વિકસિત ભારત @ 2047: નાગરિક જ પ્રથમ પ્રાધાન્ય, જાણો ગુજરાતમાં કયા 10 પહેલુથી થશે વહીવટી સુધારણા

- GARCના ત્રીજા અહેવાલની ભલામણો https://garcguj.in/resources ઉપર અપલોડ કરાઇ
- કર્મચારીઓ, પેન્શનર્સ, બસ સુવિધા, દસ્તાવેજોની કામગીરી સહિતના મુદ્દે કરાયા સૂચનો
એચડી ન્યૂઝ ડેસ્ક, જુન 2025: Gujarat Governance, Good Governance વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારત @ 2047ના સંકલ્પમાં વિકસિત ગુજરાત @ 2047ને અગ્રેસર રાખવાના ધ્યેયથી રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરેલી છે અને હવે ગુજરાતમાં રહેતો કોઇપણ નાગરિક જ પ્રથમ પ્રાધાન્ય રહેશે અને તે મુજબ વહીવટી સુધારણાત્મક ફેરફારોને અવકાશ રહેશે. ગુજરાત વહીવટી સુધારણા પંચ-GARCનો ત્રીજો અહેવાલ આ માટે નિમાયેલી સમિતિએ 10 મુદ્દાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સોંપાયો છે. જાણો કયા છે એ મુદ્દાઓ કે જેનાથી વિદ્યાર્થી, કર્મચારી, પેન્શનર, માળખાકિય સુવિધાઓ સહિતના મુદ્દાઓ સમાવાયા છે.
અત્યાર સુધી બે અહેવાલ સુપરત કરાયા છે
GARCની રચના માટે આ વર્ષ 2025-26ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાતના ગણતરીના દિવસોમાં જ સીએમએ રાજ્યના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિઓમાં જરૂરી ફેરફારો કરવા માટે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરી છે. આ પંચે GARCના બે ભલામણ અહેવાલો રાજ્ય સરકારને સુપ્રત કર્યા છે.
નાનામા નાનો માનવી કેન્દ્ર સ્થાને
GARC દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કરાયેલા પંચના ત્રીજા અહેવાલમાં નાનામા નાના માનવીને કેન્દ્ર સ્થાને રાખીને તેને સરકારી સેવાઓનો લાભ સરળતાએ મળી રહે તે માટે સિટિઝન ફર્સ્ટનો જે અભિગમ અપનાવ્યો છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને વ્યવસ્થાત્મક સુધારાઓના માધ્યમથી નાગરિકો માટે વધુ પારદર્શક, ઝડપી અને સિટીઝન સેંટ્રિક શાસન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામા આવ્યો છે.
જનતા માત્ર સહભાગી નહીં, સહયાત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અહેવાલ સુપ્રત કરતાં GARCના અધ્યક્ષ ડો.હસમુખ અઢિયાએ જણાવ્યું કે, “સશક્ત નાગરિકો માટે ટેકનોલોજીયુક્ત શાસન”, તેમજ “ગુજરાતના વિકાસમાં જનતા માત્ર સહભાગી નહીં, સહયાત્રી બનશે” ના ધ્યેય પરની ભલામણો સાથે આ ત્રીજો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.
ત્રીજા અહેવાલમાં રાજ્ય સરકારને GARC દ્વારા કરાયેલી આ ભલામણો:
- Class 1 અને 2ના અધિકારીઓનું મૂલ્યાંકન: સરકાર ડિજિટલ સર્વેક્ષણ હાથ ધરીને ગુજરાત સરકારના વર્ગ 1 અને 2ના અધિકારીઓમાં કાર્ય વિતરણ, કાર્યભારની ધારણા અને સંતોષનું વ્યાપક મૂલ્યાંકન હાથ ધરશે.
- “એક વિદ્યાર્થી – એક આઈડી – એક પોર્ટલ” માળખાના આધારે, સરકાર વિવિધ વિભાગો દ્વારા ઓફર કરવામાં આવતી તમામ શિષ્યવૃત્તિ યોજનાઓના સંકલન માટે એકીકૃત, પારદર્શક અને ટેકનોલોજી-આધારિત શિષ્યવૃત્તિ પ્લેટફોર્મ (ગુજરાત યુનિફાઇડ સ્કોલરશિપ પોર્ટલ) વિકસાવશે. આ પોર્ટલથી શિષ્યવૃત્તિ સંદર્ભેનુ કામ ઝડપથી થશે, કામની પુનરાવૃત્તિ ટળશે અને કર્મચારીઓ પરનુ ભારણ પણ ઘટશે.
- સરકાર નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શન વિતરણ માટે એક સંપૂર્ણ ઓટોમેટેડ સિસ્ટમ વિકસાવશે : જેમાં પેન્શન પેમેન્ટ ઓર્ડર જનરેટ થવો, સેવા રેકોર્ડ્સની ડિજિટલ ચકાસણી થવી અને નિવૃત્ત થનારા કર્મચારીઓની નિવૃત્તિના બીજા જ દિવસે બેંક ખાતામાં પેન્શનની રકમ સીધી જમા કરાવવા જેવી બાબતોનો સમાવેશ થશે.
- દરેક વિભાગમાં તમામ મુખ્ય વિષયોના સરકારી ઠરાવો (GRs)ના સંકલન માટે ટાસ્કફોર્સ: વિશિષ્ટ ટાસ્ક ફોર્સની રચના કરશે અને સાથે સાથે ઠરાવો પોર્ટલના માધ્યમથી વિષયવાર સરળ ફોર્મેટમા ઉપલબ્ધ થશે. જેથી વિવિધ ઠરાવોને સમજવામાં ઉપસ્થિત થતી વિસંગતતાઓ દૂર થશે.
- સરકારી સંપત્તિઓ અને સેવાઓની આધુનિક સીસ્ટમ: સરકાર, નિષ્ણાંત વ્યવસાયિક એજન્સીઓના સહયોગથી, ગુજરાતના તાલુકાઓ અને ગામડાઓમાં સ્થિત તમામ સરકારી સંપત્તિઓ અને સેવાઓની એક મજબૂત અને વ્યાપક, GIS-આધારિત એક સિસ્ટમ વિકસાવશે જેમાં કોઇ પણ પ્રોજેક્ટના ઇન્સેપેક્શનથી લઇને યુટીસી સુધીની તમામ બાબતોનો સમાવેશ થઇ જશે. આ સિસ્ટમના કારણે બજેટની ફાળવણી વધુ યોગ્ય અને કાર્યક્ષમ રીતે શક્ય બનશે તેમજ કામની પુનરાવૃત્તિની શક્યતાઓ પણ ઘટશે.
- નાગરિકોને SMS/WhatsApp દ્વારા ઓટોમેટેડ અપડેટ મળશે : સરકાર નિષ્ણાંત વ્યવસાયિક એજન્સીઓના સહયોગથી, વધારે ફૂટપ્રિંટ ધરાવતી નાગરિક સેવાઓનું ગવર્નન્મેટ પ્રોસેસ રિ-એન્જીનીયરિંગ કરીને ‘અરજી પરની કામગીરી શરૂ થઈ’, ‘અરજી સબમિટ થઈ’, ‘દસ્તાવેજો ચકાસાઇ ગયા’, ‘અરજી પ્રક્રિયા હેઠળ’, ‘મંજૂરી હેઠળ છે’, ‘અરજી સફળતાપૂર્વક પૂર્ણ થઈ, વગેરે જેવા તબક્કાઓએ નાગરિકોને SMS/WhatsApp દ્વારા ઓટોમેટેડ અપડેટ મળી રહે તે મુજબની વ્યવસ્થાઓ વિકસાવશે અને સરકારી દસ્તાવેજો નાગરિકોને સુરક્ષિત રીતે પ્રાપ્ત થઇ શકે તે માટે વિશ્વસનીય કુરિયર સેવાઓ સાથે ભાગીદારી કરશે.
- સરકારી બસોનું સંચાલન સુવ્યવસ્થિત કરાશે : જાહેર પરિવહનમાં યુઝર એક્સપિરિયન્સને વધુ સારો બનાવવા માટે તમામ સરકારી બસોમાં ટિકિટની ખરીદી એડવાન્સ કે જરૂરિયાત અનુસાર QR કોડ અને UPI ના માધ્યમથી થઇ શકે અને બસના સમયપત્રક તેમજ જગ્યાની ઉપલબ્ધતા અને બસનુ લોકેશન રિયલ ટાઇમ બેઝિસ પર ઉપલબ્ધ થાય તે મુજબની વ્યવસ્થા વિકસાવશે.
- ડિજી-લોકર સાથે દરેક સરકારી સેવા લિન્ક કરવાનું સૂચન: નાગરિકોને તેમના સત્તાવાર દસ્તાવેજો સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે માટે સરકાર નિષ્ણાંત વ્યવસાયિક એજન્સીઓની મદદથી ડિજી-લોકર સાથે દરેક સરકારી સેવા વિતરણ પ્રણાલી (તમામ અરજીઓ, ફોર્મ્સ અને સેવાઓ)ને લિન્ક કરશે. આનાથી, સરકાર દ્વારા ઇસ્યૂ થતા મહત્વના અધિકૃત દસ્તાવેજો/પ્રમાણપત્રો સીધા નાગરિકના ડિજી-લોકરમા ઉપલબ્ધ થશે.
- સેવાપોથીનુ ડિજિટાઇઝેશન : સરકાર માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રણાલી (HRMS)માં તમામ કર્મચારીની સેવાપોથી ડિજીટલ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવશે અને કર્મચારીનુ શિક્ષણ, કઇ ટ્રેનિંગ લીધી છે, ક્યા ક્યા પોસ્ટિંગ થયુ છે, વગેરે જેવી જૂની વિગતો માટે હાલની સેવાપોથીનુ ડિજિટાઇઝેશન પણ હાથ ધરશે.
- ઓટોમેટિક કામચલાઉ સિનિયોરિટી લિસ્ટ: રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે એક ડાયનેમિક, વ્યાપક ઇ-સિવિલ લિસ્ટ અને ઓટોમેટિક કામચલાઉ સિનિયોરિટી લિસ્ટ (પ્રવરતા યાદી) પ્રસિદ્ધ થાય એવી સિસ્ટમ વિકસાવશે.
આ પણ વાંચો : સુરત પાલિકા ગ્રીન ઈ-વ્હીકલ પોલીસી જાહેર કરશે
આ પણ વાંચો : વાર્ષિક પગાર ₹75 કરોડ, મુકેશ અંબાણીના નજીકના વરિષ્ઠ અધિકારી બની ગયા જૈન સાધુ












