‘હિન્દુત્વ અમારો આત્મ, વોટ માટે ક્યારેય દેખાડો નથી કર્યો…’ ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી ફડણવીસના પ્રહાર

મહારાષ્ટ્રઃ 14 જાન્યુઆરી, 2026: મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનના આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હિન્દુત્વ અને મરાઠી અસ્મિતાને લઈને વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા છે.
હિન્દુત્વ એ અમારો આત્મા છે, વોટ બેંકનું સાધન નહીં: ફડણવીસ
સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી ફડણવીસે સ્પષ્ટ કર્યું હતું કે, તેમની પાર્ટીએ ક્યારેય વોટ મેળવવા માટે હિન્દુત્વનું પ્રદર્શન કર્યું નથી. તેમણે કહ્યું, “હિન્દુત્વ એ અમારી આત્મા છે. અમે તેની પૂજા કરીએ છીએ, તેનો દેખાવો નથી કરતા. શું મરાઠી વ્યક્તિ હિન્દુત્વમાં વિશ્વાસ નથી રાખતો? અમે દરેક જ્ઞાતિના હિન્દુત્વ અને તેમના રીત-રિવાજોનું સન્માન કરીએ છીએ.”
ઓવૈસી અને હિજાબ વિવાદ પર વળતો પ્રહાર
અસદુદ્દીન ઓવૈસીના નિવેદન પર નિશાન સાધતા ફડણવીસે કહ્યું કે, જ્યારે કોઈ ‘મરાઠી મુસ્લિમો’ સાથે ગઠબંધન કરીને હિજાબ પહેરેલી મહિલાને મેયર બનાવવાનો દાવો કરે છે, ત્યારે તેઓ મરાઠી લોકોની અસ્મિતાને ભ્રમિત કરવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં અમારે જનતા સામે હિન્દુત્વની વાસ્તવિકતા રાખવી પડે છે.
ઉદ્ધવ ઠાકરે પર ગંભીર આરોપ
મુખ્યમંત્રી ફડણવીસે શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ ચૂંટણી જીતવા માટે હિન્દુત્વથી દૂર જઈ રહ્યા છે. ફડણવીસે વધુમાં ઉમેર્યું કે, “બાલાસાહેબ ઠાકરેનું લાઉડસ્પીકર હટાવવાનું સપનું અમારી સરકારે કાયદા મુજબ પૂરું કર્યું છે. સત્તા માટે ચોક્કસ સમુદાયને રીઝવવા હિન્દુત્વનો ત્યાગ કરનારાઓને શરમ આવવી જોઈએ.”
મહારાષ્ટ્ર પાલિકા ચૂંટણી 2026: મહત્વની વિગતો
મહારાષ્ટ્રમાં BMC સહિત 29 નગર નિગમો માટે આવતીકાલે એટલે કે 15 જાન્યુઆરી, 2026 ના રોજ મતદાન થશે.
- મતદાનનો સમય: સવારે 7:30 થી સાંજે 5:30 સુધી.
- જાહેર રજા: મતદારોની સુવિધા માટે જાહેર રજા જાહેર કરવામાં આવી છે.
- પરિણામ: ચૂંટણીના પરિણામો 16 જાન્યુઆરી, 2026 ના રોજ જાહેર કરવામાં આવશે.
- ચૂંટણી પ્રક્રિયા: 23 ડિસેમ્બર 2025 થી નામાંકન પ્રક્રિયા શરૂ થઈ હતી અને 3 જાન્યુઆરીએ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવી હતી.












