અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદમાં શાળાઓ શરૂ કરવા DEOની માર્ગદર્શિકા, સ્થાનિક સ્થિતિ મુજબ લેવાશે નિર્ણય

DEO guidelines: શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદ બાદ હવે વરસાદમાં વિરામ જોવા મળી રહ્યો છે. તેમ છતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પૂર્વવત્ થયું નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર (પૂર્વ અને પશ્ચિમ) જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીએ તમામ શાળાઓ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે.

સલામતીને પ્રથમ પ્રાથમિકતા

જિલ્લા શિક્ષણાધિકારીએ સરકારી, અનુદાનિત તેમજ સ્વનિર્ભર શાળાઓના સંચાલકો અને આચાર્યોને વિદ્યાર્થીઓની સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપવા સૂચના આપી છે. સ્થાનિક સ્તરે રસ્તાઓની સ્થિતિ, પાણી ભરાવાની સમસ્યા અને વાહનવ્યવહારની ઉપલબ્ધિનું મૂલ્યાંકન કરીને જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય લેવા જણાવાયું છે.

સૂચનાઓ અનુસાર, શાળા પરિસરમાં પાણી ભરાયેલું ન હોવું જોઈએ તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે શાળા સુધી પહોંચવાનો માર્ગ સુરક્ષિત હોવો જરૂરી છે. જો કોઈ વિસ્તારમાં જોખમજનક સ્થિતિ સર્જાયેલી હોય અથવા વિદ્યાર્થીઓના આવાગમનમાં મુશ્કેલી હોય, તો શાળા સંચાલન પોતાના સ્તરે યોગ્ય નિર્ણય લઈ શકે છે.

DEO કચેરીએ વધુમાં જણાવ્યું છે કે, જો કોઈ શાળામાં શૈક્ષણિક કાર્ય મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવે તો તેની જાણ વાલીઓને સમયસર કરવી ફરજિયાત રહેશે, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

જિલ્લા શિક્ષણ વિભાગે તમામ શાળાઓને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહેવા અને હવામાનની સ્થિતિ પર નજર રાખીને જરૂરી પગલાં લેવા પણ સૂચના આપી છે. આગામી દિવસોમાં વરસાદની શક્યતા રહેતા શાળાઓને સાવચેતીપૂર્વક નિર્ણય લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો : 18 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 1 ઓગસ્ટે અતિભારે વરસાદનું એલર્ટ


Back to top button