શું ખરેખર અમિત શાહે ધરપકડ પહેલાં ગૃહમંત્રી પદ પરથી આપ્યુ હતુ રાજીનામું? જાણો શું છે હકીકત

નવી દિલ્હીઃ 21 ઓગસ્ટ, 2025: Amit Shah: સંસદમાં 130મું બંધારણ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત, જો કોઈ પણ વડાપ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રીની ધરપકડ થાય છે, તો તે 30 દિવસમાં પોતાનું પદ ગુમાવશે. આ બિલ એવા ફોજદારી કેસોમાં લાગુ પડશે જેમાં 5 વર્ષથી વધુની સજાની જોગવાઈ છે. ગૃહમંત્રી અમિત શાહે આ બિલ રજૂ કર્યું. આ બિલ અંગે સંસદમાં ઘણો હોબાળો થયો હતો અને કોંગ્રેસના સાંસદ કે. સી વેણુગોપાલે અમિત શાહને ઘણા વર્ષો પહેલા થયેલી તેમની ધરપકડની યાદ અપાવી હતી. ચાલો જાણીએ કે ગુજરાતમાં ત્યારે શું થયું હતું અને અમિત શાહે ક્યારે રાજીનામું આપ્યું હતું.
કે.સી વેણુગોપાલે કર્યા પ્રશ્ન
ગૃહમંત્રી અમિત શાહે પીએમ-સીએમને દૂર કરનારૂ બિલ રજૂ કરતી વખતે કહ્યું હતું કે, ધરપકડ બાદ નેતાઓએ નૈતિકતા બતાવવી જોઈએ અને પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. કોંગ્રેસના નેતા કે. સી વેણુગોપાલ આના પર ગુસ્સે થયા અને કહ્યું કે આ બિલ દેશની સંઘીય વ્યવસ્થાને નષ્ટ કરવા જઈ રહ્યું છે. શું હું ગૃહમંત્રીને એક પ્રશ્ન પૂછી શકું છું કે જ્યારે તેઓ ગુજરાતના ગૃહમંત્રી હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે તેમણે નૈતિકતાનું પાલન કર્યું હતું?
કોંગ્રેસ સાંસદના આરોપ પર જવાબ આપતા ગૃહમંત્રીએ કહ્યું કે, જ્યારે હું ગુજરાતનો ગૃહમંત્રી હતો ત્યારે મારા પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા અને મેં નૈતિકતા દર્શાવતા રાજીનામું આપ્યું હતું. જામીન પર બહાર આવ્યા પછી પણ, જ્યાં સુધી હું કોર્ટ દ્વારા સંપૂર્ણપણે નિર્દોષ સાબિત ન થયો ત્યાં સુધી મેં કોઈ બંધારણીય પદ સંભાળ્યું નહતું.
કયા કેસમાં થઈ હતી અમિત શાહની ધરપકડ?
26 નવેમ્બર 2005ની રાત્રે, ગુજરાતના અમદાવાદમાં ગેંગસ્ટર સોહરાબુદ્દીન સાથે એન્કાઉન્ટર થયું. રાજસ્થાન અને ગુજરાત પોલીસ વચ્ચેના આ એન્કાઉન્ટર અંગે ઘણા પ્રશ્નો ઊભા થયા. પહેલા સોહરાબુદ્દીનને આતંકવાદી કહેવામાં આવતો હતો, પરંતુ પછીથી તે ગેંગસ્ટર હોવાનું બહાર આવ્યું. આ એન્કાઉન્ટર પછી, સોહરાબુદ્દીનની પત્નીની પણ હત્યા કરવામાં આવી હતી.
આ કેસમાં અમિત શાહને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈની ચાર્જશીટમાં ગુજરાતના તત્કાલિન ગૃહમંત્રી શાહ અને રાજસ્થાનના મંત્રી ગુલાબ ચંદ કટારિયાના નામ હતા.
- અમિત શાહે આ કેસમાં ધરપકડ પહેલાં, ભાજપ કાર્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા અને આરોપોને ખોટા ગણાવ્યા હતા.
- ધરપકડ પહેલાં, અમિત શાહે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. જેને સ્વીકારવામાં આવ્યું હતું. આ કેસમાં તેમનું નામ આવ્યા પછીથી વિપક્ષ તેમના રાજીનામાની માંગ કરી રહ્યું હતું.
- અમિત શાહની 25 જુલાઈ 2010ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
- લગભગ ત્રણ મહિના પછી, 21 ઓક્ટોબર 2010ના રોજ, અમિત શાહને જામીન મળ્યા. જોકે, ત્યારબાદ તેમને ઘણા મહિનાઓ સુધી ગુજરાતની બહાર રહેવું પડ્યું.
- 2014 સુધીમાં, અમિત શાહ, ગુલાબ ચંદ કટારિયા સહિત 16 આરોપીઓને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા અને તેમને ક્લીનચીટ મળી હતી.
આ પણ વાંચોઃ વિદેશમંત્રી એસ.જયશંકરે પુતિન સાથે કરી મુલાકાત, કહ્યું- બીજા વિશ્વયુદ્ધ પછી ભારત-રશિયા સંબંધો સૌથી સ્થિર
આ પણ વાંચોઃ રાજસ્થાનની આ ઘટના રૂંવાડા ઊભા કરી દેશે! ગુરૂકુળમાં પથારીમાં પેશાબ કરનાર બાળકોને ગરમ લોખંડથી આપ્યા ડામ












