ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ધોરાજીમાં પતિના મોત બાદ પુત્રવધુનું મુંડન, અંધશ્રદ્ધા અને મિલકતના વિવાદમાં સાસુની મુખ્ય ભૂમિકા- વિજ્ઞાન જાથા

આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા અને કુરિવાજના નામે મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ધોરાજીના જમનાવડ રોડ પર કનૈયા પ્રોવિઝન સ્ટોર સામે રહેતા ભાદાભાઈ જાગાભાઈ જાગાણીના પુત્ર ચંદ્રેશ જાગાણીનું આંતરડાના કેન્સરની બીમારીને કારણે અવસાન થયા બાદ ત્રીજા દિવસે તેમની પત્ની સોનલબેનનું “પતિના આત્માને શાંતિ મળે” તેવી અંધશ્રદ્ધાના નામે મુંડન કરાવવામાં આવ્યું હતુ. આ સમગ્ર ઘટનામાં સાસુ જયાબેનની મુખ્ય ભૂમિકા હોવાનું અને તેની પાછળ મિલકત તથા હક્ક-હિસ્સાના વિવાદનું કારણ હોવાનું ભારત જન વિજ્ઞાન જાથાની તપાસમાં બહાર આવ્યું છે.

રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ધોરાજી, નવાગઢ અને જેતપુરમાં રૂબરૂ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મુંડન કરાવવાની ઘટના અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા હોવાનું તારણ સામે આવ્યું છે.

પતિના અવસાન બાદ ત્રીજા દિવસે કરાવાયું મુંડન

ચંદ્રેશ જાગાણીનું આંતરડાના કેન્સરના કારણે અવસાન થયું હતું. તેમના મૃત્યુના ત્રીજા દિવસે યોજાયેલી સુવાળું વિધિ દરમિયાન તેમની પત્ની સોનલબેનનું માથું મુંડાવવામાં આવ્યું હતું. આ અંગે નોંધાયેલી ફરિયાદમાં સાસુ જયાબેન, સસરા ભાદાભાઈ જાગાણી અને નણંદ નિમિષાબેન રાજેશભાઈ પાદરિયાનાં નામો સામે આવ્યા છે.

આરોપ છે કે પતિના મોતના આઘાતમાં રહેલી સોનલબેનની માનસિક સ્થિતિનો લાભ લઈને સાસુએ આ કૃત્ય કરાવ્યું, જ્યારે પરિવારના અન્ય સભ્યો સમગ્ર ઘટનામાં મૌન બની રહ્યા.

ત્રાસથી પિયર જવાની ફરજ પડી

સાસરીયાના સતત ત્રાસથી કંટાળેલી સોનલબેનને પોતાના બે સંતાનો સાથે રાજકોટ ખાતે માયાણીનગર, શેરી નંબર-4માં રહેતા પિતા જગદીશભાઈ માંડવીયા પાસે આશરો લેવો પડ્યો છે.

મિલકતનો વિવાદ

વિજ્ઞાન જાથાની તપાસમાં જાણવા મળ્યું કે સમગ્ર ઘટનાનું મૂળ કારણ મિલકત અને હક્ક-હિસ્સાનો વિવાદ છે. સોનલબેન હાલ પોતાના પુત્ર અને પુત્રીના અભ્યાસ તેમજ આજીવિકાની ચિંતામાં છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સાસુ જયાબેને પુત્ર માનને ધોરાજીમાં પોતાના હવાલે સોંપવાની શરત મૂકી હતી અને મિલકતમાં હક્ક આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. ઉપરાંત બાળકોના અભ્યાસના ખર્ચમાં પણ મદદ કરવાની ના પાડી હતી. જાથાના જણાવ્યા મુજબ પરિવાર અને સમાજ જયાબેનની દાદાગીરી સામે લાચાર જોવા મળ્યો.

જાથાએ સમજાવવાનો કર્યો પ્રયાસ

ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ સોનલબેન અને તેમના પિતા જગદીશભાઈને મળી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. સોનલબેને સાસરીયામાં થયેલા ત્રાસ અંગે વિગતવાર રજૂઆત કરી હતી.

જાથાએ જયાબેનને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે પુત્રવધુ અને તેના બે સંતાનોને મિલકતમાં હક્ક તેમજ બાળકોના અભ્યાસ માટે આર્થિક સહાય આપવી જોઈએ. જોકે, તેઓ આ બાબતે સહમત થયા નહોતા. જ્યારે સસરા ભાદાભાઈ સમગ્ર ઘટનામાં પોતે નિર્દોષ હોવાનું કહેતા રહ્યા.

જાથા સામે ભૂલ સ્વીકારી, જાહેરમાં માફી માંગી

વિજ્ઞાન જાથા સમક્ષ ભાદાભાઈ જાગાણી, જયાબેન જાગાણી અને નિમિષાબેન રાજેશભાઈ પાદરિયાએ મુંડન પ્રકરણમાં પોતાની ભૂલ સ્વીકારી હતી અને જાહેરમાં માફી માંગી હતી. તેમણે ભવિષ્યમાં આવી ઘટના ફરી નહીં બને તેવી ખાતરી પણ આપી હતી.

જયાબેને સ્વીકાર્યું હતું કે પુત્રની સારવાર દરમિયાન તેમણે 51 બ્રાહ્મણોને જમાડ્યા હતા, ધાર્મિક પાઠ કરાવ્યા હતા તેમજ ભુવા-ભારાડીના ચક્કરમાં પણ રહ્યા હતા. જેના કારણે સારવારમાં વિલંબ થયો હતો.

મહિલાનું મુંડન કરાવવું ઘોર અત્યાચાર: વિજ્ઞાન જાથા

ભારત જન વિજ્ઞાન જાથાએ આ ઘટનાની કડક નિંદા કરતાં જણાવ્યું હતું કે કોઈપણ મહિલાનું અંધશ્રદ્ધાના આધારે મુંડન કરાવવું ઘોર અત્યાચાર અને અમાનવીય કૃત્ય છે. આવી પ્રથાઓ મહિલાને માનસિક રીતે તોડી નાખે છે અને આત્મઘાતી વિચારસરણી તરફ ધકેલી શકે છે.

જાથાએ વધુમાં જણાવ્યું હતું કે પટેલ સમાજ જેવો મોટો સમાજ હોવા છતાં આવી ઘટના અટકાવી શકાયી નહોતી અને સમગ્ર મામલે કોઈ મહિલા સંગઠન પણ આગળ આવ્યું ન હોવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

પોલીસ ફરિયાદ નોંધાઈ

નોંધનીય છે કે સોનલબેને 9 જૂન, 2026ના રોજ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 85, 115, 123, 54A તેમજ દહેજ પ્રતિબંધ કાયદાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સમગ્ર તપાસમાં ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયા ઉપરાંત એડવોકેટ હર્ષાબેન પંડયા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, ભાનુબેન શેઠીયા, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, રવિ પરબતાણી અને અંકલેશ ગોહિલે સહયોગ આપ્યો હતો.

આ પણ વાંચો: સુરત રેલવે સ્ટેશન પર DRIની મોટી રેડ: તેજસ રાજધાની એક્સપ્રેસમાંથી 10 કરોડનું કોકેઇન જપ્ત, 1 આરોપીની ધરપકડ

Back to top button