસ કરાવવી જોઈએ. કાર ચલાવતી વખતે અસામાન્ય અવાજ આવતો હોય, સ્ટિયરિંગમાં વાઇબ્રેશન અનુભવાતું હોય અથવા કાર એક તરફ ખેંચાતી હોય તો તેને અવગણવું નહીં.
ઇમરજન્સી કિટ સાથે રાખો
પ્રવાસ દરમિયાન કારમાં અચાનક કોઈ ખામી સર્જાય તો જરૂરી સાધનો ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. મુસાફરી પહેલાં આ સામાન કારમાં છે કે નહીં તેની ખાતરી કરો:
- વધારાનું ટાયર, જેક અને વ્હીલ સ્પેનર
- ટાયર પ્રેશર ગેજ અને પંક્ચર રિપેર કિટ
- ટોર્ચ અને જમ્પ-સ્ટાર્ટ કેબલ
- ફર્સ્ટ એઇડ કિટ અને પીવાનું પાણી
- મોબાઇલ ચાર્જર અને પાવર બેંક
- વાહનનાં જરૂરી દસ્તાવેજો
- રોડસાઇડ આસિસ્ટન્સ અને હેલ્પલાઇન નંબર
આ ઉપરાંત કારના ડ્રાઇવિંગ લાઇસન્સ, રજિસ્ટ્રેશન, વીમા અને PUC સંબંધિત વિગતો પણ ઉપલબ્ધ રાખવી જોઈએ.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પેટ્રોલ, CNG અને રૂટનું આયોજન કરો
દશેરાની રજાઓ દરમિયાન હાઈવે પર ટ્રાફિક વધવાની શક્યતા રહે છે. તેથી પ્રવાસ શરૂ કરતાં પહેલાં રસ્તાની સ્થિતિ, અંતર અને જરૂરી સ્ટોપ વિશે માહિતી મેળવી લેવી. કારમાં પૂરતું ઇંધણ રાખવું જરૂરી છે. ખાસ કરીને CNG કાર લઈને પ્રવાસ કરનારાઓએ રસ્તામાં CNG સ્ટેશન ક્યાં આવેલાં છે તેની માહિતી મેળવી લેવી જોઈએ. ઇલેક્ટ્રિક કારથી પ્રવાસ કરનારાઓએ ચાર્જિંગ સ્ટેશન, તેની ઉપલબ્ધતા અને વાહનની રેન્જનું આયોજન કરવું જોઈએ. એક્સપ્રેસવે પર મુસાફરી કરવાના હોય તો FASTag બેલેન્સ, ટોલ ચાર્જ અને એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પણ ચકાસવા જોઈએ.
કારમાં જરૂર કરતાં વધારે સામાન ન ભરો
તહેવારોમાં વતન જતી વખતે કપડાં, મીઠાઈ, ભેટસોગાદ અને પરિવારનો અન્ય સામાન સાથે લઈ જવામાં આવે છે. જોકે કારમાં ક્ષમતા કરતાં વધારે સામાન ભરવો જોખમી બની શકે છે. વધારે વજનને કારણે કારના માઇલેજ, ટાયર અને બ્રેકિંગ સિસ્ટમ પર અસર પડી શકે છે. કારમાં સામાન એવી રીતે રાખવો કે ડ્રાઇવરને પાછળનો રસ્તો જોવામાં મુશ્કેલી ન પડે. નાનાં બાળકો સાથે મુસાફરી કરતી વખતે તેમની ઉંમર અને વજનને અનુરૂપ ચાઇલ્ડ સીટનો ઉપયોગ કરવો અને તમામ મુસાફરોને સીટ બેલ્ટ પહેરાવવો જરૂરી છે.
હાઈવે પર ઓવરસ્પીડિંગથી બચો
કારની સંપૂર્ણ તપાસ કરાવી હોય તો પણ સુરક્ષિત મુસાફરીની સૌથી મોટી જવાબદારી ડ્રાઇવરની છે. હાઈવે પર રસ્તો ખાલી દેખાતો હોય તો પણ નિર્ધારિત ગતિમર્યાદાનું પાલન કરવું જોઈએ. ખોટી રીતે ઓવરટેક કરવું અને વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો જોખમી છે. લાંબા સમય સુધી સતત ડ્રાઇવિંગ કરવાથી થાક અને ઊંઘ આવી શકે છે. આવી સ્થિતિમાં સુરક્ષિત સ્થળે વાહન રોકીને આરામ કરવો જોઈએ.












