“તું કાળી છે, મને તુ પસંદ નથી…”, મહિલાએ પતિ પર લગાવ્યા ગંભીર આરોપ, સાસરિયાના ઘરની બહાર કર્યું પ્રદર્શન

આંધ્રપ્રદેશના વિનુકોંડા શહેરમાં દહેજ ઉત્પીડન અને રંગભેદનો એક ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીં નાડીગડ્ડા ગામની રહેવાસી ગોપી લક્ષ્મી રવિવારથી તેના સાસરિયાના ઘરની સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. પીડિતાનો આરોપ છે કે લગ્નના થોડા મહિના પછી જ તેના પતિ અને સાસરિયાઓ દ્વારા તેણી પર માનસિક અને શારીરિક શોષણ કરવામાં આવી રહ્યું છે. તેણી કહે છે કે તેના સાસરિયાઓ તેના રંગ વિશે ટિપ્પણીઓ કરે છે. તેનો પતિ કહે છે, “તું કાળી છે. તુ મને ગમતી નથી. તારા કારણે ઘરમાં અશુભ ઘટનાઓ બની રહી છે.”
ગોપી લક્ષ્મીના લગ્ન આ વર્ષે 4 જૂને થિમ્માયપાલેમ રોડ પર ચૌદમ્મા સ્ટ્રીટના રહેવાસી કોટેશ્વર રાવ સાથે થયા હતા. લક્ષ્મીએ જણાવ્યું કે લગ્નના લગભગ બે મહિના પછી, તેના પતિ કોટેશ્વર રાવ, માસી શેશમ્મા અને મામા વેંકટેશ્વરલુએ તેને હેરાન કરવાનું શરૂ કર્યું. તેણીએ આરોપ લગાવ્યો કે તેના સાસરિયાઓ વારંવાર તેના માતાપિતા પાસેથી પૈસા લાવવા માટે દબાણ કરતા હતા.
જમીન ગીરવે મૂકી દહેજ આપ્યું
પીડિતાના જણાવ્યા મુજબ, લગ્ન સમયે, તેના માતાપિતાએ તેમની બે એકર જમીન ગીરવે મૂકી હતી અને દહેજમાં 12 લાખ રૂપિયા રોકડા અને 25 તોલા સોનુ આપ્યું હતુ. લક્ષ્મીના માતાપિતાને આશા હતી કે તેમની પુત્રી એક સમૃદ્ધ પરિવારમાં સુખી જીવન જીવે, પરંતુ એવું બન્યું નહીં. લક્ષ્મીએ આરોપ લગાવ્યો કે તેના પતિએ રંગના કારણે તેનુ અપમાન કર્યું, અને કહ્યું કે, તે શ્યામ છે, તેથી તેને પસંદ નથી કરતો. આટલુ જ નહીં, તેના સાસરિયાઓ એવુ પણ કહે છે કે તે આવી ત્યારથી પરિવારમાં અશુભ ઘટનાઓ બની રહી છે.
જો આરોપીઓને જામીન મળશે તો…
લક્ષ્મીએ એવો પણ આરોપ લગાવ્યો કે તેના સાસરિયાઓ રાજકીય સમર્થનનો હવાલો આપીને તેને ધમકી આપતા હતા. તેઓ કહેતા હતા કે પોલીસમાં ફરિયાદ કરે તો પણ કંઈ નઈ થાય. પીડિતાએ કહ્યું કે જો આરોપીઓને જામીન મળે તો તેઓ તેને અને તેના પરિવારને નુકસાન પહોંચાડી શકે છે.
પતિ અને સાસરિયાઓ ફરાર
રવિવારે જ્યારે ગોપી લક્ષ્મીએ તેના સાસરિયાના ઘરની સામે વિરોધ શરૂ કર્યો, ત્યારે તેના પતિ અને અન્ય સાસરિયાઓ ઘર છોડીને ભાગી ગયા. લક્ષ્મીના સમર્થનમાં તેના પિયર પક્ષ અને સંબંધીઓએ પણ પ્રદર્શન કર્યું. આ ઘટના બાદ, પોલીસે દહેજ ઉત્પીડન અને ત્રાસનો કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી. પીડિતાએ દહેજના નામે મહિલાઓ સાથે છેતરપિંડી અને હેરાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની અને તેને ન્યાય આપવાની માંગ કરી.
આ પણ વાંચો: ‘જી રામ જી’ બિલ પર લોકસભામાં હોબાળો, પ્રિયંકા ગાંધીએ કહ્યું, ‘નામ બદલવાની ઘેલછા સમજાતી નથી’












