ટ્રમ્પ ટેરિફની દહેશતને પગલે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજાર ઘટ્યા, સેન્સેક્સમાં 500થી વધુ પોઇન્ટનો ઘટાડો

મુંબઇ, 26 ઓગસ્ટ, 2025: ટ્રમ્પ ટેરિફની દહેશતને પગલે વૈશ્વિક બજારોમાં કાડાક પાછળ આજે ભારતીય ઇક્વિટી બજારમાં આજે પ્રારંભથી જ કડાકો નોંધાયો હતો. જેમાં નિફ્ટી નીચા મથાળે ખુલી હતી જ્યારે સેન્સેક્સ 200 પોઇન્ટ પ્લસ ખુલ્યો હતો. નિફ્ટી 50 ઇન્ડેક્સ પાછલા બંધ 24,968 સામે 68 પોઇન્ટ નરમ ખુલીને હાલમાં 159 પોઇન્ટ નરમ છે, જ્યારે સેન્સેક્સ પણ પાછલા બંધ 81307 સામે આશરે 200 પોઇન્ટના વધારા સાથે 81,502 પર ખુલ્યો હતો. જ્યારે હાલમાં 600 પોઇન્ટ નીચે ચાલી રહ્યો છે.
દરમિયાનમાં આજે સવારે 9.09 કલાકે ગિફ્ટ નિફ્ટી 86 પોઇન્ટ નીચે ક્વોટ થઇ હતી. નોંધનીય છે કે ગઇકાલે સેન્સેક્સ 329 પોઇન્ટ અને નિફ્ટી 98 પોઇન્ટ વધીને બંદ આવી હતી.
ટ્રમ્પના ટેરિફને કારણે એશિયન બજારોમાં ભારે ઘટાડો થયો છે. નિષ્ણાતો કહે છે કે મંગળવારે એશિયન બજારોમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ રોકાણકારોનો તણાવ છે. તેઓ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી નવી ધમકીઓથી ડરેલા દેખાતા હતા.
એશિયન માર્કેટ
એશિયન માર્કેટમાં ટ્ર્મ્પના ટેરિફની દહેશત દેખાતા જાપાનનો નિક્કેઇ 1.21 ટકા અને ટોપીક્સ 1.05 ટકા તૂટ્યો હતો. જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.46 ટકા ઘટ્યો હતો. જોકે કોસ્પી 0.55 ટકા ઘટ્યો હતો.
નોંધનીય છે કે ગઇકાલે અમદાવાદની એક રેલીમાં વડાપ્રધાન ટ્રમ્પ વિરુદ્ધ આડકતરો ઉલ્લેખ કરતા કહ્યુ કે અમે કોઇ પણ ભોગે ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગોના હિત સાથે સમાધાન કરીશું નહી. તેમણે નામ લીધા વિના એમ પણ કહ્યુ હતું કે કેટલાક દેશો અંગત હિત માટે કર લગાવી રહ્યા છે.
અમેરિકન બજારો
અમેરિકન બજારો પણ ગઇકાલે ઘટીને બંધ આવ્યા હતા. જેમાં નાસડેક 0.22 ટકા, એસએન્ડપી 500 0.43 ટકા અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 0.77 ટકા ઘટ્યો હતો.
નોંધનીય છે કે અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદીને નિકાસકારોને મોટો ફટકો આપ્યો છે, પરંતુ સારા સમાચાર એ છે કે ફાર્મા, ઓટો, ઓટો પાર્ટ્સ અને ધાતુ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને આ દંડમાંથી મુક્તિ આપવામાં આવી છે. આનો અર્થ એ છે કે આ ક્ષેત્રોની નિકાસ પર હાલ પૂરતો પ્રભાવ પડશે નહીં અને ભારતીય કંપનીઓ વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક રહેશે. જે ક્ષેત્રો મુક્તિની બહાર છે (કાપડ, ઝીંગા, રત્નો અને ઝવેરાત વગેરે) દબાણ હેઠળ રહેશે, જ્યારે ઉપર જણાવેલ ક્ષેત્રો સુરક્ષિત છે.
આ પણ વાંચોઃ ટેરિફ લાગુ થશે તો અસરગ્રસ્ત ક્ષેત્રોને મદદ કરશે RBI












