ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

Duleep Trophy 2025: રજત પાટીદારે દેખાડ્યો રંગ, સદી બાદ બીજી ઈનિંગમાં ફટકારી ફિફ્ટી

નવી દિલ્હી, તા. 30 ઓગસ્ટ, 2025:  ક્રિકેટની ઘરેલુ સિઝન 2025નો પ્રારંભ દુલીપ ટ્રોફીથી થયો હતો. જેમાં પહેલા રાઉન્ડમાં 4 ઝોનની ટીમો સામસામે છે. સેન્ટ્રલ ઝોન અને નોર્થ ઈસ્ટ ઝોન વચ્ચે રમાઈ રહેલા મુકાબલામાં બેટ્સમેનોની બોલબાલા જોવા મળી છે. IPLમાં RCBને કેપ્ટન તરીકે ચેમ્પિયન બનાવનાર રજત પાટીદારને સેન્ટ્રલ ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. પાટીદાર આ મેચમાં સારી કેપ્ટનશીપની સાથે-સાથે બેટથી પણ ધૂમ મચાવી રહ્યો છે. પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકાર્યા બાદ તેમણે બીજી ઇનિંગ્સમાં પણ વિસ્ફોટક ફિફ્ટી ફટકારી હતી.

બીજી ઇનિંગ્સમાં પણ રજત પાટીદારે કરી તોફાની બેટિંગ  

સેન્ટ્રલ ઝોનની ટીમે પ્રથમ ઇનિંગ્સમાં 4 વિકેટે 532 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં કેપ્ટન પાટીદારે માત્ર 96 બોલમાં 125 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી, જેમાં 21 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. જવાબમાં નોર્થ ઈસ્ટ ઝોનની ટીમ માત્ર 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન પાટીદારે ફોલોઓન આપવાને બદલે ફરીથી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બીજી ઇનિંગ્સમાં કેપ્ટન રજત પાટીદારે 72 બોલમાં 66 રનની ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન તેમણે 6 ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા હતા.

પાટીદાર શાનદાર ફોર્મમાં

વર્ષ 2025 રજત પાટીદાર માટે અત્યાર સુધી શાનદાર રહ્યું છે. પાટીદારે કેપ્ટન અને બેટ્સમેન તરીકે શાનદાર પ્રદર્શન કરીને પોતાની જાતને સાબિત કરી છે. પાટીદારનું આગામી લક્ષ્ય સ્થાનિક ક્રિકેટમાં રનનો ઢગલો કરીને ટીમ ઇન્ડિયામાં કમબેક કરવાનું છે. પાટીદારને ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ટેસ્ટ ડેબ્યુ કરવાની તક મળી હતી, પરંતુ તે બેટથી મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. જેના કારણે તેમને ટીમમાંથી બહાર થવું પડ્યું હતું.

આ પણ વાંચોઃ IPL 2026 પહેલા રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ઝટકો, દ્રવિડે હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું

Back to top button