ગુજરાતટોપ ન્યૂઝ

ઉધનામાં દારૂના ખુલ્લેઆમ અડ્ડા પર મહિલાઓ અને સ્થાનિકોની ‘જનતા રેડ’, ભારે હોબાળો

Surat News: ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે સુરતના ઉધના વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉધનાના એમ ફોર માર્કેટ નજીક ધમધમતા એક ગેરકાયદેસર દારૂના અડ્ડાથી કંટાળીને આખરે સ્થાનિક રહીશો અને મહિલાઓએ પોતે જ મોરચો સંભાળવો પડ્યો હતો. વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલી રહેલા આ ‘ઓપન બાર’ જેવા અડ્ડા પર જનતાએ અચાનક રેડ પાડીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

ખુલ્લી જગ્યામાં ‘ઓપન બાર’ જેવો માહોલ, જનતાને જોઈ બૂટલેગરોમાં નાસભાગ

સ્થાનિકો દ્વારા પાડવામાં આવેલી આ રેડ દરમિયાન દ્રશ્યો જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. એક ખુલ્લા મેદાનમાં ગ્રાહકોને બેસીને દારૂ પીવા માટેની તમામ અસામાજિક સુવિધાઓ ગોઠવવામાં આવી હતી. ત્યાં દેશી દારૂની પોટલીઓ અને વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો ખુલ્લેઆમ વેચાઈ રહ્યો હતો. જોકે, સ્થાનિકો અને મહિલાઓનું આક્રમક ટોળું ધસી આવતા જ ત્યાં દારૂ પી રહેલા અને વેચનારા તત્વોમાં નાસભાગ મચી ગઈ હતી. લોકોએ છુપાવીને રાખેલો દારૂનો જથ્થો શોધી કાઢીને પોલીસને હવાલે કર્યો હતો.

‘હર્ષભાઈ, આ દારૂ ક્યાંથી આવે છે?’ – મહિલાઓનો ગૃહરાજ્યમંત્રીને સીધો સવાલ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્થાનિક મહિલાઓનો આક્રોશ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે. એક મહિલાએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના દારૂબંધીના દાવાઓ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, “જો ગુજરાતમાં દારૂબંધી છે, તો આટલો બધો દારૂ અહીં ક્યાંથી આવે છે? દારૂના કારણે કેટલાય પરિવારો બરબાદ થઈ ગયા છે અને લોકો જીવ ગુમાવી રહ્યા છે.” આ સાથે જ મહિલાએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પૂર્વ કોર્પોરેટર નાગરભાઈ પટેલની રહેમનજર અને આશીર્વાદથી ચાલી રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બહેન-દીકરીઓની છેડતીથી કંટાળીને લોકોએ કાયદો હાથમાં લીધો

અડ્ડા પર હાજર એક યુવકે અત્યંત આક્રોશ સાથે બૂમો પાડીને જણાવ્યું કે આ દારૂના અડ્ડાને કારણે જ વિસ્તારમાં અસામાજિક તત્વોનો જમાવડો રહે છે, જેના લીધે તેમની બહેનની છેડતી પણ થઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, બૂટલેગરોના સાગરીતોના કારણે વિસ્તારની મહિલાઓ અને દીકરીઓનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. રેડ દરમિયાન જ્યારે એક અજાણ્યો શખ્સ લોકોને વીડિયો ઉતારતા રોકવા લાગ્યો, ત્યારે એકત્રિત થયેલી ભીડ તેના પર તૂટી પડી હતી અને તેને બરાબરનો પાઠ ભણાવ્યો હતો.

વિપક્ષ અને સામાજિક સંગઠનો મેદાને: પોલીસની કામગીરી સામે પ્રહારો

આ જનતા રેડમાં સ્થાનિકોની વહારે રાજકીય અને સામાજિક સંગઠનો પણ આવ્યા હતા. ઘટનાસ્થળે કોંગ્રેસ અને ભીમ આર્મી (ભીમસેના)ના કાર્યકરો પોતપોતાના સંગઠનના ખેસ પહેરીને લોકોના સમર્થનમાં જોડાયા હતા. વિપક્ષી નેતાઓ અને સામાજિક કાર્યકરોએ સુરત પોલીસની પ્રોહિબિશનની કામગીરી પર આકરા પ્રહારો કરતા આક્ષેપ કર્યો કે, પોલીસની મિલીભગત વગર આવા અડ્ડાઓ ચાલી જ ન શકે. પોલીસની નિષ્ક્રિયતાના કારણે જ સામાન્ય નાગરિકોએ રસ્તા પર ઉતરવું પડ્યું છે.

જય દલાલ હત્યાકાંડના મુખ્ય સૂત્રધારો હજી ફરાર, ત્યાં નવી આફત

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ આ જ ઉધના વિસ્તારમાં ભાજપના સક્રિય કાર્યકર્તા જય દલાલની બૂટલેગરો દ્વારા નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. અગાઉ થયેલી પાસા (PASA)ની કાર્યવાહીની અદાવત રાખીને આ હુમલો કરાયો હતો. આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસના મુખ્ય બે સૂત્રધારોને પકડવામાં સુરત પોલીસ હજી સુધી નિષ્ફળ રહી છે, ત્યાં જ ફરી એકવાર ઉધનામાં જનતાએ દારૂના અડ્ડા સામે મોરચો ખોલતા પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા છે.

આ સમગ્ર મામલે ઉધના પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એમ. ઠાકોરે જણાવ્યું હતું કે, “રાત્રે 112 નંબર પર કંટ્રોલ રૂમ દ્વારા આ અંગે માહિતી મળી હતી. માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. હાલમાં આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગુનો નોંધવાની પ્રક્રિયા ચાલુ છે.”

આ પણ વાંચો: ‘ચમત્કાર સાબિત કરો, 1 કરોડ લઈ જાઓ’, બાબા બાગેશ્વરને વિજ્ઞાન જાથાનો ખુલ્લો પડકાર

 

Back to top button