Delhi Bomb Threat: લાલ કિલ્લા-દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની જૂથના નામે મળ્યો ધમકીભર્યો ઈમેલ

સોમવારે દિલ્હી પોલીસને દિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક ઈમેલ મળ્યો હતો. ખાલિસ્તાની જૂથના નામે મળેલી આ ધમકીએ સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર મૂકી દીધી છે. ધમકી મળતાં જ દિલ્હી વિધાનસભા સંકુલમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારની સઘન તપાસ કરી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
દિલ્હી પોલીસે જણાવ્યું કે સર્ચ ઓપરેશનમાં કંઈ ખતરનાક કે હાનિકારક વસ્તુ મળી નથી, પરંતુ તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ધમકીભર્યા ઈમેલની તપાસ કરવામાં આવી રહી છે અને તે ક્યાં અને કોણે મોકલ્યો તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બાબતને ગંભીરતાથી લેતા, સાયબર સેલ પણ તપાસ કરી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય દિલીપ પાંડેને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમના અંગત ઇમેઇલ એડ્રેસ પર જાનથી મારી નાંખવાની ધમકી આપતો મેસેજ આવ્યો હતો. દિલીપ પાંડેએ દિલ્હી પોલીસને જાણ કરી છે. તેમણે X પર પોસ્ટ કર્યું, “આજે મને મારા અંગત ઇમેઇલ પર બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે, અને કારણ કે આ મામલો જાહેર સલામતી સાથે સંબંધિત છે, મેં તાત્કાલિક આ ઇમેઇલ દિલ્હી પોલીસના મુખ્ય પોલીસ અધિકારીને સમીક્ષા અને જરૂરી કાર્યવાહી માટે મોકલી દીધો છે.”
Today, I received a bomb threat on my personal email ID, and since the matter was related to public safety, I have immediately forwarded the email to @CPDelhi @DelhiPolice for their review and necessary action.@AamAadmiParty
— Dilip K. Pandey – दिलीप पाण्डेय (@dilipkpandey) February 23, 2026
બે સ્કુલોને પણ ધમકીઓ મળી
દિલ્હીની બે સ્કુલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. સોમવારે સવારે દિલ્હી કેન્ટોનમેન્ટમાં આવેલી આર્મી પબ્લિક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો હતો, જેના કારણે સાવચેતીપૂર્વક સ્કુલ ખાલી કરાવવામાં આવી હતી અને પરિસરની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓએ બાદમાં જણાવ્યું હતું કે કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.
દિલ્હી ફાયર સર્વિસ (DFS) ના અધિકારીના જણાવ્યા અનુસાર, સવારે 8:50 વાગ્યે ધમકીની સુચના મળી, જેના કારણે ફાયર વિભાગ, બોમ્બ ડિટેક્શન ટીમ (BDT), બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.
લોધી કોલોનીમાં આવેલી એરફોર્સ બાલ ભારતી સ્કૂલને પણ આવી જ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર, સવારે 9:36 વાગ્યે આ માહિતી મળી હતી. તપાસ બાદ, બંને કેસોને ખોટા જાહેર કરવામાં આવ્યા હતા. છેલ્લા મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે દિલ્હીમાં શાળાઓ, અન્ય સરકારી સંસ્થાઓ અને ઐતિહાસિક સ્મારકોને આવી ધમકીઓ મળી છે.
છેલ્લા દોઢ વર્ષમાં 50 થી વધુ ધમકીઓ
13 ફેબ્રુઆરીના રોજ, દિલ્હીની લગભગ એક ડઝન સ્કુલોને બોમ્બ વિસ્ફોટની ધમકી આપતા ઇમેઇલ મળ્યા. તેમાં સરદાર પટેલ વિદ્યાલય (લોધી એસ્ટેટ), કેન્દ્રીય વિદ્યાલય (ગોલ માર્કેટ) અને દિલ્હી તમિલ એજ્યુકેશન એસોસિએશન (પુસા રોડ) જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. અગાઉ, 9 ફેબ્રુઆરીના રોજ, દિલ્હી પબ્લિક સ્કૂલ, બાલ ભારતી (રોહિણી) અને સરદાર પટેલ વિદ્યાલય સહિત આશરે 12 સ્કુલોને ધમકીભર્યા ઇમેઇલ મળ્યા હતા. પોલીસે આ સ્કુલોની તપાસ કરી અને ધમકીઓને બનાવટી જાહેર કરી.
29 જાન્યુઆરીના રોજ, એક અજાણ્યા વ્યક્તિએ VPN દ્વારા દિલ્હીની આઠ સ્કુલોમાં બોમ્બ ધમકીના ઇમેઇલ મોકલ્યા. દિલ્હી પોલીસે હજુ સુધી અગાઉના મોટાભાગના ઇમેઇલ ધમકીના કેસોનો ઉકેલ લાવ્યો નથી. છેલ્લા દોઢ વર્ષમાં, શાળાઓ, કોલેજો અને અન્ય સરકારી સંસ્થાઓને તેમના સત્તાવાર ઇમેઇલ એકાઉન્ટ્સ પર 50 થી વધુ વાર આવી ધમકીઓ મળી ચૂકી છે, પરંતુ દિલ્હી પોલીસને આ કેસોમાં કોઈ નોંધપાત્ર સફળતા મળી નથી.
આ પણ વાંચો: AI Impact Summit: ભારતીય યુવા કોંગ્રેસના પ્રમુખને પૂછપરછ માટે સમન્સ, AI સમિટ પ્રોટેસ્ટમાં એક્શન તેજ












