ટ્રેન્ડિંગનેશનલ

ફોટોશૂટ કરાવતા સ્ટંટ કરવો વરરાજાને મોંઘો પડ્યો, પોલીસે આ રીતે શીખવ્યો પાઠ

સહારનપુર (ઉત્તર પ્રદેશ), 14 માર્ચ: યુવક હોય કે યુવતી, તેમના માટે લગ્નનો દિવસ સૌથી ખાસ હોય છે. પોતાના આ દિવસને વધુ ખાસ બનાવવા માટે લોકો કંઈને કંઈ અજીબોગરીબ રીતો અજમાવતા હોય છે. ક્યારેક ઝવેરાત અને લાલ વસ્ત્રોમાં સજીધજીને દુલ્હન ‘સાહિબા’ બુલેટ ચલાવીને એન્ટ્રી કરે છે. તો ક્યારેક વર ‘રાજા’ મોંઘીદાટ કાર કે ઘોડા ગાડીમાં સવાર થઈને ભવ્ય એન્ટ્રી કરતો જોવા મળે છે. હાલમાં જ ઈન્ટરનેટ પર આવી જ કેટલીક તસવીરો સામે આવી રહી છે, જેમાં એક વરરાજા કારની ટોચ પર જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, આ દરમિયાન વરરાજા ફોટોશૂટ કરાવતી વખતે પોઝ પણ આપી રહ્યો છે. જો કે, એ વાતની તેને જરાય ખબર ન હતી કે, પોલીસ તેનો આ સ્ટંટ ફ્લૉપ કરી દેશે.

પોલીસને વરરાજાનું આ ફોટોશૂટ બિલકુલ પસંદ ન પડ્યું

વાયરલ થઈ રહેલી આ તસવીરો ઉત્તર પ્રદેશના સહારનપુરની હોવાનું કહેવાય છે. તસવીરોમાં વરરાજા લગ્નની શેરવાનીમાં માથા પર પાઘડી સાથે જોવા મળે છે. આ સમય દરમિયાન તે નેશનલ હાઈવે પર SUVની ટોચ પર ઊભા રહીને ખુશીથી લગ્નનું ફોટોશૂટ કરાવતો જોવા મળે છે. વાયરલ તસવીરમાં જોઈ શકાય છે કે કેવી રીતે ડ્રોન વડે વરરાજાની તસવીરો લેવામાં આવી રહી છે. જો કે, પોલીસને વરરાજાનું આ ફોટોશૂટ બિલકુલ પસંદ ન પડ્યું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી SUV કબજે કરી કેસ નોંધ્યો હતો.

મળતી માહિતી અનુસાર, વરરાજાનું નામ અંકિત હોવાનું કહેવાય છે, જે સહારનપુરના ભઇલા ગામનો વતની છે. કહેવાઇ રહ્યું છે કે, મેરઠના કુશાવલી ગામમાં મંગળવારે પોતાની દુલ્હનને લાવવા માટે અંકિત વાજતે-ગાજતે જાન લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન દિલ્હી-દેહરાદૂન નેશનલ હાઈવે પર ફોટોશૂટ કરતી વખતે અંકિત તેની કારની ઉપર ચડ્યો અને ડ્રોનની મદદથી વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતુ. જ્યારે આ તસવીર યુપી પોલીસના ધ્યાને આવી તો તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરી અને યુવકની SUV કાર જપ્ત કરી લીધી.

આ પણ વાંચો: વીડિયો: આજે યમરાજને પણ જોઈ લીધા! એક વ્યક્તિ પાડો લઈને નીકળ્યો ચા પીવા

Back to top button